Get The App

ભુજમાં ગાંજા સાથે પકડાયેલા યુવકો બે દિવસના રિમાન્ડ પર

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
ભુજમાં ગાંજા સાથે પકડાયેલા યુવકો બે દિવસના રિમાન્ડ પર 1 - image


જનરલ હોસ્પિટલના ગેટ સામેથી

૯૯૬ ગ્રામ ગાંજો, ૧ લાખનો મોબાઇલ, દોઢ લાખની બુલેટ સહિત ૨.૬૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો

ભુજ: પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમે બાતમી પરથી દરોડો પાડીને ભુજ જી.કે.જનરલ હોસ્પિટલના ગેટ સામે ફુટપાથ પરથી રૂપિયા ૯,૯૬૦ની કિંમતના ૯૯૬ ગ્રામ ગાંજા સાથે રીઢા આરોપી સહિત બે યુવકોને ઝડપી પાડયા હતા. તેમના કબ્જામાંથી ગાંજા ઉપરાંત એક લાખનો મોબાઇલ, દોઢ લાખની બુલેટ મોટર સાયકલ અને રોકડ રૂપિયા મળી કુલે ૨,૬૦,૬૪૦નો મુદમાલ કબ્જે કરી બી ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસનો ગુનો દાખલ કરાવ્યો હતો. આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતાં અદાલતે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. 

એસઓજીના એએસઆઇ નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલાને મળેલી બાતમીના પગલે એસઓજીના ઇન્સ્પેક્ટર વી.વી.ભોલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કાર્યવાહી કરીને જી.કે.જનરલ હોસ્પિટલના ગેટ સામેથી ચાની લારી પાસે ઉભેલા રીઢા આરોપી પારસગર ઉર્ફે પારસ રમેશગર ગુસાઇ (ઉ.વ.૨૪) અને વિજય રમેશભાઇ ટાંક (ઉ.વ.૨૧) નામના બે યુવકોને દબોચી લીધા હતા. તેમના કબ્જામાંથી રૂપિયા ૯,૯૬૦ની કિંમતના ૯૯૬ ગ્રામ ગાંજો, રોકડ રૂપિયા ૬૮૦, એક લાખનો મોબાઇલ તથા દોઢ લાખની બુલેટ કબ્જે કરીને બન્ને વિરૂધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓની પુછપરછમાં તેઓ વેચાણ માટે અને પીવા લાવ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. ગાંજો કોને અને કઇ જગ્યાએ આપવાનો હતો. તે સહિતની વિગતો ના આપતા હોવાથી બન્ને આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ માટે ભુજની કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ આર.આર.પ્રજાપતિ હાજર રહી દલીલો કરી હતી. 

આરોપી પારસ સામે અગાઉ એનડીપીએસ સહિત પાંચ ગુનાઓ નોંધાયા છે

આરોપી પારસગર ગુસાઇ સામે અગાઉ પણ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા એન.ડી.પી.એસ.ના કેસમાં પકડાઇ ચુક્યો છે. આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ.ના બે સહિત કુલ પાંચ ગુનાઓ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.


Google NewsGoogle News