Get The App

ભુજમાં ગંદકીથી ખદબદતી વાણીયાવાડની પીઠાવાળી શેરી : રોગચાળો ફેલાવાની ભિતી

Updated: May 24th, 2024


Google NewsGoogle News
ભુજમાં ગંદકીથી ખદબદતી  વાણીયાવાડની પીઠાવાળી શેરી : રોગચાળો ફેલાવાની ભિતી 1 - image


ગંદકીથી ખદબદતા રસ્તાઓ સફાઈનો અભાવ

ભુજ નગર પાલિકાએ માત્ર નવી એજન્સીઓને કામ સોંપી સંતોષ માન્યો, કામ થાય છે કે કેમ તેનું સુપરવિઝન ન થતાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત

ભુજ: કચ્છનો પાટનગર ભુજ ગંદકીથી ખદબદી રહ્યું છે. સાફસફાઈની વાત કરવામાં આવે તો પરિસ્થિતી ઠેર ની ઠેર ઉભી જ છે. શહેરમાં અનેક વિસ્તારોમાં સાફસફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. જે નિયમીત સફાઈ થતી નથી તેની ચાળી ખાય છે. વાણીયાવાડ વિસ્તારમાં આવેલી પીઠાવાળી શેરીમાં કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે.

ભુજ શહેરમાં ઠેર ઠેર કચરો અને ગંદકી જોવા મળી રહી છે.જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. વાણીયાવાડ વિસ્તારમાં આવેલી પીઠાવાળી શેરી ગંદકીથી ખદબદી રહી છે. અહિં દરરોજ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. આ વિસ્તારમાં હાથલારી પર શાકભાજીનો વેપાર કરતા કાછીયાઓ દ્વારા અહિં જ કચરો ફેંકવામાં આવે છે. જેના કારણે રોગચાળો ફાટી નિકળવાનો ભય રહેલો છે. તે સિવાય સાંકળી શેરીમાં પોલિસની પેટ્રોલિંગ પણ નહિંવત જેવી દેખાય છે જેના કારણે લોકો દારૃની મોજ માણતા હોય છે.દારૃની પાર્ટી ઉજવી તેની ખાલી બાટલીઓ પણ કચરામાંથી ડોકીયું કાઢી રહેલી નજરે ચડે છે.

નવી શાક માર્કેટની બાજુ વાળી સાંકળી શેરીમાં દારૃની બાટલીઓ સહિતનો કચરો ઠલવાય છે. જાણે ભુજ નગર પાલિકાનું ડમ્પીંગ સ્ટેશન બની ગયું હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. ભુજ નગર પાલિકાએ સાફ સફાઈની એજન્સીઓ બદલી નાખી છે અને ચાર ઝોનમાં સફાઈ કામનો કોન્ટ્રાકટ આપ્યો છે. પરંતુ જોવા જેવું એ છે કે, એજન્સીઓ દ્વારા કામગીરી કરાય છે કે કેમ? તેને જોવા માટે કોઈ સુપરવિઝન કરનારૃં નથી. જેના લીધે ગંદકીનું સામ્રાજ્ય યથાવત છે અને દિવસે ને દિવસે ગંદકી વધતી જાય છે.

ભુજ શહેરમાં અનેક જગ્યાએ કચરાના ગંજ ખડકાયેલા દેખાતા હોય છે. અને મુખ્ય બજારની શેરીઓ ભયંકર ગંદકીથી ખદબદી રહી છે. ખરેખર તો ભુજ નગર પાલિકાએ વ્યવસ્થિત રીતે સાફસફાઈનું આયોજન ઘડવું જોઈએ.અને એજન્સીઓ યોગ્ય રીતે કામકાજ કરે છે કે કેમ? તેના પર સુપરવાઈઝર અથવા વોર્ડનને જવાબદારી સોંપવી જોઈએ. માત્ર કાગળ પર કોન્ટ્રાકટ આપી દેવાથી સાફ સફાઈ યોગ્ય રીતે થાય તેવું માનવું ન જોઈએ. યોગ્ય અને સચોટ રીતે કામગીરી કરવામાં ભુજ સુધરાઈ નિષ્ફળ ગઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભુજ નગરપાલિકાએ  સત્વરે સાફસફાઈના કામો પર સુપરવાઈઝરની નિમણુંક કરવી જોઈયે તેમજ સાંકળી શેરીમાં ઉજવાતી દારૃની પાર્ટીઓ અટકાવવા માટે પોલિસ પેટ્રોલિંગ વધારે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.


Google NewsGoogle News