ક્રિકેટ સટ્ટાનાં નાણાંની હેરાફેરી કરવા 8 હજારમાં બેંક ખાતા ભાડે મેળવી ૩૦ હજારમાં આપતાં બે શખ્સોને ઝડપી લેવાયા

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
ક્રિકેટ સટ્ટાનાં નાણાંની હેરાફેરી કરવા 8 હજારમાં બેંક ખાતા ભાડે મેળવી ૩૦ હજારમાં આપતાં બે શખ્સોને ઝડપી લેવાયા 1 - image


બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસનો સપાટો 

૧૯ બેંક ખાતામાં ૧૩.૫૫ કરોડનાં ટ્રાન્જેકશન થયા, અલગ અલગ બેંક ખાતાની ૪૪ કીટો કબ્જે કરાઈ

ગાંધીધામ: ક્રિકેટ સટ્ટામા આવતા ગેરકાયદેસર નાણાનો વ્યવહાર કરવા માટે બેન્ક ખાતા ભાડે રાખવાની પ્રવૃતિનો હવે રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે.અગાઉ પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે ૧૨ કરોડના વ્યવહારનો પર્દાફાશ કર્યા બાદ રેન્જ પોલીસે ૧૩.૫૫ કરોડના વ્યવહારનો પર્દાફાશ કર્યો છે.જેમાં  અલગ અલગ લોકો પાસે બેંક એકાઉન્ટ ખોલાવી તેમનાં એકાઉન્ટ ૮ થી ૧૦ હજાર રૂપિયામાં ભાડે આપી મુંબઈનાં શખ્સને તેજ એકાઉન્ટ ૩૦ હજાર રૂપિયામાં ભાડે આપતાં આદિપુરનાં બે માસ્ટર માઈન્ડ  શખ્સોને રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા છે. તેમજ બે શખ્સો પાસે જુદા જુદા એકાઉન્ટની ૪૪ કીટો સાથે એક મોબાઈલ ફોન અને કાર કબ્જે કરવામાં આવી છે. 

આ અંગે મળતી માહિતી અનુસાર આદિપુરનાં ગજવાણી કોલેજ રોડ પર સરહદી રેન્જ ભુજની સાયબર ક્રાઇમ પોલીસે એક સફેદ કલરની કાર નં જીજે ૧૨ બીએ ૧૯૨૯માં બે શખ્સો ૩૭ વર્ષીય  નરેશ રમેશભાઈ સંગતાણી (રહે. ગુડા આશ્રમ આદિપુર) અને ૨૨ વર્ષીય ભરત મુકેશભાઈ નેનવાયા (રહે. સાધુવાસવાણીનગર આદિપુર)ને ઝડપી પાડયા હતા.જેમાં પોલીસે બે આરોપી પાસે છેતરપિંડીથી કે કોઈ લોભ લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી અને નવા ખોલાવેલા બેંક એકાઉન્ટની કુલ ૪૪ કીટો સાથે એક મોબાઈલ ફોન અને કાર કબ્જે કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે જણાવ્યુ હતું કે, ઝડપાયેલા બે આરોપી તેના અલગ અલગ ઓળખીતા સાથી મિત્રોને લોભ લાલચ આપી તેમની પાસે અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેમાં એકાઉન્ટ ખોલાવ્યા બાદ બેંકનાં ખાતા ધારકને  ૮ થી ૧૦ હજાર રૂપિયાની કમિશન આપી તેમના  એકાઉન્ટ વાપરવા માટે ભાડા પર મેળવી લીધા હતા. જેમાં બે આરોપી કમિશન પર મેળવેલા તમામ એકાઉન્ટનો ઉપયોગ ક્રીકેટ સટ્ટામા આવતા ગેરકાયદેસર નાણાનો ગેરકાયદેસર વ્યવહાર કરવા માટે આદિપુર રહેતા રાજ દિપકભાઈ ધનવાણી અને 

મુંબઈ મહારાષ્ટ્ર ખાતે રહેતા બાબુભાઈ બાળાને તમામ બેન્ક ખાતાની વિગત મોકલી હોવાની હકીકત જાણવા મળી હતી. જેમાં ઝડપાયેલા આરોપી નરેશ સંગતાણીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે,  અલગ અલગ લોકો પાસે બેંક ખાતા ખોલાવી ભાડેથી મેળવેલા સાઉથ ઈન્ડીયન બેન્ક તથા એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કમાં ખોલાવેલ ખાતાઓમાં ગુગલ મેસેન્જર ક્યુઆર કોડ સ્કેન કરી તેને ક્રીકેટ સટ્ટાના ગેરકાયદેસર નાણાકીય ઉપયોગ કરવા માટે આદિપુર રહેતા રાજ મુંબઈ રહેતા બાબુભાઈને આપવામાં આવ્યા હતા.જે ખાતાઓમાં અન્ય નાણાકીય વ્યવહારો કરવા માટે તે ખાતામાં આરોપી બાબુભાઇએ મેસેજ દ્વારા મોકલેલા મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા.જેમાં બાબુભાઇ પકડાયેલા આરોપી નરેશ અને ભરતને ખાતાદીઠ ૩૦ હજાર રૂપિયાની કમીશન આપતો હોવાનું સામે આવ્યું છે. જેમાં બે પકડાયેલા આરોપીઓએ અલગ અલગ લોકો પાસે કુલ ૧૯ જેટલાં બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. જે ખાતાઓમાં કુલ ૧૩.૫૫ કરોડ જેટલી રકમનો ગેરકાયદેસર રીતે નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યા હતા.જેમાં બે આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે મુંબઈનો બાબુભાઈ બાળા અને આદિપૂરનો રાજ દિપકભાઈ ધનવાણી ફરાર છે. 

ફરાર રાજ ધનવાણીનું વધુ એક દેશ વ્યાપી સાયબર ક્રાઇમનાં કૌભાંડમાં નામ ખુલ્યું 

અગાઉ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે ચાલતા દેશ વ્યાપી સાયબર ક્રાઇમનું પર્દાફાસ કર્યો હતો. જેમાં મિત્રતાનું ઢાલ બનાવી નરેન્દ્ર અને પ્રમોદકુમાર  મેળવેલા અલગ અલગ ૨૩ બેંક ખાતા આદિપુરની હસ્મિતાનાં આપ્યા હતા. જે બેંક ખાતા હસ્મિતાએ આદિપુરનાં રાજને આપ્યા હતા. જેમાં લોકો પાસે ઠગાઇ અને છેતરપિંડીથી મેળવેલા કુલ ૧૨.૨૪ કરોડનાં વ્યવહારો થયા હતા. તો ફરી વખત એક દેશ વ્યાપી કૌભાંડમાં આ માસ્ટર માઈન્ડ રાજનું નામ ખુલ્યું છે. જેમાં આદિપુરમાં બે શખ્સો લોભ લાલચ આપી અને ૮ હજાર રૂપિયામાં મેળવેલા બેંકનાં ખાતા આ રાજ અને મુંબઈનાં બાબુભાઇને આપ્યા હતા. જેમાં ગેરકાયદેસર રીતે ક્રિકેટ મેચનાં સટ્ટાનાં ૧૩.૫૫ કરોડ રૂપિયાનાં વ્યવહારો કરવામાં આવ્યા હતા. રાજ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. 


Google NewsGoogle News