ગાંધીધામમાં ગેરકાયદેસર ગેસના બાટલા રીફલીંગ કરનાર બે શખ્સ ઝડપાયા

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
ગાંધીધામમાં ગેરકાયદેસર ગેસના બાટલા રીફલીંગ કરનાર બે શખ્સ ઝડપાયા 1 - image


પુરવઠા વિભાગની કામગીરી પોલીસે કરી 

બે દરોડામાં ખાલી - ભરેલા કુલ ૨૬ ગેસનાં બાટલા કબ્જે કરાયા

ગાંધીધામ: અંજારના વરસામેડીમાં શાંતિધામ - રમાં પ્રોવીઝન સ્ટોરના સંચાલક દ્વારા ગેરકાયદે રીતે જોખમી અને ઘરેલુ ગેસના બાટલા રીફલીંગ કરનાર શખ્સને પોલીસે ખાલી અને ભરેલા મળી કુલ ૨૦૦ ગેસનાં બાટલા સાથે ઝડપી પાડયો હતો. જે કાર્યવાહી બાદ ગાંધીધામમાં પણ ગેરકાયદેસર રીતે જોખમી અને ઘરેલુ ગેસના બાટલા રીફલીંગ કરનાર બે શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી તેમને ખાલી - ભરેલા મળી કુલ ૨૬ ગેસનાં બાટલા સાથે પોલીસે ઝડપી પાડયા હતા.પોલીસે બે આરોપી પાસે રીફલીંગ માટે ઉપયોગમાં લેવાતા પાઈપ, મોટર, વાલ્વ, વજનકાંટા સહીત કુલ ૫૪ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામનાં ગણેશનગરમાં શાકભાજી માર્કેટ પાસે આવેલ દુકાન નં. ૪૫૩, આયુષ એન્ટરપ્રાઈઝ પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે ગેરકાયદેસર રીતે કોમશયલ તેમજ ઘરેલુ વપરાશની ગેસનાં બાટલામાંથી અન્ય બાટલામાં કોઈ પણ પ્રકારની ફાયરની સેફટી રાખ્યા વગર પોતાની તેમજ બીજાની જીંદગી જોખમાય ટે રીતે ગેસ રીફીલિંગ કરતા ૩૬ વર્ષીય આરોપી મુનાકુમાર ચનારી કેવટ (રહે. ગણેશનગર ગાંધીધામ)ને  ઘરેલુ ગેસના ભરેલા ૬ બાટલા, બે ખાલી તેમજ કોમર્શીયલ ગેસના બે ભરેલા અને બે ખાલી બાટલા તેમજ રીફલીંગ માટે ઉપયોગમાં લેવાતા પાઈપ, મોટર, વાલ્વ, વજનકાંટો સહીત કુલ રૂ. ૨૬,૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. તેમજ પોલીસે બીજી કાર્યવાહી  આજ વિસ્તારમાં સંતોષ ચુલા રીપેરીંગ નામની દુકાન પર કરવામાં આવી હતી.જેમાં પોલીસે ૨૪ વર્ષીય સંતોષ રામાશિષ કેવટ (રહે. ગણેશનગર ગાંધીધામ)ને ઘેરેલુ ઉપયોગના ગેસના ભરેલા ૮ બાટલા, બે ખાલી તેમજ કોમર્શીયલ ગેસના ભરેલો એક અને ત્રણ ખાલી બાટલા તેમજ પાઈપ, મોટર વગેરે મેળી કુલ ૨૮ હજારનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. 

પુરવઠા વિભાગની કામગીરી પોલીસે કરી, ગાંધીધામ અંજારનો પુરવઠા વિભાગ ઊગતું ઝડપાયું 

અંજારનાં વરસામેડીમાં પોલીસે ગેરકાયદેસર રીતે ચાલતી ગેસ રીફીલિંગની પ્રવુતિ ઝડપી પાડી હતી. જે બાદ ગાંધીધામમાં પણ પોલીસે બે દરોડા પાડી લોકોની જીંદગી જોખમમાં મુકાય તે પ્રમાણે ગેસનું રીફલીંગ કરતા બે શખ્સોને ઝડપી પાડયા હતા.ગાંધીધામ અને અંજારનો પુરવઠા વિભાગને કરવાની થતી કામગીરી પોલીસને કરતા વધુ એક વખત પુરવઠા વિભાગ અંધારામાં ઉઘતું ઝડપાયું હતું.ગાંધીધામ - અંજારમાં હજુ પણ ઠેક ઠેકાણે ગેરકાયદેસર રીફીલિંગનું ગેરકાયદેસર કામ થઇ રહ્યું છે. શું પોલીસે પડેલા ત્રણ દરોડા બાદ પુરવઠા વિભાગ પોતાની કુંભકર્ણની નીંદથી જાગશે કે હજુ સૂતો રહેશે એવી લોક ચર્ચાએ જોર પકડયો હતો.


Google NewsGoogle News