ગાંધીધામમાં હાઇવે પર જોખમી રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ છકડો ઘુસી જતા બેનાં મોત, ત્રણ ઘાયલ
મીઠીરોહરમાં બાઈક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
ગાંધીધામ: ગાંધીધામ અને મીઠીરોહરમાં અકસ્માતમાં કુળદેવી ત્રણ મોત થયા હતા. જેમાં ગાંધીધામ ભચાઉ હાઈવે પર પડાણા નજીક કચ્છ આર્કેડ સામેના પુલ પર રાતના અંધારામાં પાર્ક કરેલી ટ્રક પાછળ છકડો ઘૂસી જતાં તેમાં સવાર બે પેસેન્જરનાં ઘટના સ્થળ પર મોત થયા હતા. જ્યારે ત્રણ લોકોને નાની - મોટી ઈજાઓ થઇ હતી.તો બીજી બાજુ ગાંધીધામનાં મીઠીરોહરમાં ટ્રીનીટી ગોડાઉન પાસે ચા - નાસતો કરવા પગે ચાલીને જતા ટ્રેઈલર ચાલકને બાઈક ચાલકે હડફેટે લીધું હતું. જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર મોત થયું હતું.
મૂળ મધ્યપ્રદેશ જીકટણીનાં હાલે ગાંધીધામમાં પડાણામાં રહેતા રાહુલ પ્રહલાદે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ગત સોમવારનાં જન્માષ્ટમીના પર્વે રાત્રે આઠ વાગ્યાના અરસામાં દુર્ઘટના સર્જાઈ હતી.
જેમાં ફરિયાદીનો નાનો ભાઈ આકાશ રોજગાર અર્થે મધ્ય પ્રદેશથી ગાંધીધામ આવ્યો હતો. રાત્રે આઠ વાગ્યે રેલવે સ્ટેશન પર ઉતરીને છકડામાં બેસી પડાણા જવા માટે નીકળ્યો હતો. દરમિયાન ગાંધીધામ ભચાઉ હાઈવે પર પડાણા નજીક કચ્છ આર્કેડ સામેના પુલ પર રાતના અંધારામાં પાર્ક કરેલી ટ્રક નં જીજે ૧૨ બીટી ૩૯૭૬ પાછળ છકડો ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડામાં સવાર ફરિયાદીનાં નાનાં ભાઈ આકાશને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. તેમજ તેમની સાથે છકડામાં સવાર પડાણાના અન્ય એક શ્રમિક અશદુલ ગુલામ શેખનું પણ ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું હતું. તો અન્ય ત્રણ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ટ્રેન આવ્યાનાં એકાદ કલાક સુધી ભાઈ પડાણા ન પહોંચતા ફરિયાદીએ નાનાં ભાઈનાં નંબર પર ફોન કરતા અજાણ્યા માણસે ફોન ઉપાડીને દુર્ઘટના અંગે ફરિયાદીને જાણ કરી હતી. જેથી ફરિયાદીએ રોડ વચ્ચે જોખમી રીતે પાર્ક કરેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તો બીજી બાજુ ગાંધીધામનાં મીઠીરોહરમાં ટ્રીનીટી ગોડાઉન પાસે અકસ્માત થયો હતો. જેમાં રાજસ્થાનનાં અજમેરમાં રહેતા સાહીદ શફીક બેગે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદી સાથે સાહીલ ટ્રેઈલર સવસમાં ડ્રાઇવર તરીકે કામ કરતો અનવર રફીફખાન અને તેમનો મોટો ભાઈ સલીમ રફીકખાન બેગ ટ્રેઈલર નં આર જે ૦૧ જીસી ૨૭૯૫માં હરિયાણાથી ચોખા ભરી અને મીઠીરોહરમાં ટ્રીનીટી ગોડાઉનમાં ખાલી કરવા આવ્યા હતા. જ્યાં ટ્રેઈલર ખાલી થતું હતું ત્યા ગોડાઉનની સામે અનવર અને સલીમ પગે ચાલીને ચાય - નાસતો કરવા જતા હતા. દરમિયાન અજાણ્યા બાઈક ચાલકે પોતાની બાઈક પુરઝડપે ચલાવી સલીમ રફીક બેગને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.જેમાં સલીમને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. આરોપી બાઈક ચાલક અકસ્માત સર્જી પોતાની બાઈક પર નાસી ગયો હતો. જેથી ફરિયાદીએ અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.