અકસ્માતોને રોકવા ટ્રાફિક પોલીસ - R.T.O. અને માર્ગ મકાન વિભાગ હવે એક થશે!
ભુજમાં એસ.પી.ની બાઈક પેટ્રોલીંગની સફર બાદ તંત્રની આંખ ઉઘડી
ભુજ- નખત્રાણા- ભચાઉ ધોરીમાર્ગનું નિરીક્ષણ કરાયું, વળાંક પર ઝાડી કટીંગ કરાશે, અંધારામાં લાઈટ લગાવી, ખાડાઓ પુરવા સહિતની કરાશે કામગીરી
પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સુચનાને પગલે જિલ્લા ટ્રાફિક સબ ઇન્સ્પેકટર ડી.જે.સરવૈયાના માર્ગદર્શન હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારમાં ૬૪ જેટલા સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા અને કેટ આઈઝ લગાવી દેવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જે અંતર્ગત બુધવારની રાત્રીથી જ્યુબીલી સર્કલથી રીલાયન્સ સર્કલ સુધીના ૧૪ સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા તથા કેટઆઇઝ લગાવી દેવાયા છે. તે સાથે જ્યુબીલી સર્કલથી પ્રિન્સ રેસીડન્સી, જ્યુબીલી સર્કલથી બસ સ્ટેશન અને ખેંગાર પાર્ક તથા મંગલમ ચાર રસ્તા તેમજ આત્મારામ સર્કલથી આર.ટી.ઓ.સર્કલ અને રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર કુલે ૬૪ જેટલા સ્પીડ બ્રેકરો આવેલા છે. તે તમામ પર સફેદ પટ્ટા લગાવવાની કાર્યવાહી સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવશે તેવું જિલ્લા ટ્રાફિક પીએસઆઇએ જણાવ્યું હતું.
દરમિયાન, વધુમાં જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ.એ જણાવ્યું હતું કે, આજરોજ માર્ગ મકાન વિભાગની ટીમના અધિકારીઓને સાથે રાખીને ભુજ- નખત્રાણા અને ભુજ- ભચાઉ હાઈવેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અકસ્માત ઝોન વિસ્તારમાં હાઈવે પર જયાં અંધારપટ્ટ છે તે જગ્યાએ એલોઝન લાઈટ લગાડાશે. હાઈવે પર વળાંક પર બાવળોની ઝાડીની કટીંગ કરાશે જેથી દુરથી આવતા વાહન ચાલકોને સામેથી આવતા વાહન બરાબર દેખાય. જિલ્લા ટ્રાફિક શાખા, આરટીઓ માર્ગ મકાન વિભાગ સાથે મળીને હાઈવે પર સુધારણા ઝુંબેશ હાથ ધરશે. માર્ગ પરના ખાડાઓ પુરવા, ઝાડી કટીંગ કરવી, અંધારામાં લાઈટ મુકવી સહિતની કામગીરી કરાશે જેથી કરીને અકસ્માતોના બનાવોને અટકાવી શકાય.
પોલીસ વડા બાઈક પર પેટ્રોલીંગ પર નીકળ્યા બાદ આ પ્રકારની કામગીરી કરાશે જે આવકારદાયક કહી શકાય પરંતુ સામાન્ય દિવસોમાં જ આ પ્રકારની કામગીરી રાબેતા મુજબ થતી રહે તો પણ અકસ્માતોનું પ્રમાણ મહંદઅંશે ઘટાડી શકાય.