ભચાઉમાં વેપારીઓ પાસે વ્યાજના રૂપિયાની વસૂલી કરતા ત્રણને રંગેહાથ ઝડપી લેવાયા

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
ભચાઉમાં વેપારીઓ પાસે વ્યાજના રૂપિયાની વસૂલી કરતા ત્રણને રંગેહાથ ઝડપી લેવાયા 1 - image


ગાંધીધામના વ્યાજખોરે ડાયરીની વસુલી કરવા તમિલનાડુનાં ત્રણ ઈસમ રાખ્યા 

કાર્યવાહીમાં રોકડ રકમ સાથે ૧૮ ડાયરી કબ્જે કરાઈ

ગાંધીધામ: પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીના ચક્રમાં નાના વેપારી તેમજ આમ નાગરિકોને છોડાવા માટે કેટલાક આયોજન અને જાહેર સભાઓ કરી છે. જેમાં પૂર્વ કચ્છના તમામ તાલુકામાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરવા આગળ આવવા આહવાન કર્યું છે. હાલ ભચાઉમાં ઊંચા વ્યાજે પૈસા આપી વસૂલી કરતા ઈસમ વિરુદ્ધ સરકાર તરફે ગુનો દાખલ કરી ઈસમને ઝડપી કાયદાનું ભાન કરાવ્યુ હતું. તેમ ફરી એક વાર ભચાઉમાં ગેરકાયદે ઊંચા વ્યાજે ડાયરી પર પૈસા આપીને વસૂલી કરતા મૂળ તમિલનાડુના ત્રણ ઈસમોને રંગેહાથ ભચાઉ પોલીસે ઝડપી પાડયા હતા. અને તેમના પાસે વસૂલી કરવા રાખેલી ૧૮ ડાયરી કબ્જે કરી સરકાર તરફે ગુનો દાખલ કરી આ ત્રણ ઈસમને ઉઘરાણી કરવા પગાર પર રાખનાર ગાંધીધામના વ્યાજખોરને પકડવા આગળની કાર્યવાહી હાથધરી હતી.

 

આ અંગે ભચાઉ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ભચાઉમાં જુના બસ સ્ટેશન પાસે  મુળ તમીલનાડુનો અને હાલે વરસામેડી અંબાજીનગરમાં રહેતો નીશારઅહમદ અયુબ, સુંદરપુરી પાણીના ટાંકા પાસે રહેતો કિરૂબાકરન રવિચંદ્રન અને શેખ ફરીદ મહંમદ ઈસ્માઈલ નાણા ધીરનારનું કોઈ પણ લાયસન્સ વગર વ્યાજવટાવનો ધંધો કરે છે અને છુટક મજુરી કરતા નાના ગરીબ માણસો તથા વેપારીઓ અને રીક્ષા ચાલક રેકડીધારકોને ડાયરી પર રૂપિયા આપી, ખુબ ઉંચું વ્યાજ વસુલે છે. જે બાતમી આધારે ભચાઉ પોલીસે જુના બસ સ્ટેશન પાસે બપોરના સમયે ઉઘરાણી કરવા આવતા વ્યાજની વસુલી કરતા ત્રણેય ઈસમોને રંગેહાથ પોલીસે ઝડપી લીધા હતા, અને આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૧૯,૬૦૦ અને મોબાઈલ ફોન નંગ ૩ જેની કિંમત રૂ. ૧૫,૦૦૦ સાથે ૧૮ ડાયરી કબ્જે કરી હતી.આરોપીને પુછપરછ કરતા આરોપીઓ દ્વારા જણાવ્યુ હતું કે અમે તો ફક્ત કામદાર છીએ અમને ડાયરીના વ્યાજના રૂપિયા ઉઘરાવવા માટે પગાર મળે છે અને અમે ગાંધીધામના મુસ્તાક અલી અનમ (રહે. નેહરૂ પાર્કની સામે, ભારતનગર, ગાંધીધામ) માટે કામ કરીયે છીએ. વધુમાં ત્રણે આરોપીએ જણાવ્યુ હતું કે આરોપી મુસ્તાક જરૂરીયાત મંદો નાના વેપારીઓને ઉંચા વ્યાજે ડાયરી પર રૂપિયા આપે છે અને ત્રણેય આરોપી સાથે ઉઘરાણી કરે છે. જેના બદલામાં તેમને મહીને નિશારઅહમદ મેનેજર તરીકે કામ કરે છે અને તેને મહિને ૨૦ હજાર રૂપિયા અને બાકી બે કિરુબાકરન અને ફરીદને મહિને ૧૫ હજાર રૂપિયા પગાર આપે છે. જેથી ભચાઉ પોલીસે સરકાર તરફે પોતે ફરિયાદી બનીને આ ચારે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હતો. અને મુખ્ય આરોપીને પકડવા વધુ તપાસ હાથધરી હતી.

આ ચારેય વ્યાજખોરોનો ભોગ બન્યા હોવતો ફરિયાદ કરવા આગળ આવો

ભચાઉમાં ઝડપાયેલા ત્રણેય વ્યાજખોર ઈસમો ના કોઈ નાના વેપારીકે છૂટક મજૂરી કરતા લોકો ભોગ બન્યા હોય કે તેમના વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો આગળ આવી ભચાઉ પોલીસ સ્ટેશનનું સંપર્ક કરવા પી આઈ એ જાહેર અપીલ કરી હતી.


Google NewsGoogle News