ભુજથી કારમાં નકલી નોટના બંડલ લઇ મુંબઇ છેતરપીંડી કરવા નીકળેલા ત્રણ તસ્કર પકડાયા
એલસીબીની ટીમે બાતમી પરથી અનમનગર ચોકડી પાસેથી ચીટરોને દબોચી લીધા
પોલીસે રોકડા ૭૨,૫૦૦ ,ત્રણ મોબાઇલ અને ૫૦૦ની ખોટી નોટના પાંચ બંડલ, ૫ લાખની કાર કબ્જે કરી
ભુજ: ભુજથી કારમાં મુંબઇ નકલી નોટના બંડલો લઇને છેતરપીંડી કરવા નીકળેલા ત્રણ તસ્કરોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભુજના અમનનગર ચોકડી પાસેથી દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૭૨,૫૦૦ તેમજ ૧૫ હજારની કિંમતના ત્રણ મોબાઇલ અને પાંચ લાખની કાર અને ૫૦૦ના દરની ખોટી નોટના પાંચ બંડલ કબ્જે કરી વધુ તપાસ ચલાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમને બાતમી મળી હતી. કે, રેલ્વે સ્ટેશનથી અમનનગર ચોકડી તરફ જતા રોડ પર એક વાદળી કલરની સ્વીફ્ટ કારમાં ત્રણ ઇસમો ભેગા મળીને નકલી રૂપિયાની નોટો લઇને મુંબઇ છેતરપીંડી કરવા જવાના છે. જેથી એલસીબીએ તાત્કાલિક કાર્યવાહી કરીને કારમાં બેઠેલા અલસમ સુલતાન સમા (ઉ.વ.૨૨) રહે માધાપર સોનાપુરી, તથા ખાવડાના લુડીયા ગામના હમીદ સીધીક નોડે (ઉ.વ.૨૪), નવાઝ હાજી જલાલ નોડે (ઉ.વ.૨૩) નામના ત્રણ ચીટરોને ઝડપી પાડયા હતા. ચીટરોના કબ્જામાંથી પાંચ લાખની કાર, અસલી ચલણના રૂપિયા ૭૨,૫૦૦ તેમજ ૧૫ હજારના ત્રણ મોબાઇલ અને ૫૦૦ના દરની નકલી નોટના પાંચ બંડલો સહિતનો મુદમાલા કબ્જે કરીને આગળની કાર્યવાહી માટે ભુજ બી ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા.