દુધઈમાં કરિયાણાની દુકાનમાં ચોરી કરનારને ત્રણ વર્ષ કેદ
અંજાર કોર્ટમાં ચોરીનો કેસ ચાલ્યો સુપરફાસ્ટ સ્પીડમાં
બનાવના માત્ર એક મહિનામાં જ ઝડપી કામગીરી કરી સજા ફટકારાઈ
ગાંધીધામ: અંજાર કોર્ટના ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમ વાર ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીનો કેસ સુપરફાસ્ટ ચાલ્યો હતો અને ગુનો બન્યો તેના માત્ર એક મહિનાના સમયમાં જ આરોપીને સજા ફટકારવામાં આવી છે. જેમાં અંજારનાં દુધઈમાં થયેલી કરિયાણાનાં દુકાનમાં ચોરીનાં બનાવમાં અંજાર કોર્ટે ચોરી કરનાર ઈસમને ત્રણ વર્ષની કેદની સજા સાથે રૂ. ૫ હજારનો દંડ ફટકાર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર ગત ૪ એપ્રિલના દુધઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં ૨૦ વર્ષીય આરોપી જાકીલશા ઉર્ફે જાબુડો નૂરશા ફકીર (રહે. દુધઈ અંજાર)ને કરિયાણાની દુકાનમાં ચોરી કરેલા મુદ્દામાલ અને રોકડ રકમ સાથે ઝડપી પાડયો હતો.જે બનાવમાં પોલીસે આરોપી વિરુદ્ધ એક અઠવાડિયામાં ચાર્જસીટ રજૂ કરી અને એક મહિનાનાં ટૂંકા સમયમાં તમામ સાક્ષીઓ અને પંચોને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં અંજાર કોર્ટ દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપી જાકીલશાને ત્રણ વર્ષની કેદ અને ૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ગુના આચરનાર આરોપીઓને વર્ષો સુધી કોર્ટના ચક્કર કાપવા પડતા હોય છે પરંતુ કોર્ટમાં કેસોના ભારણના કારણે કેસનો નિકાલ ઝડપથી થઈ શકતો નથી પરંતુ પોલીસે કરેલી ઝડપી કામગીરી અને કોર્ટ દ્વારા પણ તાત્કાલિક નિર્ણય લેવામાં આવતા આરોપીને ખૂબ ઝડપી પ્રક્રિયા કરી સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે.