2-2 લિટરની 80 બોટલો છકડામાં નાખી ભચાઉમાં નિયત જગ્યાએ પહોંચે તે પહેલા જ પોલીસે ઝડપી લીધા
મુંબઈથી વતન વાગડમાં દારૂ વેચવા આવેલા ૪ યુવાનો ઝડપાયા
દિવાળી પર રોકડા મળી જાય તે માટે ચારેય યુવાને પ્લાન ઘડયો, છકડા ચાલક સહિત ૫ ઝડપાયા
ગાંધીધામ: દિવાળી પ્રસંગે રોકડા મળી જાય તે માટે મૂળ ભચાઉ અને હાલે મુંબઈ ખાતે રહેતા ૪ મિત્રોએ કમાઈ લેવાનો પ્લાન ઘડયો હતો અને મુંબઈથી દારૂની ૨-૨ લિટરની ૮૦ બોટલો લાવી ભચાઉમાં વેચવા માટે આવ્યા હતા. દરમિયાન રાત વચ્ચે તે છકડામાં દારૂ ભરી નિયત સ્થળે જતાં હતા ત્યારે જ પોલીસે તેમણે ઝડપી લીધા હતા.
આ બનાવમાં પોલીસે વિશન હરજીભાઈ બારસણીયા (રહે. મૂળ બાદરગઢ), જીતેન્દ્ર જગદીશભાઈ રાવરીયા (રહે. મૂળ લખપત, ભચાઉ), હિતેશ અરજણભાઈ બારી (રહે. મૂળ કિડીયાનગર, રાપર), ફિરોઝ જીલાની શેખ (રહે. સાંતાક્ઝ, મુંબઈ) અને છકડાચાલક અશર્રફ હુસેનભાઈ ઘાંચી (રહે. હિંમતપુરા, ભચાઉ)ને ઝડપી લીધા છે. પોલીસે જણાવ્યુ હતું કે, દિવાળી નજીક છે ત્યારે વતનમાં દારૂની બાટલીઓ વેચીને કમાઈ લેવાના હેતુથી ચારે જણ મુંબઈથી બે-બે લિટર વ્હિસ્કીની ૮૦ બાટલીઓ લઈને વતન ભચાઉ પહોચ્યા હતા. વતન પહોંચીને ચારે જણે બાટલીઓ નિયત સ્થળે પહોંચાડવા માટે એક સ્થાનિક લોડિંગ છકડાવાળાનો સંપર્ક કર્યો હતો. લોડીંગ છકડામાં બાટલીઓ ગોઠવી ઉપર સફેદ રંગનું પ્લાસ્ટિકનું કવર ઢાંકીને રાત્રિના સમયે ચારેય શહેર વચ્ચેથી નીકળ્યાં હતાં. જો કે, બાતમી મળી જતાં ભચાઉ પોલીસે વાગડ વેલફેર હોસ્પિટલ પાસે વોચ ગોઠવી છકડો અટકાવીને દારૂની હેરફેરનો પર્દાફાશ કરી દીધો હતો. આ બનાવમાં પોલીસે ૧.૨૦ લાખની શરાબની બાટલીઓ સાથે છકડો પણ જપ્ત કર્યો છે.