ભીમાસરમાં સાત ટેન્કર સહિત 13 વાહનો ઠગાઈ કરી ભાગીદારે પોતાના નામે કરી લીધા
ભાગીદાર અને હિસાબનીશે કૃત્ય આચર્યું ઃ હિસાબ આપવામાં આનાકાની કરતાં શક ગયો, તપાસ કરી તો હકીકત બહાર આવી
ગાંધીધામ: અંજાર તાલુકાના ભીમાસર સહારા ગામના વેપારીએ તેના મિત્ર સાથે ભાગીદારીમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય શરૂ કર્યો હતો. જેમાં પોતાના વાહનો લગાવ્યા હતા. ફરિયાદી વેપારીને ગીર-સોમનાથ જવાનું થતા તેની ગેરહાજરીનો લાભ લઈ અન્ય ભાગીદાર અને હિસાબનીસે ભેગા મળીને ફરિયાદીની માલિકીના ૧૩ વાહનો પૈકી સાત ટેન્કર અને એક ક્રેટા કાર પોતાના નામે ચડાવી દીધી હતી જેથી વિશ્વાસઘાત-ઠગાઈની ફરિયાદ દાખલ થઈ છે.
ફરિયાદી રાજેશભાઈ ધરમશીભાઈ હુંબલના જણાવ્યા પ્રમાણે તેઓ બે-અઢી વર્ષ પહેલા બીજા કામકાજ અર્થે ગીર-સોમનાથ રહેવા ચાલ્યા ગયા હતા. આ દરમિયાન ટ્રાન્સપોર્ટનો હિસાબ કર્યો ન હતો. સાત મહિના પહેલા હિસાબ માંગતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી કારગીલ કંપનીમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, ટ્રાન્સપોર્ટનું નામ સત્યમ રોડ લાઈન્સ માંથી બદલીને સત્યમ લોજિસ્ટિક કરી દેવામાં આવ્યું છે. આરટીઓમાં તપાસ કરતા તેમની માલિકીના ૭ ટેન્કરો તેમજ ક્રેટા કાર ફરિયાદીના નામે હોવા છતા હિસાબનીશ મુકેશ વેલજી મઢવીના નામે આ વાહનો ચડી ગયા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, ધંધાના પાર્ટનર ભીમાસરના રાજેશ રવજી ઔદિચ્ય અને હીરાપરના હિસાબનીશ મુકેશ વેલજી મઢવીએ ભેગા મળી ફરિયાદીની ટીટીઓ ફોર્મમાં ખોટી સહીઓ કરી માલિકીના વાહનો પોતાના નામે રજિસ્ટર કરાવી નાખ્યા હતા. જે અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.