ગાંધીધામમાં સાયબર ફ્રોડનો દેશવ્યાપી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો
મુખ્ય ભેજાબાજને દુબઈથી મુંબઈ એરપોર્ટ આવતાની સાથે જ પોલીસે ઝડપી પાડયો
ગાંધીધામ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, આરોપી નરેન્દ્ર કિશનભાઈ રાજપૂત મિત્રતાના નાતે પોતાના બેંક ખાતાની લિમિટ પૂરી થઈ ગઈ હોવાથી તેમજ તેના રૂપિયા આવવાના હોવાથી ૨-૩ દિવસ પૂરતું તેના બેંક ખાતાનો ઉપયોગ કરવા દેવા વિનંતી કરી હતી અને બેન્ક આફ કર્ણાટકમાં નવું ખાતું ખોલાવવા વિનંતી કરી હતી. જેમાં નવું સીમ કાર્ડ કઢાવીને તેના આધાર તથા પાન કાર્ડ પર બેન્ક ઓફ કર્ણાટકમાં નવું સેવિંગ એકાઉન્ટ ખોલવ્યું હતું. જેના થોડા દિવસ બાદ મિત્રના રૂપિયા આવશે તો જ મારા રૂપિયા છૂટા થશે તેવું કહીને ફરી તેને અને તેના મિત્રને નવા ખાતાની જરૂર પડી હોવાથી તેના દસ્તાવેજ પર બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં બીજું ખાતું ખોલાવ્યું હતું. જે બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું અને ખાતાની તપાસ કરતા તેમાં ૯૦ લાખથી વધુના ટ્રાન્ઝેક્શનઓ થયા હોવાની જાણ મળતા સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરવામાં આવતા ફરિયાદીના એકાઉન્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી સાત ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તે ફરિયાદ નોંધાતા ની સાથે જ પોલીસે નરેન્દ્ર ને ઝડપી લીધો હતો. નરેન્દ્રની પૂછપરછ ના સામે આવ્યું હતું કે તેણે ગાંધીધામનાં અલગ ૧૮ લોકો પાસે તથા મોડાસા અને અમદાવાદના ૫ માણસો પાસે નવુ સિમ કાર્ડ લેવડાવી કર્ણાટક બેન્ક ગાંધીધામ તથા બેન્ક ઓફ મહારાષ્ટ્ર ગાંધીધામ તથા અરવલ્લી જિલ્લાના મોડાસાની બેન્ક ઓફ મહારાષ્ટ્ર બેંકમાં અલગ- અલગ તારીખોમાં કુલ-૨૩ એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેમાં તમામ એકાઉન્ટોની કિટ અને એ ટી એમ મૂળ સિકર, રાજસ્થાન અને હાલે નિકોલ, અમદાવાદમાં રહેતા પ્રમોદ કુમાર ઉર્ફે આષિશ જાંગીર નામના વ્યક્તિને આપતો હતો. જેમાં પ્રમોદ મૂળ ગાંધીધામ અને હાલે અમદાવાદ ખાતે રહેતી હસ્મિતા મનોજભાઈ ઠક્કર અને આદિપુર ખાતે રહેતા રાજ દિપકભાઈ ધનવાણીને આપતો હતો. જેથી પોલીસે પ્રમોદ કુમારને પણ ઝડપી લીધો હતો. જે બાદ હસ્મિતાને પણ પોલીસે ઝડપી લઈ ૫ માથી કુલ ૩ આરોપીઓને શોધી લીધા હતા. વધુ તપાસ કરતાં માલૂમ પડયું હતું કે, કુલ દેશવ્યાપી કુલ ૮૦ બેંક એકાઉન્ટમાં વ્યવહાર કરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં કુલ ૩૩ ઓનલાઇન છેતરપિંડીનાં ગુનાઓ નોંધાયા હતા. આ ૮૦ બેંક એકાઉન્ટમાં દેશભરમાં કુલ રૂ.૧૯,૧૯,૯૨,૪૦૫ જેટલી મોટી રકમ જમા કરાવી દેશભરમાં મોટું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું હતું. આ બનાવના મુખ્ય આરોપી મૂળ આદિપુરના રાજ દિપક ધનવાણી (રહે. દુબઇ)ને પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમની ટીમે મુંબઈ એરપોર્ટ પર આવતાની સાથે જ ઝડપી લીધો હતો. તેમજ તેની સાથે બીજો આરોપી નિશાંત ઉર્ફે બાબુ ઉર્ફે ડીજે શિવનારાયણ બંસલ (રહે. થાણે મુંબઈ)થી ઝડપી લીધો હતો. હવે રાજ પાસેથી આ દેશવ્યાપી કૌભાંડના અનેક રાજ ખુલશે તેવી આશા પણ સેવાઇ રહી છે.