દિવાળી વેકેશનમાં કચ્છીઓ સિંગાપોર, દુબઈ અને વિયેતનામ ફરવા જશે
- વિમાની ટિકિટના ભાવમાં મોટા ઉછાળા વચ્ચે
- દુબઈ, સિંગાપોર માટે 250 જેટલા કપલે બુકીંગ કરાવ્યું
- આબુ,જુનાગઢ, સાસણગીર, ગોવા, સીમલા, મનાલી, મહાબળેશ્વર, નૈનિતાલ અને કેરાલાની પણ પસંદગી
ભુજ : દિવાળી વેકેશનની રજા માણવા માટે પ્રવાસન ક્ષેત્રે વિશ્વ વિખ્યાત થયેલા કચ્છમાં દેશ-વિદેશથી લોકો આવે છે તેમ કચ્છના લોકો પણ દેશ-વિદેશમાં મોટી સંખ્યામાં ફરવા જતા હોય છે. આ વર્ષે વિમાની ટિકિટમાં મોટો ઉછાળો આવ્યો હોવાથી સારી એવી અસર પહોંચી હોવાનું ટૂર આયોજકો જણાવી રહ્યા છે. જ્યારે રેલવે, એસ.ટી. અને ખાનગી લકઝરી બસ મારફતે પ્રવાસન સ્થળો ઉપરાંત ધાર્મિક તીર્થોએ જવા માટે ઘણા લોકોએ આગોતરા બુકિંગ કરાવી લીધા હોવાની વિગતો જાણવા મળી છે.
સફેદ રણની સફેદી માણવા આવતા પ્રવાસીઓ માટે આ વર્ષે થોડી અસમંજસ સર્જાઈ છે. સામાન્ય રીતે નવેમ્બરની પહેલી તારીખથી રણોત્સવ શરૂ થઈ જતો તે હવે ૧૧ નવેમ્બરે શરૂ થશે જેથી વેકેશન ખુલ્લી જવાની નોબત આવતાં પ્રવાસીઓ ઘટવાની સંભાવના રહેલી છે. જેના કારણે ધોળાવીરા, માંડવી બીચ સહિતના પ્રવાસનને પણ અસર પહોંચી શકે છે.
જોકે પશ્ચિમ ભારતના ધાર્મિક સ્થળ નારાયણ સરોવર - માતાનામઢ સહિતના પ્રવાસીઓ પૂરતા આવવાની સંભાવના રહેલી છે. માદરે વતન કચ્છમાં બિનનિવાસી ભારતીયો પણ ધાર્મિક અને સામાજિક કારણોસર આવશે. તો મુંબઈગરા પણ પોતપોતાના ગામમાં દિવાળી વેકેશન માણવા આવવાની સંભાવના રહેલી છે.
કચ્છથી વિદેશમાં ફરવા જનારા વિમાની સફર કરતા હોવાથી વિમાનની ટિકિટમાં ૧૦૦ ટકા જેટલો ભારે ઉછાળો આવતાં હાલ તો ૨૦ ટકા જેટલું બુકિંગ થયાનું ટૂર આયોજકો જણાવી રહ્યા છે.
ભુજથી એર ઈન્ડિયા અને એલાયન્સ એર વનવેના મુંબઈના ૧૫ હજાર તો કંડલાથી સ્પાઈસ જેટની મુંબઈની ટિકિટ ૧૧થી ૧૨ હજાર જેટલી થઈ ગઈ છે. બેંગ્લોરથી ૪થી ૬ હજાર ટિકિટ હતી. તે વધીને ૧૦થી ૧૨ હજાર થઈ ગઈ છે. સારી હોટલો બધી બુક થઈ ગઈ છે. તો સામાન્ય હોટેલોના ભાડા પણ બમણા થઈ ગયા છે જેથી બુકિંગને સારી એવી અસર થઈ રહી હોવાનું હેલી ટ્રાવેલ્સના અન્સુલ વચ્છરાજનીએ જણાવ્યું હતું.
દુબઈ પાંચ દિવસ ચાર રાત્રીના રૃા. ૧.૧૦ લાખ તો સિંગાપોરના ત્રણ રાત્રી ચાર દિવસના ૯૫ હજારના પેકેજમાં ૨૫૦ જેટલા કપલે બુકીંગ કરાવ્યું હોવાનીં સિદ્ધિ વિનાયક ટૂરના સુરજભાઈએ વિગતો આપી હતી.
સિંગાપોર, દુબઈ અને વિયેતનામ ફરવા જવા તો દેશમાં કાશ્મીર, કેરાલાના મળી ૧૦૦ જેટલા લોકોએ બુકિંગ કરાવ્યા છે. કેટલાક લોકો મુંબઈથી બુકિંગ કરાવે છે જે ટ્રેન કે રસ્તા માર્ગે જતા હોય છે તેવું ભુજના મેગોનિક હોલીડેના વિમલભાઈ શાહે જણાવ્યું હતું.
દેશના જાણીતા પ્રવાસન સ્થળો ઉપર કચ્છીઓએ પસંદગી ઉતારી છે જેમાં આબુ, જુનાગઢ, સાસણગીર - સિંહ દર્શન, ગોવા, સીમલા, મનાલી, મહાબળેશ્વર, દહેરાદુન, નૈનિતાલ, પોંડિચેરી, કેરાલા મુખ્ય છે.
ધાર્મિક સ્થળોમાં અંબાજી, ઉદયપુર, નાથદ્વારા, સુંધા માતા, ખાટુ શ્યામ, મોઢેરા, બહુચરાજી, ઉમિયા માતાજી, પાટણ પાસેના કગણર, દેલમાલ, દ્વારકા, સોમનાથ, ચોટીલા, સાળંગપુર, વીરપુર, ખોડલધામ, મહારાષ્ટ્રના પાંચ જ્યોર્તિલિંગ ત્ર્યંબકેશ્વર, ધુષ્ણેશ્વર, ઓઢા નાગનાથ, ભીમાશંકર, પરલી વૈજનાથ, શનિ સિંગણાપુર, ત્ર્યંબકેશ્વર, હરિદ્વાર, વૃંદાવન, ગોકુલ, મથુરા, ઓમકારેશ્વર, ઉજ્જૈન, અયોધ્યા ઉપરાંત ભાઈબીજના કપાટ બંધ થવાના હોવાથી ચારધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રીની યાત્રા માટે ટ્રેન ઉપરાંત ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસોના પેકેજ ઉપરાંત પોતાની રીતે પારિવારિક આયોજનો થઈ રહ્યા હોવાનું ભુજના ટૂર આયોજક કૃતાર્થભાઈ ભટ્ટે જણાવ્યું હતું.