પાકિસ્તાની યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ, ગૂગલ મેપથી પહોંચ્યો કાશ્મીરથી કચ્છ... મોડર્ન લવ સ્ટોરી
Kashmiri Youth Instagram love Story Who Reach Kutch Border | 'મુઝે પાકિસ્તાન જાના હૈ, વિઝા કહાં સે મિલેગા?' ભુજના ખાવડામાં એસ.ટી બસમાંથી ઉતરેલાં પહેલી નજરે કાશ્મીર જેવા દેખાતા યુવકે પોલીસ કર્મચારીને આ સવાલ પૂછ્યો હતો. 44 વર્ષનો ઈમ્તિયાઝ શેખ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની આલિયા નામની યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. પાકિસ્તાન જવા નીકળેલો યુવક કાશ્મીરથી ગૂગલ મેપના આધારે કચ્છ સરહદ પહોંચ્યો હતો, જ્યાં તેણે પોલીસ કર્મીને પાકિસ્તાનના વિઝા વિશે પ્રશ્ન પૂછતાં કચ્છ પોલીસે અને બીએસએફએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એકતરફી પ્રેમની વાત ખબર પડતાં અધિકારીઓએ યુવકને પોતોના વતન કાશ્મીર પાછો મોકલી દીધો હતો.
કાશ્મીરના ગોડજહાંગીર ગામનો યુવક ઈન્સ્ટાગ્રામ પર ડૉક્ટર આલિયા સાહેબ નામની આઈડીના એકતરફી પ્રેમમાં પડ્યો હતો. જેથી, તે ગૂગલ મેપના આધારે પાકિસ્તાનના પંજાબમાં પોતાની પ્રેમિકાને મળવા નીક્ળ્યો હતો. ગૂગલ મેપના આધારે અમદાવાદ, વડોદરા બાદ તે ભૂજ થઈને ખાવડા પહોંચ્યો હતો. કચ્છ સરહદના ખાવડામાં ઉતરતા જ સ્થાનિક પોલીસ પાસે જઈને પાકિસ્તાનના વિઝા માંગતા પોલીસ ચોંકી ગઈ હતી.
કાશ્મીરથી પાકિસ્તાન જવા નીકળેલા ઈમ્તિયાઝ શેખ નામના યુવકે પોલીસ સહિતની તપાસ એજન્સીઓએ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. ત્યારે યુવકના પરિવારજને જણાવ્યું કે, તે એકતરફી પ્રેમમાં માનસિક વિચલિત હોવાનું અને ઘરેથી કોઈને જાણ કર્યાં વિના નીકળી ગયો છે. તપાસ દરમિયાન યુવક પાસેથી કોઈપણ વાંધાજનક ચીજ વસ્તુ મળી ન હતી. ત્યાર બાદ ખાવડા પોલીસે માર્ગદર્શન આપી ઈમ્તિાઝને તેના વતન કાશ્મીર મોકલી દીધો.
ખાવડા પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે 11 વાગ્યે ભુજથી ખાવડા બસ આવી ત્યારે ખાવડા ચોકડી પર સિવિલ ડ્રેસમાં પોલીસ સ્ટાફ ઉભો હતો. બસમાંથી કાશ્મીરનો ઈમ્તિયાઝ અહેમદ અબ્દુર રશીદ શેખ નામનો યુવક ઉતર્યો અને સીધું પોલીસને પાસે પહોંચી કહ્યું કે, 'મુજે માશુકા કો મિલને પાકિસ્તાન જાના હૈ. પોલીસ મે સે પાકિસ્તાન કા વિઝા લેના હૈ. મેરી દાઢી બડ ગઇ હૈ, મે કરવા લું... મેરી માશુકા દેખેગી તો, કૈસા લગેગા.' આવી વાત કરતાં ઇમ્તિયાઝને પોલીસ સ્ટેશને તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને તેનું આધારકાર્ડ અને 270 રૂપિયા મળ્યા હતાં.
કાશ્મીરના વતની ઈમ્તિયાઝે પોલીસને જણાવ્યું હતું કે, 'ઇન્સ્ટાગ્રામમાં ડૉક્ટર આલિયા સોહેબ નામની યુવતી સાથે તેનો પરિચય થયો હતો. આ યુવતી સાથે એકતરફી પ્રેમની લાગણી બંધાતાં ઈમ્તિયાઝ પાકિસ્તાન જવા તત્પર બન્યો હતો. પાકિસ્તાન જવા માટે ગૂગલ મેપ ઉપર સર્ચ કર્યું હતું. ગૂગલના આધારે ગુજરાતના અમદાવાદથી વડોદરા અને કચ્છ ભુજથી ખાવડા થઇને પાકિસ્તાન જવા માટે આવ્યો હતો. પોલીસને યુવક પાસેથી મળી આવેલા આધારકાર્ડ પરથી કાશ્મીરના બાડીપુવા જિલ્લાના હાજીન પોલીસ મથકનો સંપર્ક કરીને યુવકના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે, ઈમ્તિયાઝ પાકિસ્તાનની ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ એવી યુવતીના એક તરફીપ્રેમમાં દિવાનો બન્યો છે. ઈમ્તિયાઝના નાના ભાઈ મુસ્તાક અહેમદ અબ્દુલરસીદ શેખે પોલીસને જણાવ્યું કે, પ્રેમમાં માનસિક વિચલિત થઈ જવાથી કોઇને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો છે.
ખાવડા પોલીસે જણાવ્યું હતું કે, ઈમ્તિયાઝ એમ.એડ. સુધી ભણેલો છે અને તે તથા તેના ભાઈઓ અલગ-અલગ દુકાનોમાં મજૂરી કામ કરે છે. ઈમ્તિયાઝ બે ભાઈ અને ચાર બહેનો છે. જેના લગ્ન થઇ ગયા છે. 42 વર્ષનો ઈમ્તિયાઝ હજુ કુંવારો છે અને એકતરફી પ્રેમમાં દીવાનો બન્યો છે.