હોટલ સંચાલકનો પરિવાર ડ્રગ્સ પહોંચાડવા લાકડિયા આવતો હતો
દોઢ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે મહિલા સહિત 4ને 14 દિવસ રિમાન્ડ
લગભગ દસેક વર્ષથી લાકડિયા પાસે ડ્રગ્સ વેચાતું હોવા છતાં પોલીસના ધ્યાન પર નથી તે બાબતે આશ્ચર્ય દર્શાવતી લોકચર્ચા
ગુરુવારે સાંજે એસઓજી ની ટીમ અને લાકડીયા પોલીસ હાઈવે પર સંયુક્ત રીતે કચ્છમાં પ્રવેશી રહેલા વાહનોને ચેક કરતી હતી તે સમયે ભારત હોટલ પાસે મઢી ત્રણ રસ્તે હરિયાણા પાસિંગની એક ઈકો સ્પોર્ટ્સ કાર નજરે ચઢી હતી. કારમાં બે મહિલા અને બે પુરુષ સવાર હતા. દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી હોવાથી પોલીસે કારનું બોનેટ ખોલાવી તલાશી લેતાં એર ફિલ્ટર નીચે પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલાં ક્રીમ રંગના ગાંગડા મળી આવ્યાં હતાં. એફએસએલ તપાસ કરાવતા તે કોઈઇન હોવાનું જણાયું હતું. જેની કિમત ૧.૪૭ કરોડ આંકવામાં આવી હતી. આ બનાવમાં કાર હંકારી રહેલા હનિસિંઘ, મુખ્ય આરોપી સનીસિંઘની પત્ની સુમન ઊર્ફે જશપાલ કૌર, સન્ની સિંઘનો ભાઈ સંદિપસિંઘ અને સંદિપની પત્ની અર્શદીપકૌરને પોલીસે ઝડપી લીધા હતા.
પોલીસે ઝડપી લીધેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કમર્યા હતા. પોલીસની હાલ તપાસ ચાલુ છે ત્યારે આ કેસની તપાસ કરી રહેલા સામખિયાળી પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.કે. ગઢવી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, લાકડિયા નજીક સન્નીસિંઘ ઉર્ફે ગુલવંતસિંઘ હજુરાસિંઘ શીખ વર્ષોથી હોટેલનું સંચાલન કરે છે. જેમાં આજથી લગભગ છ મહિના પહેલા હનીસિંઘ કામ કરવા આવ્યો હતો અને લગભગ ૨-૩ મહિના સુધી કામ પણ કર્યું હતું. આ દરમિયાન બંનેની ઓળખાણ થઈ હતી અને ડ્રગ્સની હેરફેર કરવાનું શરૂ કર્યું હતું. હનીસિંઘ અને સનીસિંઘ બંને સાથે મળી ડ્રગ્સનો ધંધો કરે છે અને સનીસિંઘનો સંપૂર્ણ પરિવાર ડ્રગ્સની હેરફેરીમાં તેમનો સાથ આપે છે. હાલ વધુ તપાસ ચાલુ છે. રિમાન્ડ દરમિયાન હજુ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું. તો બીજી તરફ સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે, સનીસિંઘ લગભગ દસેક વર્ષથી લાકડિયા નજીક હોટલ ચલાવે છે અને ડ્રગ્સ સહિત તમામ નશાની ચીજોનું અહી ખુલ્લેઆમ વેચાણ થાય છે છતાં હજુ સુધી બાહોશ કહેવાતી લાકડિયા પોલીસને આ બાબતની જાણ કેમ ન હતી તે બાબતે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.