ભુજની જનરલ હોસ્પિટલમાં આતંકવાદી હુમલાની મોકડ્રિલ યોજાઇ: ચાર આંતકવાદીઓ ઠાર, 5 બંધકોને સહીસલામત મુકત કરાવાયા

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
ભુજની જનરલ હોસ્પિટલમાં આતંકવાદી હુમલાની મોકડ્રિલ યોજાઇ:  ચાર આંતકવાદીઓ ઠાર, 5 બંધકોને સહીસલામત મુકત કરાવાયા 1 - image


Mock Drill of Terrorist Attack in Bhuj :  કચ્છના મુખ્યમથકની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે આજરોજ સાંજે 6 વાગ્યે 4 ત્રાસવાદીઓએ 5 હોસ્પિટલ સ્ટાફને બંધક બનાવી આંતકવાદી હુમલો કરતા ચેતક કમાન્ડો ફોર્સ તથા સંબંધિત સુરક્ષા એજન્સીઓએ તત્કાલ હોસ્પિટલને ઘેરીને સુરક્ષા ઓપરેશન અમલી કર્યું હતું. આંતકવાદીઓ સામે 5 કલાક જડબાતોડ કાર્યવાહી કરીને ચેતક કમાન્ડો ફોર્સે તથા એસઓજીએ સયુંક્ત કામગીરીમાં 4 આંતકવાદીને ઠાર કર્યા બાદ 5 બંધકોને સહીસલામત બચાવી હુમલાને નાકામ કર્યો હતો. જો કે, આ આંતકવાદી હુમલા સમયે સુરક્ષા એજન્સીઓ તથા જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી સુરક્ષા - બચાવની કામગીરી માટે આ આયોજીત મોકડ્રિલ હતી.

સાંજે 6 વાગ્યે સિવિલ હોસ્પિટલમાં થયેલા આંતકવાદી હુમલાની જાણ હોસ્પિટલના સિક્યોરીટી સ્ટાફ  દ્વારા 100 નંબર ગુ્રપને મોકલીને ગણતરીના સમયમાં જી.કે જનરલ હોસ્પિટલને સુરક્ષાના સાધનો સાથે ઘેરી લેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તત્કાલ ગાંધીનગર ખાતે ચેતક કમાન્ડો ફોર્સ, મરીન ટાસ્ક ફોર્સ, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ તથા અન્ય સલામતી તથા રાહત - બચાવ સાથે જોડાયેલા વિભાગોને જાણ કરાઇ હતી.

હુમલાના દોઢ કલાકમાં એરકાફ્રટમાં ભુજ પહોંચેલી ચેતક કમાન્ડો ફોર્સે હુમલાને નાકામ બનાવવા ઇન્સીડન્ટ કમાન્ડ પોસ્ટને કાર્યરત કરીને સિવિલ હોસ્પિટલના હુમલાને નાકામ કરવા બચાવ ઓપરેશન અમલી કર્યું હતું. જેમાં  આંતકવાદીઓ સાથેના સંઘર્ષમાં એસઓજી તથા ચેતક કમાન્ડો ફોર્સ અંતે ૪ આંતકવાદીને ઠાર કર્યા હતા. આ સાથે તમામ 5 બંધકોને સહીસલામત મુકત કરાવવામાં બે ડીવાયએસપી, 3 પી.આઇ સાથે 55 જવાનો સાથેની ચેતક કમાન્ડો ફોર્સ સફળ રહી હતી. 

જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી બચાવની કામગીરી માટે આયોજીત મોકડ્રિલ અંતર્ગતના આંતકવાદી હુમલાના ઘટનાક્રમમાં હોસ્પિટલમાં ચેતક કમાન્ડોની રેડ ટીમ કે જેણે આંતકવાદીઓની ભુમિકા ભજવી હતી. જયારે બ્લુ ટીમ બચાવ કામગીરી કરી હતી.

પ્રથમ ઓપીડીથી દાખલ થયેલા રેડ ટીમ હેઠળ 4 આંતકવાદીઓએ હોસ્પિટલના ડોકટર તથા નર્સ સહિતના 5 સ્ટાફને બંધક બનાવ્યા હતા. આંતકવાદીઓએ બંધકોના ફોન પરથી પોલીસ કંટ્રોલરૂમ મારફતે વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને તત્કાલ રૂ.200 કરોડ કેશ, પલાયન થવા હેલિકોપ્ટર તથા તાજેતરમાં એટીએસે પકડેલા અને સાબરમતી જેલમાં બંધ ૩ આંતકવાદીઓને મુકત કરવા સહિતની માંગણી કરી હતી. 

અધિકારીઓ દ્વારા આંતકવાદીઓ પાસે સમય આપવાની માંગણી સાથે ફોનથી સતત સંપર્ક  જાળવી રાખી તેઓનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. આ દરમિયાન સિવિલ હોસ્પિટલ પહોંચેલી એસઓજીએ  4 આતંકવાદીઓ પૈકી એકને ઠાર કર્યો  હતો. ચેતક કમાન્ડ ફોર્સની બ્લુટીમ જે બચાવ ટીમની ભુમિકામાં હતી તેણે કોલ આવતા જ ઘટના સ્થળે પહોંચીને પોતાની સ્થિતિ સંભાળી લીધી હતી. ગોળીબાર તથા બોમ્બ બ્લાસ્ટના સીલસીલાબંધ સંઘર્ષ બાદ અંતે બાકીના 3 આંતકવાદીને ઠાર કરવામાં ચેતક કમાન્ડો ફોર્સ સફળ રહી હતી.  

ચારે મૃતક  આંતકવાદીઓની બોડી પોલીસને સોંપવામાં આવી હતી. આ હુમલામાં ઘાયલ થયેલા 15 નાગરિકો, ૨ એસઓજીના જવાન તથા એક સિક્યોરિટી ગાર્ડને એમ્બ્યુલન્સ મારફતે અન્ય સલામત હોસ્પિટલે ખસેડાયા હતા. બીજીતરફ આતંકવાદીઓ જ્યાં છુપાયા હતા તે તમામ એરિયામાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝીબલ સ્કોર્ડ સર્ચ  ઓપરેશન હાથ ધરીને આતંકવાદીઓ દ્વારા છુપાવેલા 150 લાઈવ રાઉન્ડ, 4 ગ્રેનેડ તથા ત્રણ એકે- 47ને શોધી કાઢી નિષ્ક્રિય કરી હતી.

આ આંતકવાદી હુમલાની મોકડ્રિલ હેઠળ તમામ સુરક્ષા એજન્સીઓ, પોલીસ વિભાગ, હોસ્પિટલ સિકયોરીટી, સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મોકડ્રીલ ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સ્થાનિક પોલીસ તથા જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને યોજવામાં આવી હતી.

આ મોકડ્રીલનો હેતુ આંતકવાદી હુમલા સમયે ઘાયલોને સારવાર, મદદ અને રાહત બચાવના પગલાંઓ ઝડપથી લઈ શકાય અને જાનહાનિને ટાળી શકાય તેમજ હુમલાના સમયે જિલ્લા વહીવટીતંત્રના લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ એકબીજાની સાથે સરળતાથી કોમ્યુનિકેશન કરી રાહત બચાવની કામગીરી ઝડપથી કરી શકે તે હતો. 

સમગ્ર મોકડ્રીલ ચેતક કમાન્ડો ફોર્સના કમાન્ડર ડીવાયએસપી બી.કે.ગુંદાણી, ડી.વી.ગોહિલની આગેવાનીમાં કરવામાં આવી હતી. આ મોકડ્રિલ દરમિયાન ઉપસ્થિત ડીવાયએસપી એ.ઝનકાત, ડીવાયએસપી રવિરાજસિંહ જાડેજાએ આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલા નિર્ણયોને બિરદાવીને મોકડ્રિલમાં ભાગ લેનાર ચેતક કમાન્ડો ફોર્સ, તમામ સુરક્ષા એજન્સીઓ, હોસ્પિટલ સ્ટાફ, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ સહિતની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા તથા મોકડ્રિલને સફળ ગણાવી સરકારની અદ્યતન માર્ગદર્શિકા  પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો.


Google NewsGoogle News