બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કચ્છના ધોરડોનો ટેબ્લો દિલ્હી ગણતંત્ર પરેડમાં

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કચ્છના ધોરડોનો ટેબ્લો દિલ્હી ગણતંત્ર પરેડમાં 1 - image


- ભૂંગા, રણોત્સવ અને ટેન્ટ સિટી પ્રજાસત્તાક દિને પ્રદર્શિત થશે

ગાંધીનગર,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર

ગુજરાતના સરહદી પ્રવાસને ઉત્તેજન આપતા અને વૈશ્વિક ઓળખ સમાન ધોરડોની ઝાંખી દિલ્હીમાં રજૂ થવાની છે. આ સ્થાનના ભૂંગા તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા ઉપરાંત રણોત્સવ અને ટેન્ટ સિટીનો ટેબ્લો પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરીએ મોકલવામાં આવશે, જે કર્તવ્યપથ પર આયોજિત રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શિત થશે.

'યુનેસ્કો'એ ગુજરાતના જે ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા'માં સામેલ કર્યા છે તેનો પણ ટેબ્લોમાં સમાવેશ કરાયો છે

ધોરડોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના બેસ્ટ ટુરિઝમ વિલેઝની યાદીમાં સમાવવામાં આવ્યું છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને 'વિકસિત ભારત'ની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉતેજન આપે છે.

 આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 9 ઝાંખી મળી કુલ 25 ટેબ્લોનું પ્રદર્શન થનારું છે. આ પર્વની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે. આ પરેડમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આલેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો વિકટ પરિસ્થિતિ વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર બન્યું છે તેની ઝાંખી રજૂ કરવામાં આવશે.

સમગ્ર વિશ્વમાં ગુજરાતનો નકશો અને 'ભુંગા' તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોરડોને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા, રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી છે. ટેબ્લોમાં રણોત્સવ, ટેન્ટસિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણને દર્શાવતાં નિદર્શનો પણ રજૂ કરવામાં આવ્યાં છે.

ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તાજેતરમાં 'યુનેસ્કો'એ ગુજરાતના ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા'માં સામેલ કર્યા છે, જે દરેક ગુજરાતી તેમજ ભારતીય માટે ગર્વની વાત છે. આ ટેબ્લોમાં તેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News