ચાંદીપુરાના રિપોર્ટની જોવાતી રાહ વચ્ચે માધાપરના બાળક અને કોરારવાંઢની બાળકીના શંકાસ્પદ મોત

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
ચાંદીપુરાના રિપોર્ટની જોવાતી રાહ વચ્ચે માધાપરના બાળક અને કોરારવાંઢની બાળકીના શંકાસ્પદ મોત 1 - image


તાવ અને ખેંચ જેવી ગંભીર સ્થિતીમાં સારવાર હેઠળ હતા 

પાંચ બાળ દર્દીઓની સારવાર ચાલુ, હટડીની છોકરી અને ગઢશીશાના છોકરાના સેમ્પલ લેવાયા, આરોગ્યતંત્રમાં દોડધામ  

ભુજ: તાવ અને ખેંચ જેવી ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ રહેલા કચ્છના બે બાળકોના મોતના હેવાલથી અરેરાટી ફેલાઈ છે. ભુજની ભાગોળે આવેલા માધાપરના આઠ માસના બાળક અને અંજારની કોરારવાંઢની અઢી વર્ષની બાળકીના ગઈકાલે રાત્રે મૃત્યુ થયા હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રે જણાવ્યું હતું. 

  માધાપરના આઠ માસના બાળકને તાવ, ખેંચ અને ઝાડાની તકલીફ સાથે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી વેન્ટીલેટર ઉપર રાખી સારવાર ચાલતી હતી તેના ચાંદીપુરા શંકાસ્પદ કેસ તરીકેના સેમ્પલ લઈ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનિકલ રિસર્ચ સેન્ટર ખાતે મોકલાયા હતા તેનો  રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. તે તવું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમાર સિંઘે જણાવ્યુું હતું. 

અંજાર તાલુકાના મેઘપર કુંભારડી પાસેની કોરાર વાંઢની દોઢ વર્ષની બાળકીને તાવ આવતાં તા. ૨૪ના જી.કે.જનરલમાં દાખલ કરાઈ હતી. તબીયત બગડતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી તેનું પણ સેમ્પલનો રિપોર્ટ પૂર્વે મૃત્યુ થયું છે. 

નખત્રાણા તાલુકાના દેવપર વાડી વિસ્તારની અઢી વર્ષની બાળકીનો ચાંદીપુરા પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે તેની જી.કે.જનરલ હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં આઠ દિવસથી વેન્ટીલેટર ઉપર રાખી સારવાર ચાલી રહી છે તેની તબીયત સ્થિર હોવાનું આરોગ્ય તંત્રે જણાવ્યું હતું. 

આજે વધુ બે બાળકોને જી.કે.જનરલમાં દાખલ કરી સારવાર શરૂ કરી સેમ્પલ લઈ ગાંધીનગર મોકલાયા છે. જેમાં એક મુંદરા તાલુકાના હટડીની છ વર્ષની છોકરી અને બીજો કેસ માંડવી તાલુકાના ગઢશીશાના ૧૮ વર્ષના છોકરાનો છે. ડો. સિંઘે જણાવ્યું કે, સાવચેતી ખાતર સેમ્પલ તપાસ માટે મોકલાયા છે પણ તેમની બીમારીના લક્ષણો અલગ હોવાથી રિપોર્ટ નેગેટીવ આવવાની સંભાવના રહે છે. 

બે દિવસ અગાઉ જી.કે. દાખલ કરાયેલા નખત્રાણા તાલુકાના કોટડા જડોદરના બે વર્ષના બાળકના પણ ચાંદીપુરા જેવા લક્ષણ ન હોવા છતાં સાવચેતી ખાતર સેમ્પલ મોકલાયા છે. તેનો રિપોર્ટ પણ નેગેટીવ આવવાની આશા આરોગ્ય તંત્ર સેવે છે. 

ઉપરાંત અંજાર તાલુકાના સિનુગ્રાના પાંચ વર્ષના બાળકને તાવ ખેંચ હોવાથી ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે જ્યાં બીજા દિવસે સવારે ભાનમાં આવી ખાતો પીતો થઈ જતાં શંકાસ્પદ જણાતો નથી. જોકે તેના પણ અગમચેતીરૂપે સેમ્પલ મોકલાયા છે જે હજુ આવવાના બાકી છે. 

કચ્છમાં ભેજવાળા અને ઉકળાટ સભર વરસાદી વાતાવરણમાં તાવ, ખેંચ જેવી તકલીફવાળા બાળકોના રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસોને જોતાં સતર્કતા ખાતર સેમ્પલ મોકલાવાયા છે જેના રિપોર્ટ હજુ આવવાના બાકી છે. 


Google NewsGoogle News