કચ્છમાં સુરતવાળીઃ જડોદર કોટડા ગામે ગણેશ મૂર્તિ ખંડીત, દેરી ઉપર લીલી ધજા

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
કચ્છમાં સુરતવાળીઃ જડોદર કોટડા ગામે ગણેશ મૂર્તિ ખંડીત, દેરી ઉપર લીલી ધજા 1 - image


- કટ્ટર માનસિકતા ધરાવતા મૌલાનાની સંડોવણી ખુલતાં ધરપકડ

- મૌલાનાએ ગામના વિધર્મીઓને સાથે રાખીને ગામની દેરી ઉપર મુસ્લિમ સમાજના પ્રતિક સમાન લીલા કલરની ધજા ચડાવી ધાર્મિક લાગણી દુભાવી

- મૌલાનાએ ત્રણ માસૂમ કિશોરોને ભડકાવી પથ્થર ફેંકાવતાં ગણેશ પંડાલમાં મૂર્તિ ખંડીત

ભુજ: સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની આંચકારૂપ ઘટના વચ્ચે ગુજરાતમાં પોલીસ હાઈએલર્ટ ઉપર છે.  આમ છતાં,  કચ્છમાં સુરતવાળી થઈ છે. નખત્રાણા તાલુકાના જડોદર કોટડા ગામના મૌલાના સહિતના વિધર્મીઓએ બાળકો મારફતે પંડાલ પર પથ્થરમારો કરાવી ગણેશજીની મૂર્તિને ખંડીત કરી નાખી હતી. એટલું જ નહિં ગામમાં ધાર્મિક સ્થળ દેરી ઉપર લીલા કલરની ધજા ફરકાવતા મામલો તંગ બન્યો હતો. બે દિવસ પૂર્વેની આ ઘટનામાં ગત મોડી રાત્રિના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પથ્થરમારાની ઘટનાને અંજામ આપનાર ૩ કિશોરોની અટકાયત કરી રાજકોટ બાળ સુધારણા ગૃહમાં મોકલાયાં છે. જ્યારે, ધાર્મિક દેરીના ગુંબજ ઉપર લીલી ધજા લગાવતાં ગામના મૌલાના સહિત પાંચ શખ્સોની ધરપકડ કરાઈ છે. આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. 

નખત્રાણા તાલુકાના જડોદર (કો) ગામે હિન્દુ સમાજના લોકો સાથે મળીને ગામના ઠાકોર મંદિરના વરંડા બંધ ચોકમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગામમાં ભક્તિસભર માહોલ વચ્ચે ગત તા. ૧૦ના રોજ ગામના રસ્તે આવેલ લોહાણા સમાજના પથી દેવડી મંદિરના શિખર ઉપર મુસ્લિમ સમાજના પ્રતિક સમાન લીલા કલરની ધજા જોવા મળી હતી. મંદિરના શિખર ઉપર લીલી ધજા લગાવી દેવાયાનું જોવા મળતાં મહેશપુરી ગોસ્વામીએ મંગલસિંહ દદાજી સોઢા તેમજ રમેશ વાઘજી ડોટ તથા અનિલ લાલજી ધલ, જશુભા નારાણજી ચાવડા તથા દિશુભા સામતસિંહ ચાવડાને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. ચોંકાવનારી ઘટના અંગે પોલીસને જાણ કરી ગામના યુવાનો જયાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તે સ્થળે ગયા તોદ્રશ્ય જોઈને ચોંકી ઉઠયા હતા. કોઈએ ગણેશ ભગવાનની મૂર્તિની સુંઢ ઉપર પથ્થર ફેંકીને તોડી નાખી હતી. ગણેશજીની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી. પંડાલમાં પથ્થરો જોવા મળ્યા હતા. 

આ ઘટનાની જાણ ગામના હિન્દુ સમાજને લોકોને થતા સૌ એકઠા થઈ ગયા હતા. પોલીસને જાણ કરતા પહેલા સૌએ આવું કૃત્ય કોણે કર્યું હશે તેની તપાસ કરતા માલુમ પડયું કે, ગામના મુસ્લિમ સમાજના મદ્રેસામાં મૌલાના તરીકે ગુલામ જાફર લુહાર કામ કરે છે, જે મુસ્લિમ સમાજના બાળકોને ધર્મનું શિક્ષણ આપે છે અને તે અન્ય ધર્મ પ્રત્યે કટ્ટર માનસિકતા ધરાવે છે. આગામી દિવસોમાં ઈદનો તહેવાર આવતો હોઈ જેથી તા.૭ના બપોરના ચાર વાગ્યાના અરસામાં મૌલાનાએ છોકરાઓ જોડે મળી કાવતરૂ રચીને મુસ્લિમ ધર્મની ધજા લગાડી હતી. આમ, જડોદર ગામે લોહાણા સમાજના દેવડી મંદિરના શિખર પર મુસ્લિમ સમાજના પ્રતિક સમાન લીલા કલરની ધજા લગાવી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરોએ હિન્દુ સમાજના પુજનીય ગણેશ ભગવાનની મૂર્તિ પર પથ્થરો ફેંકી ગણેશ ભગવાનની સુંઢ તોડી મૂર્તિ ખંડીત કરી હતી.  હિંદુ મુસ્લિમ કોમ  વચ્ચે દુશ્મનાવટ તેમજ દ્રેષની લાગણી ઉદભવે અને ગામનું વાતાવરણ ડહોળાય તેવું કૃત્ય કરતા નખત્રાણા પોલીસ મથકે કુલ ૮ લોકો સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- ૧૯૬ (૧)(બી), ૨૯૮, ૨૯૯, ૬૧(૨) મુજબ ગુનો નોંધાયો છે.

આ સમગ્ર બાબતે પોલીસ વડા સાગર બાગમારે કોઈ પણ અફવાથી દુર રહીને આ ઘટનાનું સોશ્યિલ મીડિયામાં વીડિયો વાયરલ ન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, શાંતિનો માહોલ હોવાનું નખત્રાણા પી.આઈ. એ.એમ. મકવાણાએ જણાવ્યું હતું.

દેરી ઉપર લીલી ધજા લગાડવાના આરોપ બદલ વિવાદી મૌલાના સહિત ૫ની ધરપકડ

ધાર્મિક દેરી ઉપર ધજા લગાડવામાં મૌલાના ગુલામ હુસેન જાફર લુહારની સાથે ગામના આબીદ ઈસ્માઈલ મંધરા, આશીફ સુમાર પઢીયાર, શાહીલ રમજાન મંધરા તેમજ હનીફ જુણસ મંધરા હતા. તેમને ધજા લગાડતા ગામ લોકોએ જોયા હતા. આ લોકોએ દેરી પર ધજા લગાવી હોવાનો આરોપ ફરિયાદમાં મુકાતાં પોલીસે કુલ ચાર શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે, ગણેશ પ્રતિમાને નુકસાન કરવા બદલ ત્રણ કિશોરની અટકાયત કરી રાજકોટ ખાતે બાળ સુધારણા ગૃહમાં મોકલ્યા છે. મૌલાના ગુલામ હુસેન મુળ નેત્રા ગામના વતની છ. અગાઉ શાળામાં વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા બદલ ચર્ચાં આવી ચૂક્યો છે. આ સમયે ગામલોકોએ મૌલાનાની સમજાવટ કરી હોવાનું સ્થાનિક લોકચર્ચા છે.

જડોદર કોટડા ગામના રહીશોએ સંયમ સાથે કાયદાને માન આપ્યું : ગણેશ વિસર્જન સંપન્ન

સરહદી જિલ્લા કચ્છના નખત્રાણાથી સાત કિલોમીટર દૂર આવેલા જડોદર અને કોટડા ગામ સાવ અડી અડીને આવેલાં છે. ૧૫૦૦ની વસતી ધરાવતા જડોદર ગામમાં મિશ્ર વસવાટ છે. જડોદરના રહીશો માટે ગણેશ મૂર્તિ ખંડીત થવાની તેમજ દેરી ઉપર લીલો ધ્વજ લગાવી લેવાયાની બેવડી ઘટના આંચકો અને આક્રોશ આપનારી હતી. આમ છતાં, ગામના રહીશોએ સંયમ સાથે કાયદાને માન આપી તરત જ પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, પોલીસ તંત્ર દ્વારા કામગીરીમાં થોડો વિલંબ થયો હતો. પરંતુ, અત્યાર સુધી કોમી ઐક્ય સાથે રહેતા જડોદર કોટડાના રહીશોએ સમજ અને સંયમ દાખવી પોલીસ કાર્યવાહી માટે ઉચ્ચસ્તર સુધી રજૂઆત કરી હતી. નિદંનીય કૃત્ય કરનાર એકલદોકલ લોકોના કારણે ગામની એકતાને અસર ન થાય તેવી સમજ બતાવી જડોદર કોટડાના રહીશોએ કાયદાથી મોટું કોઈ નથી તે બતાવી આપ્યું છે.


Google NewsGoogle News