પાન્ધ્રો- લૈયારી વચ્ચે બે કાર સામ-સામે ભટકાતાં મહિલા સહિત 6 ઘાયલ
માતાનામઢથી નારાયણસરોવર જતા પોરબંદરના પરિવારને નળ્યો અકસ્માત
નારાયણ સરોવર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ બપોરે બે વાગ્યાના અરસામાં બન્યો હતો. પોરબંદરના આદિત્યાણા ખાતે રહેતો પરિવાર માતાનામઢ દર્શન કરીને એક્સયુવી કારમાં નારાયણસરોવર જઇ રહ્યો હતો. ત્યારે પાન્ધ્રો અને લૈયારી વચ્ચે વારછાદાદાના મંદિરની ગોલાઇમાં સામેથી આવતી અચાનક વેગનઆર કાર આવી જતાં બન્ને કાર સામ-સામે ધડાકાભેર અથડાઇ પડી હતી. જેમાં એક્સયુવી કારમાં સવાર પોરબંબરના પરિવારના મહિલા અને બાળકી મળી ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જ્યારે સામે વેગનઆરમાં સુરતના બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. પોરબંદરના ઘાયલોને સારવાર માટે નખત્રાણા સરકારી દવાખાનામાં જ્યારે સુરતના ઇજાગ્રસ બે યુવાનોને સારવાર માટે પ્રથમ ભુજ લેવા પટેલ હોસ્પિટલ બાદ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. નારાયણસરોવર પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી.
અકસ્માતમાં પોરબંબર અને સુરતના લોકો ઘવાયા
પોરબંદરના આદિત્યાણા ખાતે રહેતા બાલાસ રામભાઇ ખેતાભાઇ ગઢેચા (ઉ.વ.૨૭)ને જમણા પગમાં ફેકચર સહિતની ઇજા પહોંચી હતી. જ્યારે આર્યાબેન રમેશભાઇ ગઢેચા (ઉ.વ.૧૧), વિપુલાબેન રમેશભાઇ ગઢેચા (ઉ.વ.૩૭), રમેશભાઇ ભાયાભાઇ ગઢેચા (ઉ.વ.૨૫)ને ઓછી વતી ઇજા થઇ હતી. જ્યારે વેગનઆર કારમાં સવાર સુરતના ઉધના ગામના નિરવ હિતેશભાઇ પટેલ (ઉ.વ.૩૨) અને જૈનેશ નરેશભાઇ પટેલ (ઉ.વ.૩૫)ને વધુ ઇજાઓ થતાં સારવાર માટે ભુજ જી.કે.માં દાખલ કરાયા હતા.