સર્વર ડાઉનની સમસ્યાઃ ગાંધીધામ મામલતદાર કચેરીમાં લોકોની ભીડ
દરરોજ ૩૦૦૦ અરજીઓ આવે તેની સામે સર્વર સ્લો
શિષ્યવૃતિમાં ઇ-કેવાયસી કરાવવા કલાકો સુધી તડકામાં લાઈનો લગાવીને ઉભા રહેવા લોકો મજબૂર બને છે
ગાંધીધામ: સમગ્ર રાજયમાં ઇ-કેવાયસીની વેબસાઇટ ખૂબ ધીમી ચાલી રહી છે. તેની સીધી અસર સામાન્ય લોકો પર પડી રહી છે. સરકારી સિસ્ટમ ધીમી ચાલી રહી હોવાથી લોકોને કલાકો લાઇનમાં ઊભા મજબૂર થવું પડી રહ્યું છે. ત્યારે ગાંધીધામમાં સ્થિતિ વધુ ખરાબ છે. દરરોજ લગભગ ૩૦૦૦ લોકોની અરજીઓ આવી રહી હોવા છતાં સર્વર એકદમ સ્લો ચાલી રહ્યું હોવાથી લોકોની સાથે કર્મચારીઓ પણ ત્રાસી ગયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ શિષ્યવૃતિમાં નિયમ મુજબ ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જેથી જેટલા પણ બાળકોને શિષ્યવૃતિનો લાભ લેવો હોય તેના વાલીએ મામલતદાર કચેરીએ જઇ જરૂરી આધાર-પુરાવા સાથે પોતાના અંગૂઠાની નિશાની આપવાની હોય છે. જે પણ આગામી ૩૦મી તારીખ સુધીમાં જ ઇ-કેવાયસી કરાવી લેવા સમય અપાયો છે. ત્યારે ગાંધીધામમાં દરરોજ ૩૦૦૦થી વધુ આવી અરજીઓ આવે છે. પરંતુ સર્વર ધીમો હોવાથી લોકોના કામ થવામાં ઝડપ ન આવી શક્તી હોવાથી લાંબી લાઈનો લાગી રહી છે અને લોકો કલાકો સુધી તડકામાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ એક વખત ઇ-કેવાયસીની પ્રોસેસ કરી નાખ્યા બાદ તેના કાગળો અપલોડ કરવા અને તેની પરવાનગી આપવા માટે રાત્રે ૨ વાગ્યા સુધી મામલતદાર કચેરીનો સ્ટાફ પોતાની કામગીરી કરી રહ્યો છે. કેમ કે હજો તે દિવસનું કામ ન પતે તો બીજા દિવસની ૩૦૦૦ અરજીઓનો ફરી ભરાવો થઈ જાય. સરકારી સર્વર ધીમો ચાલી રહ્યો હોવાથી ન માત્ર આમ જનતા પરંતુ કચેરીનો સ્ટાફ પણ ત્રાસી ગયો છે અને રાત-દિવસ માનસિક યત્ન વચ્ચે કામ કરવા મજબૂર બન્યો છે.
ગાંધીધામ મામલતદાર કચેરીમાં બોગસ રેશનકાર્ડ બનતા હોવાની રાવ
ગાંધીધામ મામલતદાર કચેરીમાં પરપ્રાંતિય લોકોના બોગસ રાશનકાર્ડ બનાવવામાં આવતા હોવાની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. કાર્ગો ઝૂપડામાં રહેતા અનુજકુમાર શ્રીવાસ્તવે આક્ષેપો કરતાં જણાવ્યુ હતું કે, મામલતદાર કચેરી પાસે બેસતા એજન્ટો અને કચેરીના હંગામી કર્મચારી દ્વારા નાણાં પડાવી લીધા બાદ બોગસ રાશનકાર્ડ બનાવવામાં આવે છે. જેને ઓનલાઈન જોતાં તેવો કોઈ રાશનકાર્ડ બન્યો જ ન હોવાનું જાણવા મળે છે. તો બીજી તરફ આવા બોગસ રાશનકાર્ડને ઓનલાઈન ચડાવવા માટે કચેરીના હંગામી કર્મચારી દ્વારા ફરી રૂપિયા માંગવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા.
અંજારમાં ૧૧ વર્ષ પહેલા બાળકનું નામ ચડાવ્યું પણ ઓનલાઇન ન દેખાયું
અંજાર મામલતદાર કચેરીમાં પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા ગોટાળા સામે આવ્યા છે. જેમાં ૧૧ વર્ષ પહેલા રાશનકાર્ડમાં બાળકનું નામ દાખલ કરાવ્યું હતું. તે સમયે હાલમાં જે સ્ટાફ છે તરના દ્વારા જ બોલપેનથી બાળકનું નામ લખી દેવામાં આવ્યું હતું. જે બાદ ૧૧ વર્ષે જયારે ઓનલાઇન તપાસવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર તો બાળકનું નામ ચડયું જ નથી. આ બાબતે અંજારના મેહુલભાઈ દવે દ્વારા જયારે અંજાર મામલતદાર કચેરીના સ્ટાફને રજૂઆત કરી તો ઉડાઉ જવાબ આપ્યો હતો અને હમણાં કામ નહિ થાય તેવું કહી દેતા અરજદારે ન છૂટકે બહારથી રૂપિયા ખર્ચી પોતાના બાળકનું નામ ઓનલાઇન કરાવવાની ફરજ પડી હતી.