ચોપડવા હાઇવે પર બન્યો ગંભીર બનાવ, છતાં બીજા દિવસે પણ ફરિયાદ ન નોંધાઈ
સ્કૂલવાન અકસ્માત બનાવમાં પોલીસની ઢીલી નીતિ
ગંભીર હાલત રહેલો બાળક હજુ પણ ગંભીર, પોલીસે કહ્યું ફરિયાદ નોંધાવવા કોઈ આવતું જ નથી
ગાંધીધામ: ભચાઉનાં ચોપડા બ્રિજ પાસે મંગળવારે વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ વેન ટ્રેઈલરમાં ભરેલા લોખંડનાં સળિયા સાથે અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં સ્કૂલ વેનમાં સવાર વિદ્યાર્થીઓ માંથી ૮ ને ઈજાઓ પહોંચી હતી.જ્યારે ૧૫ વર્ષીય એક વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલો એક બાળક હજુએ ગંભીર હોવાનું પોલીસે જણાવ્યુ હતું. આ બનાવને ૨૪ કલાકથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં પોલીસની ઢીલી કામગીરી હોવાથી ફરિયાદ નોંધાઈ શકી ન હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર સ્કૂલવેન નં જીજે ૧૫ સીજી ૭૮૪૯નાં ચાલક રાબેતા મુજબ નંદગામ, નાની ચિરઈ અને ગોકુળગામમાંથી બે છાત્ર અને ૭ વિદ્યાર્થીનીઓને લઈ શાળાએ જવા રવાના થયા હતા. દરમિયાન ભચાઉ - ગાંધીધામ નેશનલ હાઇવે પર સવારના ૭ વાગ્યાંનાં અરસામાં તેમને અકસ્માત નડયો હતો. જેમાં ટ્રેઇલર અને સ્કૂલવાનનાં અકસ્માતથી વિધાર્થીઓનાં ચીસોથી હાઇવે ગુંજી ઉઠયો હતો. ભચાઉ - ગાંધીધામ નેશનલ હાઇવે પર ચોપડવા બ્રિજ નજીક સ્કૂલવેનનાં ચાલકે સળિયા ભરેલા ટ્રેઈલર નં જીજે ૧૨ બીડબલ્યુ ૭૧૩૨ને ઓવરટેક કરવા જતા ટ્રેઈલરમાં ભરેલા સળિયા સાથે સ્કૂલ વાન ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત થતા સ્કૂલ વાન પલટી ખાઈ જતા સ્કૂલવેનમાં સવાર કુલ ૯ વિધાર્થીઓને ઈજાઓ પહોંચી હતી.આ અકસ્માતના બનાવમાં શાંતિબેન રબારી અને સાહીન ફકીર નામના વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં સારવાર દરમિયાન ૧૫ વર્ષીય શાંતિબેન રબારીનું મોત નીપજ્યું હતું. જ્યારે હાલની સ્થિતિએ સાહીન ગંભીર હાલતમાં જ સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું હતું. તો બીજી તરફ ફરિયાદ હજુ સુધી કેમ નથી તેવું જાણવા ભચાઉ પોલીસના પી.આઈ.નો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ રાબેતા મુજબ તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. તો બીજી તરફ ભચાઉ પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે ફરિયાદ નોંધાવવા માટે સવારથી અનેક પ્રયત્નો કર્યા છે પરંતુ કોઈ ફરિયાદ નોંધાવવા આવતું જ ન હોવાથી હજુ સુધી ફરિયાદ નોંધાઈ શકી ન હતી.