ગુજરાતમાં અહીં ગમખ્વાર અકસ્માત, રોડ પર ઊભી ટ્રકમાં ઘૂસી સ્કૂલ વાન, 1 વિદ્યાર્થિનીનું મોત, 8 ઘાયલ
Gujarat Bhuj Accident | જિલ્લામાં સ્કૂલ વાહન ચાલકોની બેદરકારીના કારણે અકસ્માતના બનાવો વધવાની સાથે ભચાઉ તાલુકાના ચોપડવા નજીક આજે સ્કૂલ વેન ચાલક બ્રિજ પર ઉભેલા સળિયા ભરેલા ટ્રેલરને ઓવરસ્પીડમાં ઓવરટેક કરવા જતાં ગંભીર અકસ્માત સર્જાતા ૮ બાળકોને ઇજા તેમજ એક બાળકીનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે
આ અંગેની ભચાઉ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સ્કૂલવેન નં જીજે ૧૫ સીજી ૭૮૪૯નાં ચાલક રાબેતા મુજબ ભચાઉ તાલુકાના નંદગામ, નાની ચિરઈ અને ગોકુળગામમાંથી નવ વિદ્યાર્થીનીઓને લઈ શાળાએ જવા રવાના થયા હતા. તે દરમિયાન ભચાઉ - ગાંધીધામ નેશનલ હાઇવે પર સવારે ૭ વાગ્યાંનાં અરસામાં તેમને અકસ્માત નડયો હતો. ત્યારે વરસાદ પણ પડયો હતો
સ્કૂલવેનનાં ચાલકે બ્રિજ પર સળિયા ભરેલા ટ્રેઈલર નં જીજે ૧૨ બીડબલ્યુ ૭૧૩૨ ને ઓવરટેક કરવા જતા ટ્રેઈલરમાં સ્કૂલવેન અથડાઈ પડતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત થતા સ્કૂલવેન બે વખત પલટી ખાઈ જતા તેમાં સવાર ૯ વિધાર્થીઓને ઈજાઓ પહોંચી હતી.આ સમયે વિદ્યાથનીઓ ગભરાઈ ગઇ હતી.આ સમયે રોડ પર પસાર થતા વાહન ચાલકો મદદે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ૯ ઘાયલ બાળકોને સારવાર અર્થે પ્રથમ ભચાઉની સરકારી હોસ્પિટલમાં અને વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં નંદ ગામની ૧૪ વર્ષીય શાંતિ રબારી નામની બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા જ્યારે નાની ચિરઇના સાહીન સબીર ફકીર નામના વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તે સારવાર હેઠળ છે.
ભચાઉના ઇન્ચાર્જ પોલીસ અધિકારી બી.જી રાવલના જણાવ્યા પ્રમાણે સ્કૂલવેનમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ૨ છાત્રો હતા, જ્યારે ૭ વિદ્યાર્થીનીઓ ભચાઉની સરકારી કન્યા વિદ્યાલયની સવાર હતી. આજના આ ગંભીર બનાવ બાદ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.જે બે કલાક સુધી રહેવા પામ્યો હતો.સ્કૂલવેનનાં અકસ્માતનાં બનાવ અંગે માહિતી મળતા ભચાઉ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી.આ ઘટનામાં સ્કૂલ વેન ચાલક અને ટ્રેલર ચાલકને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. બુધવારે આ અકસ્માત કેસમાં હતભાગીના પરિવારજનો સ્કૂલ વેન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે તેવું જાણવા મળે છે સમગ્ર બનાવ અંગે ભચાઉ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ફાધર સિજોના જણાવ્યા પ્રમાણે તેમની શાળાના વંશ અને પ્રાચી બે વિદ્યાર્થીનીઓ સ્કૂલવેનમાં સવાર હતા અકસ્માતની ઘટના બાદ તેમને હોસ્પિટલમાં બનતી મદદ કરવામાં આવી હતી
સ્કૂલ વેન ચાલક ભચાઉ તાલુકાના ત્રણ ગામોની વિદ્યાર્થીનીઓને દરરોજ સવારે ભચાઉની બે શાળામાં પહોંચાડતો હતો.જેના મહિનાનું ભાડું વાલીઓ પાસે લેતો હતો.જેથી તે સ્કૂલનો વાહન ચાલક નથી તેવું કહેવામાં આવી રહ્યો છે.બીજી તરફ સ્કૂલ વેનનું ઇન્સ્યોરન્સ નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે જો કે તપાસ દરમિયાન વધુ હકીકતો બહાર આવશે.વેન ચાલક બાવાજી છે અને નંદગામનો વતની છે. હાલ તેને રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે.
કચ્છમાં સ્કૂલ વાહન ચાલકો બેફામ બન્યા
વાલીઓ હવે તો જાગો,ભાડા બચાવવાની લાહ્યમા સંતાનોના જીવ જોખમમા
ભુજ: કચ્છમાં સ્કૂલ વાહન ચાલકો બેફામ બન્યા છે રોજિંદા બનતા અકસ્માતો ગંભીર બાબત કહી શકાય તેમ છે.પોલીસ અને આર. ટી.ઓ તંત્ર કેમ પગલાં લેતા નથી તે એક સવાલ છે
આજે ભચાઉ તાલુકાના ચોપડવા નજીક અકસ્માત સર્જાયો હતો ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો.ત્યારે એક વાત નક્કી છે કે કેટલાક સ્કૂલ વાહન ચાલકો ને વાહનો ચલાવવાની ગંભીરતા નથી.સામાન્ય રીતે કોઈપણ સ્કૂલ વાહનને આર. ટી.ઓના નિયમો પાલન કરવાના હોય છે પણ નિયમો નેવે મુકાતા હોય છે.સ્કૂલ વેન,રીક્ષામાં વિદ્યાર્થીઓ ઘેટાં બકરાની માફક ભરવામાં આવે છે પરિણામે અકસ્માત સર્જાય છે જે પોલીસને દયાને હોવા છતાં માત્ર એક બે દિવસ કાર્યવાહી કરવાના બદલે કેમ નિયમિત પગલાં લેવાતા નથી.તંત્રની કડકાઈ ન હોવાના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે.અકસ્માતના ગંભીર બનાવો બનતા હોવા છતાં જવાબદારો જાગતાં નથી,આજે વાલીઓએ પણ જાગૃત થવાની જરૂરત છે તમારા સંતાનો જે વાહનમાં જાય છે તે તેના માટે સેફ છે કે નહીં તે જોવું જરૂરી બની રહે છે.સ્કૂલ વાહન ચાલકો નિયમોનું પાલન કરે છે કે નહીં તે તપાસ થવી જોઈએ સાથે સાથે મોટા ઉપાડે જે સ્કૂલના સંચાલકો ફી વસુલે છે તેઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ જે આવનારા સમયની માંગ છે
અકસ્માતમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓનાં નામ
મૃત્યુઃ શાંતિબેન રબારી (ઉ.વ. ૧૪, રહે. નંદગામ. અભ્યાસઃ સરકારી કન્યા શાળા)
ઈજાગ્રસ્તોઃ ૧. હેતવી સાકરા રબારી, (ઉ.૧૬ રહે નંદગામ, અભ્યાસઃ સરકારી કન્યા શાળા)
૨. વંશીકા મસરૂભાઈ રબારી (ઉ.૧૫ રહે. નંદગામ, અભ્યાસઃ સરકારી કન્યા શાળા)
૩. સાહિન સબીરભાઈ ફકીર (ઉ.૧૫ રહે, નાની ચિરઈ, અભ્યાસઃ સરકારી કન્યા શાળા)
૪. સીમરન અવેશભાઈ ફકીર (ઉ.૧૭ રહે,નાની ચિરઈ, અભ્યાસઃ સરકારી કન્યા શાળા)
૫. માધવી પચાણભાઈ રબારી ( ઉ.૧૪ રહે, નંદગામ, અભ્યાસઃ સરકારી કન્યા શાળા)
૬. હેમાલી ભાવેશભાઈ (ઉ.૧૪ રહે, નંદગામ, અભ્યાસઃ સરકારી કન્યા શાળા)
૭. પ્રાચી જેઠાલાલ માંગે (ઉ.૧૬ રહે, ગોકુલગામ.અભ્યાસઃ સેન્ટ ઝેવિયર્સ, ભચાઉ)
૮. વંશ જેઠાલાલ માંગે ઉ.૧૧ રહે, ગોકુળગામ (અભ્યાસઃ સેન્ટ ઝેવિયર્સ, ભચાઉ)
કઈ રીતે સર્જાયો અકસ્માત
સ્કૂલ વેન ચાલક જુદા જુદા ત્રણ ગામોની છાત્રોને જ્યારે ભચાઉની શાળામાં મૂકવા જતો હતો ત્યારે ચોપડવા બ્રીજ પાસે ઉભેલા લોખંડના સળિયા ભરેલા ટ્રેલર સાથે અથડાઈને સ્કૂલ વેન પલ્ટી મારી ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ટ્રેલરમાં ડીઝલ ખૂટી જતાં આ ટ્રેલર બ્રીજ પાસે ઉભું હતું ત્યારે આ અકસ્માતની ઘટના બનવા પામી હતી. સવારના સમયે વરસાદ પણ પડયો હતો. ત્યારે સ્કૂલ વેન અથડાયા બાદ પલ્ટી મારી ગઈ હતી.
પોલીસને વાહન ચાલકના નામ પણ ખબર નથી
અકસ્માતની ઘટના આજે સવારે પ્રકાશમાં આવવા પામી હતી સમગ્ર ઘટનામાં રાત સુધી કોઈ ફરિયાદ ન નોંધાતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. આ ઘટનામાં પોલીસે વેન ચાલક અને ટ્રેલર ચાલકને રાઉન્ડઅપ કર્યો છે જો કે, આ સમગ્ર બનાવમાં ભચાઉ પોલીસ મથકનો સંપર્ક સાધતા તેઓ પાસે બન્ને વાહન ચાલકોના નામો મળ્યા ન હતા. એટલંુ જ નહીં જવાબદાર પોલીસ અધિકારીને પણ વાહન ચાલકનું નામ ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર બનાવમાં ફરિયાદ રાત્રે ૧૦ વાગ્યા સુધી થવા પામી ન હતી. ઘટના ગંભીર હોવા છતાં પણ આ ફરિયાદ બુધવારે નોંધાશે તેવું જવાબદાર અધિકારીએ કહ્યું હતું જેમાં હતભાગીના વાલીઓ ફરિયાદ નોંધાવશે તેમ જણાવ્યું હતું. જો કે આવા ગંભીર બનાવમાં પોલીસ ફરિયાદી બનીને કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યંુ છે.