મુંબઈ- કંડલા ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાથી તંત્રમાં દોડધામ
- ફરી ખોખલી ધમકી મળી, પ્રવાસીઓ 2 કલાક રઝળ્યા
- સઘન ચેકિંગ બાદ બોમ્બ ન મળતા થયો હાશકારો, ખોખલી ધમકીઓથી એરલાઈન્સ કંપનીઓને કરોડોની ખોટ
ગાંધીધામ : દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ ફલાઈટ્સમાં બોમ્બ મૂકાયાની ખોખલી ધમકીઓ અપાવાનો સિલસિલો ચાલુ છે. તેમાં હવે સ્પાઇસ જેટ એરલાઇન્સના એક્સ એકાઉન્ટમાં મુંબઈ-કંડલા ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પૂર્વ કચ્છ પોલીસ ઉંધા માથે થઈ હતી અને તાબડતોબ કંડલા એરપોર્ટ ખાતે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે બે કલાક સુધી સઘન તપાસ કર્યા બાદ બોમ્બ ન મળતા વરસામેડી ખાતે આવેલા કંડલા એરપોર્ટમાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. તો બીજી તરફ છેલ્લા દસેક દિવસોથી આપવામાં આવતી ખોખલી ધમકીઓના કારણે એરલાઇન્સ કંપનીઓને કરોડોની ખોટ આવી હોવાનું પણ સામે આવ્યું છે.
એરપોર્ટ કંપનીઓને મળી રહેલી બામ્બની ધમકીના પગલે વિમાનનાં ઈમરજન્સી લેન્ડિંગ અને ઉતરાણ પછી આઈસોલેટ કરી ચેકિંગને લીધે વિમાની પ્રવાસીઓના કલાકો વેડફાઈ રહ્યા છે અને સમગ્ર સિવિલ એવિએશન સેક્ટરને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે ફલાઈટમાં બોમ્બના ખોટા કોલ કરવાને કોગ્નિઝેબલ ઓફેન્સમાં સમાવાશે તેમ જણાવ્યું છે. ગુરુવારે ઈન્ડિગો, એર ઈન્ડિયા, વિસ્તારા, સ્પાઈસજેટ, એલાયન્સ એર તથા અકસા એરની વધુ ૮૫ ફલાઈટ્સમાં બોમ્બ મૂકાયાની ધમકીઓ મળી હતી. જે દરમિયાન હવે શુક્રવારે બપોરે ૧-૪૫ વાગ્યે અંજાર તાલુકાનાં વરસામેડી કહતે આવેલા કંડલા એરપોર્ટ પર મુંબઈથી આવી રહેલી મુંબઇ-કંડલા ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી. સ્પાઇસ જેટની એક્સ સોશિયલ સાઇટના એકાઉન્ટ પર આ ધમકી મળી હતી. બનાવ અંગે અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરીએ જણાવ્યુ હતું કે, લગભગ ૨ વાગ્યે લેન્ડ કરેલી સ્પાઇસ જેટના પ્લેનમાં બોમ્બ હોવાનું ધમકી મળતા વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત પ્લેન અને મુસાફરોની પણ સઘન ચેકિંગ હાથ ધરાઇ હતી. પરંતુ બોમ્બ મળ્યો ન હતો. જેથી મુસાફરો અને ફ્લાઇટને મુક્ત કરવામાં આવ્યા હતા.