અંજારમાં 40 લાખની લૂંટનાં બનાવમાં થયું ઘટનાનું રિકન્ટ્રક્શન
બાઈક પર આવેલા ચારેય ઈસમોને લઇ જઈ ઘટનાને જીવંત કરાઈ
ગાંધીધામ: અંજારમાં ગુરુવારે રાત્રે છરીની અણીએ રૂ. ૪૦ લાખની રોકડ રકમની થયેલી લૂંટનો ભેદ પૂર્વ કચ્છ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ બનાવમાં ૩ કિશોર, એક મહિલા સહિત કુલ ૯ ઇસમોની સંડોવણી હોવાનું ખૂલ્યું છે. જેમાં પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. જે હાલે રિમાન્ડ હેઠળ છે ત્યારે સમગ્ર ઘટનાને જીવંત કરવા ઘટનાનું રિકન્ટ્રક્સન કરવામાં આવ્યુ હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર અંજારમાં ૬ જુન ગુરુવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં મહાવીર ડેવલોપર્સ એન્ડ ફાઈનાન્સ પેઢીની ઓફિસ બહાર લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં બે કર્મચારી નિત્યક્રમ મુજબ દસ્તાવેજો અને રોકડ રકમ ભરેલા થેલાં લઈ ઓફિસ નીચે પાર્ક શેઠની બલેનો કારમાં રાખવા જતા હતા ત્યારે અચાનક બે મોટર સાયકલ પર ચાર બુકાનીધારી યુવકો ત્રાટક્યા હતા. ચારે જણ છરી બતાડી ૪૦ લાખની રોકડ સહિતના થેલા લૂંટી નાસી ગયા હતા. ઘટના બાદ તુરંત જ અંજાર સહિતની પોલીસ ટીમોએ અલગ અલગ ૬ જેટલી ટીમો બનાવી હતી. જેમાં પોલીસે આસપાસનાં સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓની ઓળખ કરી તેમને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડયા હતા.આ બનાવમાં ૩ કિશોર, એક મહિલા સહિત કુલ ૯ શખ્સોને પોલીસે લૂંટમાં ગયેલા તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં બે આરોપી ભચાઉ તરફ નાસી ગયા હતા અને બે આરોપી પૂર્વ આયોજીત પ્લાન મુજબ ગઢશીશા પહોચ્યા હતા. મુંદરાના વાંકી ગામે રહેતા મામદના બનેવી ઈકબાલ મીઠુભાઈ બાયડે ગઢશીશા આવીને બે આરોપી પાસેથી રોકડ રકમ અને દસ્તાવેજ ભરેલાં થેલાં લઈ જઈ પોતાના ઘરમાં છૂપાવી દીધાં હતાં. સગીર પ્યૂન, ફરઝાના, તેનો સગીર પુત્ર બાદ પોલીસે સૂઈ ગામ તરફ નાસી ગયેલાં ફરઝાનાના સગીર બાયફ્રેન્ડને ઝડપી પાડયો હતો. બીજી તરફ, લૂંટ આચરનારાં ભુપેન્દ્ર અને હબીબ તથા ઘરમાં લૂંટનો માલ છૂપાવનારાં ઈકબાલ બાયડ પણ ઝડપાઈ ગયા હતા તેમજ એક દિવસ રહી લૂંટમાં ગયેલા ત્રણ દસ્તાવેજનાં થેલા સાથે બાકી બે આરોપી ૧૯ વર્ષીય મામદ ઉર્ફે ઘોડો બાવલા મથડા (રહે. મીઠાપોર્ટ કંડલા ગાંધીધામ) અને ફારૂક ઉર્ફે ફારીયો જુમા નારેજા (રહે. હિંમતપુરા ભચાઉ)ને પણ પોલીસે ઝડપી પાડયા હતા. જે પકડાયેલા તમામ પુખ્ત આરોપીઓ રિમાન્ડ હેઠળ છે. જેથી અંજાર પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરવા બાઈક પર આવેલા ચાર આરોપીઓને ઘટના સ્થળ પર લઈ ગયા હતા.