રાજકોટ અગ્નિકાંડ : કચ્છભરમાં ફાયર સેફટીના સાધનોની ડિમાન્ડ
'આગ લાગે ત્યારે કુવો ખોદવો આ કહેવત હવે સાર્થક થઈ રહી છે'
હોસ્પિટલ, શાળા- કોલેજોને વેચાણ માટે વેપારીઓની પ્રથમ પ્રાથમિકતા
૬.૯થી ૫૦ કિલોમાં ઉપલબ્ધ એક સિલિન્ડરની કિંમત એક હજાર આસપાસ ઃ હાલમાં કોઈ ભાવ વધારો નહીં
ભુજ: રાજકોટમાં ટીઆરપી ઝોનમાં ઘટેલી દુર્ઘટનાએ ગુજરાતભરમાં પડઘા પડયા છે. તંત્ર દોડતું થયું છે જેને પગલે અનેક ગેમઝોન તાત્કાલીક બંધ કરવામાં આવ્યા છે. તેમજ તંત્ર દ્વારા અનેક હોસ્પિટલો, સ્કૂલ, કોલેજો, બિલ્ડિંગોમાં ચકાસણી હાથ ધરી છે. અને ફાયર સેફટીના નિયમો પણ આકરા કરી દેવામાં આવ્યા છે. આથી, લોકોમાં પણ ડરનો માહોલ છવાયો છે, જેની સીધી અસર ફાયર સેફટીના સાધનો ખરીદવા પર પડી છે. તંત્ર દ્વારા જયાં ફાયર સેફટીના સાધનો નહીં હોય તે તમામ જગ્યાઓ સીલ કરવામાં આવી રહી છે. આ ડરનો વ્યાપ વધ્યો અને કચ્છમાં પણ ફાયર સેફટીના સાધનો ખરીદવા માટે પડાપડી છે. કહેવાય છે કે, આગ લાગે ત્યારે કુવો ખોદવો આ કહેવત હવે સાર્થક થઈ રહી છે કે જયારે રાજકોટ ગેમઝોનમાં આગની મોટી દુર્ઘટના સર્જાણી અને ૨૮ જિંદગીઓ આ આગમાં હોમાય ત્યારે હવે તંત્ર સજાગ બન્યું છે.
કચ્છની વાત કરીએ તો ભુજ સહિત તાલુકા મથકોએ પણ આ ઘટનાના પાંચ જ દિવસમાં જ ફાયર સેફટીના ખરીદવામાં ૧૦૦ ટકાનો વધારો થયો છે. ફાયર સેફટીના સાધનો વેચતા વેપારીના જણાવ્યાનુસાર એક એક સાધનની ખરીદી વધી રહી છે. ડરના કારણે ધંધાર્થીઓ સાધનો મેળવી રહ્યા છે. એકાએક માંગ વધતા વિક્રેતાઓ પણ મુંઝવણમાં મુકાયા છે. આટલી માંગ કયારેય ન જણાતા લીમીટેડ સ્ટોક રાખવામાં આવે પરંતુ હવે માંગ વધતા માલના ઓર્ડર પણ વધ્યા છે. હાલ સૌથી વધુ ફાયર સીલીન્ડરની માંગ વધુ જોવા મળી રહી છે.
આ ફાયર સેફટીના સાધનો પંજાબ, લુધીયાણાથી મંગાવવામાં આવે છે. ભુજમાં ફાયર સેફટી વિભાગ, પાલિકા સહિતના વિભાગોએ છેલ્લા ત્રણ દિવસોથી કોમર્શીયલ કોમ્પલેક્ષ, હોસ્પિટલોમાં ચેકીંગ હાથ ધર્યું છે. આ ઘટના બાદ લોકોમાં પણ ડરનો માહોલ છવાઈ ગયો છે. આથી, તેઓ પણ સ્વૈચ્છાએ પોતાની ઓફિસ માટે સાધનો ખરીદી રહ્યા છે. એક સિલિન્ડરની કિંમત એક હજારથી શરૂ થાય છે. આ સિલિન્ડર ૬.૯થી ૫૦ કિલોમાં ઉપલબ્ધ છે. એક વર્ષ સુધી વેલીડ રહે છે. ભુજમાં ગણ્યાગાંઠયા વેપારીઓ ફાયર સેફટીના સાધનોનું વેચાણ કરે છે. વેપારીઓ હોસ્પિટલ અને શાળા કોલેજોને પ્રથમ પ્રાથમિકતા આપી રહ્યા છે. હાલમાં તો કોઈ ભાવ વધારો નથી. પરંતુ, એકાએક ડિમાન્ડ વધતા પ્રોડકશનમાં અસર પડશે. જેને પગલે આગામી સમયમાં ભાવ પર અસર થાય તેવી સંભાવના છે. આમ, ભુજ ઉપરાંત તાલુકા મથકોએ પણ લોકો ડરને કારણે અને દંડથી બચવા ફાયર સેફટીના સાધનો ખરીદી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં સુરત ખાતે તક્ષશિલા અગ્નિકાંડ તેમજ અન્ય એકાદ બે ઘટનાઓ બાદ ફાયર સેફટી ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. એટલે હાલમાં ફાયર સેફટીના સાધનો માત્ર હોસ્પિટલ શાળા કોલેજો જ નહીં પરંતુ સર્વત્ર જરૂરી બની ગયા છે.