આસોમાં વરસાદી માહોલ યથાવત, હળવા ઝાપટાંથી અડધો ઈંચ પાણી વરસ્યું
- ભુજમાં ઝાકળવર્ષા થતા આહલાદ્ક દ્રશ્ય સર્જાયું
- ભચાઉમાં અડધો ઈંચ, અંજાર શહેર અને માંડવી, મુંદરા તાલુકામાં ઝાપટાં પડયા
ભુજ : આસોમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે. ભચાઉ, અંજાર અને માંડવી-મુંદરા તાલુકામાં ઝાપટાથી લઈને અડધા ઈંચ જેટલો વરસાદ પડયો છે. સવારે ભેજના ઉંચા પ્રમાણના લીધે ઝાકળવર્ષાથી માર્ગો ભીના થયા હતા. બપોરના સમયે ગરમી અને ઉકળાટ અનુભવાયો હતો.
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કર્યા પ્રમાણે વરસાદી માહોલ છવાયો છે.સ ભચાઉમાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ૧પ મિનિટ સુધી ધોધમાર વરસાદ પડયો હતો. અદાજે અડધા ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું હતું. માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા.
અંજારમાં બપોરના ભારે ઉકળાટભર્યા માહોલ વચ્ચે વરસાદી ઝાપટું વરસ્યું હતું. માંડવી તાલુકાના ત્રગડી, કોકલીયા, ગામે હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા. મુંદરા તાલુકાના ભુજપુર ગામે ઝાપટું પડયું હતું.ગત રાત્રિના લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે ધોધમાર વરસાદ પડયો હતો.
જિલ્લા મથક ભુજમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૩ ટકા અને સાંજે ૬ર ટકા નોંધાયું હતું. સવારના ભેજના વધુ પ્રમાણના લીધે ઝાકળવર્ષા થતાં રસ્તા ભીના થયા હતા. રસ્તા પર સુંદર દ્રશ્ય સર્જાયું હતંુ. મહત્તમ તાપમાન ૩પ.૪ ડિગ્રી સે. નોંધાયું હતું. બપોરે ગરમી અને ઉકળાટ અનુભવાયો હતો.