એક દિવસ પહેલા રજૂઆત થઈને ગાંધીધામના સ્પા પર બીજા જ દિવસે દરોડો

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
એક દિવસ પહેલા રજૂઆત થઈને ગાંધીધામના સ્પા પર બીજા જ દિવસે દરોડો 1 - image


લોકસંવાદમાં થયેલી રજૂઆતની અસર 

૭ રૂપલલનાઓને પોલીસે મુક્ત કરાવી સ્પાના સંચાલકને ઝડપી લીધો 

ગાંધીધામ: ગાંધીધામ એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં એસ.પી.ના લોકદરબારમાં કરવામાં આવેલી રજૂઆતનો પડઘો પડયો હતો અને પોલીસે સેક્ટર - ૧એ માં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો હતો. જેમાં પોલીસે સ્પા પર દરોડો પાડી દેહાવ્યાપારનો ધંધો કરાવતા શખ્સને પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સ્પાની આડમાં બહારથી મહિલાઓ બોલાવી મહિલા પાસે દેહાવ્યાપારનો ધંધો કરાવી પોતાનું કમિશન કાઢતો હતો. પોલીસે દરોડામાં ૭ મહિલાને દેહાવ્યાપારનાં વિષચક્રમાંથી મુક્ત કરાવી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામનાં સેક્ટર - ૧એ પ્લોટ નં ૨૭૧ પ્રથળ માળે આવેલા ક્રિસ્ટલ સ્પા પર બાતમી આધારે રાત્રે મંગળવારનાં રાત્રે ૯ નાં અરસામાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે સ્પાની આડમાં બહારથી મહિલાઓ બોલાવી તેમના પાસે દેહાવ્યાપારનો ધંધો કરાવતો આરોપી હેમેન્દ્ર લક્ષમણસિંગ રાજપૂત (રહે. મૂળ ભીલવાડા રાજસ્થાન હાલે શક્તિનગર ગાંધીધામ)ને પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે સ્પાનો માલિક દેવેન્દ્ર જે. જેઠવા (રહે. ગાંધીધામ) વાળો પોલીસને હાથ આવ્યો ન હતો. ક્રિસ્ટલ સ્પાનો માલિક દેવેન્દ્ર અને સંચાલક હેમેન્દ્ર સ્પામાં આવનાર ગ્રાહકોને સ્પાનાં નામે મહિલાઓને શરીર સુખ માણવા સવલતો પુરી પાડી કુટણખાનું ચલાવી સ્પાનાં ભાડા રૂપે મહિલાઓ પાસે પોતાનું કમિશન કાઢતા હતા. જેથી પોલીસે બાતમી આધારે સ્પા પર દરોડો પાડી સ્પામાં કામ કરતી ૭ ભારતીય મહિલાઓને દેહવ્યાપારનાં ધંધામાંથી મુક્ત કરાવી હતી. પોલીસે દરોડામાં સ્પામાંથી રૂ. ૧,૫૦૦ રોકડા અને એક મોબાઈલ સહીત કુલ રૂ. ૧૬,૫૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત સોમવારે સાંજે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથક પાસે આયોજિત પૂર્વ કચ્છ પોલીસ વડાના લોકસંવાદ કાર્યક્રમમાં પિયુષ વોરા નામના નાગરિકે ૮૦થી વધી સ્પા ચાલતા હોવા ઉપરાંત સ્પાને લગતા અનેક આક્ષેપો પણ કર્યા હતા. જ્યાં એસ.પી. એ કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી. જે બાદ મંગળવારે જ રાત્રે એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી સ્પાના નામે ચાલતો કુટણખાનો ઝડપી લીધો હતો. તો પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હજુ પણ આ પ્રકારે કાર્યવાહી ચાલુ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. 


Google NewsGoogle News