સોના-ચાંદીના ભાવમાં વધારાના કારણે ઘરાકીનો ચળકાટ ઝાંખો પડયો
- ગુરૂ પુષ્ય નક્ષત્રનો શુભ દિવસ છતાં
- હાલમાં સોનું તોલાદીઠ 80 હજાર આસપાસ અને ચાંદી લાખે પહોંચી જતા લોકોમાં કચવાટ
ભુજ : સામાન્ય દિવસો કરતા પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી વધુ થતી હોય છે. પરંતુ સોનાના ભાવમાં તોલાદીઠ અધધ વધારો થતા આજે ગુરૂ પુષ્ય નક્ષત્ર છતાં ૫૦ ટકા ખરીદી ઘટી જતા ખરીદીનો ચળકાટ જાંખો પડયો છે.
હાલમાં મોંઘવારીનો વાયરો એટલી હદે ફૂંકાયો છે. કે તેમાં કોઈ બાકાત રહ્યું નથી. જીવન જરૂરીયાતની વસ્તુઓની સાથે તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ત્યારે મહિલાઓને પ્રિય સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાના કારણે તેની સીધી અસર ઘરાકી પર થઈ રહી છે. આજે ગુરૂપુષ્ય નક્ષત્રમાં સોનુ-ચાંદી ખરીદવુ શુભ માનવમાં આવે છે. છતાં ૫૦ ટકા ખરીદી ઘટી હોવાનું સોની વેપારીઓ જણાવી રહ્યા છે. અને હજુ પણ ભાવ તોલા દીઠ વધવાની શક્યતા ધંધાર્થી દર્શાવી રહ્યા છે. વધુમાં ૫૦ ટકા ખરીદી કરી રહેલા લોકોમાં જેમના ઘરે આવનારા દિવસોમાં લગ્ન પ્રસંગ છે તેઓ ગુરૂ પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ જોઈ સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી કરવાની શરૂઆત કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે છેલ્લા ત્રણેક વર્ષમાં સોનાના ભાવ તોલા દીઠ ડબલ થઈ જતા હાલમાં સોનાના ભાવ તોલાદીઠ ૮૦ હજાર અને ચાંદી એક લાખએ પહોચી ગયા છે. જેથી પ્રસંગને અનુરૂપ ઘરેણાં ખરીદવા ગ્રાહક આવે છે. પણ મોટા પાયે ખરીદી જોવા મળતી નથી.