ગાંધીધામમાં ધોળા દિવસે મકાનમાંથી 1.11 લાખની માલમત્તા ચોરાઈ
ટેબલ પર રાખેલા બે લેપટોપ, મોબાઈલ ફોન અને સોનાની વીંટી અજાણ્યો શખ્સ ચોરી ગયા
ગાંધીધામ: ગાંધીધામનાં સેક્ટર નં ૮માં ધોળા દિવસે કોઈ અજાણ્યો શખ્સ એપાર્ટમેન્ટનાં મકાનમાં અપપ્રવેશ કરી મકાનમાંથી બે લેપટોપ, એક મોબાઈલ ફોન અને એક સોનાની વીંટી સહીત કુલ ૧.૧૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી લઈ જતા તેના વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.
મૂળ ભાવનગરનાં હાલે ગાંધીધામનાં સેક્ટર નં ૮માં એરૂણદેવ એપાર્ટમેન્ટમાં રહેતા ચેતનભાઈ રસીકભાઈ વ્યાસે ફરિયાદ નોંધાવી હતી કે, ગત ૮ નવેમ્બરનાં દિવસ દરમિયાન બનાવ બન્યો હતો. જેમાં કોઈ અજાણ્યો શખ્સ ફરિયાદીનાં બંધ મકાનમાં મેઈન દરવાજાનું તાળું તોડી ઘરમાં અપપ્રવેશ કરી મકાનનાં રૂમમાં ટેબલ પર રાખેલા બે લેપટોપ અને એક મોબાઈલ ફોન સાથે બેંકનું આઈ કાર્ડ, એ. ટી. એમ કાર્ડ, ડ્રાંઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ તેમજ એક સોનાની વીંટી સહીત કુલ રૂ. ૧,૧૧,૦૦૦ નાં મુદ્દામાલ ચોરી કરી લઈ ગયો હતો. જેથી ફરિયાદીએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.