સોશ્યિલ મીડિયામાં ફોટો - વીડિયો શેર કરી તસ્કરોને આમંત્રણ આપતા લોકો
પોતાની મિલ્કતની સુરક્ષામાં કચ્છવાસીઓની કચાસ !
કચ્છમાં વધતા ચોરીના બનાવો ચિંતાજનક : પોલીસ માટે મદદરૂપ થાય તે માટે વિવિધ સ્થળોએ લાગેલા સીસીટીવી પણ બંધ હાલતમાં
શિયાળાના આરંભ સાથે જ તસ્કરો પણ સક્રિય બનતા હોય તેમ વધુ એક વખત ફુલ ગુલાબી ઠંડીના આરંભ સાથે જ તસ્કરો પોતાના મનસુબાને પાર પાડી રહ્યા છે. કચ્છમાં રહેણાંક મકાનને નિશાન બનાવીને ધાર્મિક સ્થળોને પણ તસ્કરો છોડતા નથી. ત્યારે, દિવાળી વેકેશનની લાંબી રજાઓ ટાંકણે જ તસ્કર ટોળકી ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. કચ્છના શહેરી વિસ્તારમાં તસ્કર ટોળકી સક્રિય થતાં શહેરીજનોમાં ફફડાટ મચી ગયો છે. શહેરી વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ અમુક જગ્યાએ બંધ હોય છે અથવા તો ધૂંધળા બની જતા હોવાથી કામ કરતા ન હોવાથી તસ્કરો ઝડપાતા હોતા નથી.
રાપર તાલુકાના ચિત્રોડમાં આઠ મંદિરોને નિશાન બનાવી તસ્કરોએ અંજામ આપ્યા બાદ સપ્તાહના બીજા ગાળામાં જ કાનમેરમાં પણ આઠ મંદિરોમાં ચોરીના બનાવે પોલીસની પણ ઊંઘ હરામ કરી નાખી છે. કચ્છમાં પણ દિવાળીના તહેવારો અને વેકેશનના પગલે લોકો લાંબી રજામાં ગયા છે ત્યારે એક દિવસ કે વધુ દિવસ બંધ રહેતા મકાનોની રેકી કરી તસ્કરો આવા મકાનોમાં ત્રાટકીને દાગીના અને રોકડની ચોરી કરી જતા હોય છે.
તહેવારો પર તસ્કરીના બનાવો ન બને તે માટે પોલીસે લોકોને ચેતવે છે, તહેવારોમાં કે અન્ય સમયે બહાર ગામ જાઓ ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવાય છે, તેમ છતાં જાણ કરાતી હોતી નથી અને ફરવા ગયા બાદ લોકો પરિવાર સાથેના ફોટો કે વીડિયો સોશ્યિલ મીડિયામાં શેર કરતા હોય છે જેથી મકાન બંધ હોવાની જાણ તસ્કરોને થતી હોય છે. પરિણામે પણ ચોરીના બનાવો બને છે. લોકો પણ પોતાની જ સંપતિની સુરક્ષામાં ઉદાસીનતા દાખવતા હોય તેમ લાખોના દાગીના અને રોકડ કબાટમાં મુકી મકાન બંધ કરી તસ્કરોને આમંત્રણ આપી બહાર નીકળી જતા હોય છે.
બીજીતરફ, પોલીસ માટે મદદરૂપ થાય તે માટે વિવિધ સ્થળોએ લાગેલા સીસીટીવી કેમેરા પણ બંધ આવતા હોવાથી પોલીસને પણ આંખે અંધારા આવી જાય છે. ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સરળતા રહેતી હોતી નથી.