કૌટુંબીક પ્રસંગમાં જવાની ના કહેતા સુખપરમાં પરિણીતાનો આપઘાત
અબડાસાના સાંધાણ ગામના ગુમ થયેલા યુવકની પુલ નીચેથી કોહવાયેલી લાશ મળી
ભુજ: ખાવડાના રણ સીમાડે ઓરિસ્સાના મજુરનો કહોવાયેલો મૃતદેહ મળી આવ્યાનો બનાવ હજુ તાજો જ છે. ત્યાં અબડાસા તાલુકાના સાંધણ ગામના ગુમ થયેલા યુવકની લાશ મોડકા ચોકડી સુથરી નજીક પુલ નીચેથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. તો, ભુજ તાલુકાના સુખપર ગામે રહેતી પરિણીતાને પતિએ કૌટુંબીક પ્રસંગમાં જવાની ના કહેતાં ફાંસો ખાઇ જીવનનો ત્યાગ કરી દીધો હતો. પોલીસે બનાવને લઇ તપાસ શરૂ કરી છે.
કોઠારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ સાંધણ ગામેથી ગત ૪ એપ્રિલના બપોરના ત્રણ વાગ્યા બાદ મજુરી કામ અર્થે ઘરેથી નીકળી ગયેલા સુરેશ નાનજીભાઇ કટુઆ (ઉ.વ.૩૫) નામના યુવકની કોહવાયેલી લાશ સાંધણથી મોડકા તરફ જતા સુથરી ગામ નજીક પુલીયા નીચે પાણીમાં કોહવાયેલી લાશ મળી આવી હતી. કોઠારા પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર જે.જે.રાણાએ જણાવ્યું હતું કે, મૃતક સુરેશ કટુઆની ૬ એપ્રિલના રોજ પોલીસ મથકે ગુમ નોંધ દાખલ થઇ હતી. દરમિયાન શુક્રવારે સવારે મૃતક સુરેશની લાશ મોડકા ચોકડીથી સુથરી નજીક પુલીયા નીચેથી મળી આવતાં આ અંગે મૃતકના ભાઇ હરેશ નાનજીભાઇ કટુઆએ પોલીસને જાણ કરી હતી. હતભાગી યુવકની લાશ છેલ્લા છ-સાત દિવસથી પુલીયા નીચે પાણીમાં કોહવાયેલી પડી હોઇ યુવકના મોત પાછળનું કારણ જાણવા લાશને પીએમ માટે જામનગર એફએસએલમાં મોકલવામાં આવી છે. ફોરેન્સિક રીપોર્ટ આવ્યા બાદ યુવકના મોતનું કારણ જાણી શકાશે. હાલ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. તો, બીજીતરફ ભુજ તાલુકાના સુખપર ગામે રહેતી ૨૭ વર્ષીય દક્ષાબેન અજયભાઇ દાફડા નામની પરણીત મહિલાએ શુક્રવારે વહેલી પરોઢના ચાર વાગ્યે પોતાના ઘરે આડી પર દુપટ્ટા વળે ફાંસો ખાઇ જીવનનો અંત આણી દીધો હતો. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક વિગતોમાં મરણજનાર પરણીતાને તેમના કૌટુબમાં લગ્ન પ્રસંગમાં જવાનું હોઇ ઘરેથી ના કહેવામાં આવતાં જેનું મનપર લાગી આવવાથી આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું છે. જો કે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.