કચ્છના તાપમાનમાં સામાન્ય ઘટાડો પરંતુ આકરી ગરમીનો માર યથાવત : કંડલા એરપોર્ટ 44.1 ડિગ્રી
મધ્યાહ્ને સૂમસામ ભાસતા માર્ગો
ભુજમાં ૪૨.૫, કંડલા પોર્ટમાં ૩૭.૯ અને નલિયામાં ૩૬.૬ ડિગ્રી તાપમાન
ભુજ: હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે કચ્છના તાપમાનમાં સામાન્ટ ઘટાડો નોંધાયો છે. કંડલા એરપોર્ટ ૪૪.૧ ડિગ્રી સાથે રાજ્યનું ત્રીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. ભુજમાં મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૭.૯ ડિગ્રી અને નલિયામાં ૩૬.૬ ડિગ્રી નોંધાયું હતું. આકરા તાપના કારણે લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે ભુજ અને મુંદરાની બજારો તેમજ માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. જિલ્લામાં વધુ એક દિવસ આકરી ગરમી અનુભવાઈ હતી.
કંડલા (એ.) કેન્દ્રનું મહત્તમ તાપમાન સામાન્ય ઘટીને ૪૪.૧ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યનું ત્રીજા નંબરનું ગરમ મથક રહ્યું હતું. અંજાર - ગાંધીધામ વિસ્તારમાં સવારથી આગ વરસાવતી ગરમીનો પ્રારંભ થઈ જાય છે. બપોરના સમયે તાપની વધેલી તીવ્રતાથી જનજીવન ત્રાહીમામ પોકારી ઉઠે છે.
જિલ્લા મથક ભુજમાં તાપમાનનો પારો થોડો નીચે ઉતરીને ૪૨.૫ ડિગ્રીના આંકે સ્થિર રહ્યો હતો. તાપમાનનો પારો નીચે ઉતર્યો હતો પરંતુ આકરા તાપથી બહુ મોટી રાહત મળી નહોતી. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ ૭૨ ટકા નોંધાયું હતું. ઉંચા ભેજના પ્રમાણના કારણે અસહ્ય બફારા અનુભવાતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. સવારથી રાત્રિ દરમિયાન લોકો ત્રસ્ત થઈ જાય છે. છેલ્લા કેટલાય દિવસોથી આકરી ગરમી અનુભવાતા લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. માર્ગો સુમસામ બની જાય છે.
છેલ્લા એક સપ્તાહથી વિકાસશીલ મુંદરામાં પ્રખર તાપના કારણે જનજીવન પ્રભાવિત થયું હોવાનું પ્રતિનિધિએ જણાવ્યું હતું. સવારથી સુર્ય નારાયણ આકરો તાપ વરસાવવાનું ચાલુ કરી દે છે. બપોરથી સાંજ સુધી ગરમ લુની અસર વર્તાતા લોકો કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે. સતત ટ્રાફિકથી ધમધમતા બારોઈ રોડ તેમજ શહેરની મુખ્ય બજારોમાં લોકોની નહીવત હાજરીના કારણે માર્ગો અને બજારો સુમસામ ભાસી રહ્યા છે.
કંડલા પોર્ટ ખાતે મહત્તમ તાપમાન ૩૭.૯ ઢિગ્રી અને નલિયા ખાતે ૩૬.૬ ડિગ્રી નોંધાયું હતું.