નાના કપાયામાં અંગત અદાવતમાં બે યુવક પર નવ શખ્સનો ધારિયા, ટામીથી હુમલો
બરાયા, સાડાઉ, નવીનાળના શખ્સોએ કારમાં તોડફોડ કરી કાચો તોડી નાખ્યા
કેરાની જમીનનું પ્રકરણ પુરૂ કરવા ભુજમાં યુવાનને ચાર ઇસમે ધોકા, છરીથી માર માર્યો
ભુજ: મુંદરાના નાના કપાયા ગામે તેમજ ભુજમાં બનેલા હુમલાના અલગ અલગ બે બનાવમાં ત્રણ યુવકોને ઇજા પહોંચી હતી. જ્યારે પોલીસ સ્ટેશનમાં ૧૩ શખ્સો સામે રાયોટીંગ સહિતની કલમ તળે ગુનો નોંધાયો હતો.
મુંદરા તાલુકાના ડેપા ગામે રહેતા મહાવીરસિંહ રાણુભા જાડેજાએ મુંદરા પોલીસ મથકે બરાયા ગામના હરિસિંહ જાડેજા, સાડાઉ ગામના અકરમશા સૈયદ, અને નવીનાળ ગામના કલુભા ચાવડા તથા અજાણ્યા છ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી નાના કપાયા ખાતે શક્તિનગરમાં શક્તિ કોમ્પ્લેક્ષમાં આવેલી રીગલ ગૃપમાં ઓફિસમાં નવીનાળ ગામના નીરૂભા દોલુભા જાડેજા, રોહિતસિંહ શીવુભા જાડેજા, શક્તિસિંહ જીતુભા જાડેજા સાથે બેઠા હતા. ત્યારે આરોપી હરિસિંહ અન્ય શખ્સ સાથે ગાડીમાં આવીને ફરિયાદી સહિતનાઓને મારી નાખવાની ધમકી આપીને ફરિયાદીને પીઠના ભાગે ધારિયું માર્યું હતું. તેમજ નિરૂભા જાડેજાને પગમાં ટામી મારી ઇજા પહોંચાડીએ આરોપીઓએ ક્રેટા ગાડીના બધા કાચ તોડી નાખ્યા હતા. બનાવનો વિડીયો વાયરલ થયો હતો. મુંદરા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો, ભુજમાં સ્ટેશન રોડ પર પુનમ ચેમ્બર્સમાં રહેતા અને બ્લેક પેંથર નામે જીમ ચલાવતા સાહિદહમીદ ઇબ્રાહિમ સુમરાને કેરાની જમીનનું પ્રકરણ પુરૂ કરી નાખ જે તેમ કહીને મુજાઇદીન હિંજોરજા અને અન્ય ત્રણ શખ્સોએ ધોકા અને છરીથી માર મારી ઇજા પહોંચાડી હતી. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.