Get The App

નવી ભચાઉ : વ્યાજની ઉઘરાણી માટે ધમકી, ચાર વ્યાજખોરો સામે ફરિયાદ

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
નવી ભચાઉ : વ્યાજની ઉઘરાણી માટે ધમકી, ચાર વ્યાજખોરો સામે ફરિયાદ 1 - image


યુવાને ૫.૫૦ લાખ સામે ૪.૩૫ લાખ ચૂકવ્યા છતાં બળજબરીપૂર્વક સહી કરાવી કોરા ચેકો પડાવી લીધા 

ગાંધીધામ: મૂળ અરવલ્લીનાં હાલે ભચાઉ રહેતા અને નોકરી કરતા યુવાનને રૂપિયાની જરૂર પડતા યુવાને ત્રણ શખ્સો પાસેથી ઊંચા વ્યાજદરે અલગ અલગ સમયે કુલ ૫.૫૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાં યુવાને ટુકડે ટુકડે ત્રણેય શખ્સોને કુલ ૪.૩૫ લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા છતાં પણ વ્યાજખોરે એ પોતાની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. જેમાં યુવાનને ધાક ધમકી આપી તેના પાસે સહી કરેલા કોરા ચેક પડાવી લીધા હતા અને વ્યાજનાં રૂપિયા નહિ આપે તો મારી નાખીશું કહી ધમકી આપી હતી. જેથી યુવાને તેમના વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાવ્યો હતો.

મૂળ અરવલ્લી બાયડનાં હાલે નવી ભચાઉમાં રહેતા કનુભાઈ વિનુભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ફરિયાદીને રૂપિયાની જરૂરત પડતા ફરિયાદીએ ભચાઉનાં વોંધમાં રહેતા રફીકભાઈ લુહાર, ભચાઉનાં શંકરભાઈ ભીખાભાઇ કાંટીયા, અને નવી ભચાઉ રહેતા અજીતસિંહ દેવુભા જાડેજા પાસે  વ્યાજ પર રૂપિયા લીધા હતા. જેમાં ફરિયાદીએ રફીકભાઈ પાસે ૨ લાખ રૂપિયા લીધા હતા જેના બદલે ફરિયાદીએ તેમને ૨.૫૦ લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. શંકરભાઈ કાટિયા પાસે ફરિયાદીએ ૧૦ ટકા વ્યાજ પર ૩ લાખ રૂપિયા લીધા હતા. જેમાં શંકરે બે મહિનાનું એડવાન્સ વ્યાજ કાપી ફરિયાદીને ૨.૪૦ લાખ રૂપિયા આપ્યા હતા. તેમજ અજીતસિંહ પાસે ૧૦ ટકા વ્યાજે ફરિયાદીએ ૫૦ હજાર રૂપિયા લીધા હતા. જેમાં અજીતસિંહે પણ બે મહિનાનું વ્યાજ કાપી ફરિયાદીને ૪૦ હજાર રૂપિયા આપ્યા હતા. જેમાં ફરિયાદીએ અલગ અલગ સમયે ત્રણેય શખ્સો પાસેથી કુલ ૫,૫૦,૦૦૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાં ટુકડે ટુકડે કુલ ૪,૩૫,૦૦૦ લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. છતાં આરોપી રફીકભાઇ, શંકરભાઈ અને અજીતસિંહ ફરિયાદીને અવાર નવાર ધાક ધમકી કરી બળજબરી પૂર્વક ફરિયાદી પાસે સહી કરેલા કોરા ચેક મેળવી લીધા હતા. તેમજ અજીતસિંહ અને તેની સાથે દેવુભા જાડેજા ફરિયાદીને ભચાઉ જૂની મામલતદાર ઓફિસે બોલાવી વધુ વ્યાજનાં રૂપિયાની માંગળી કરી અને ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય શખ્સો વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમની કલમો હેઠળ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.


Google NewsGoogle News