રાપરના માખેલ પાસે સૂર્ય મંદિર નજીક તળાવના ખોદકામ વખતે પૌરાણિક મૂર્તિઓ મળી આવી
- વાગડ પંથક એ પાંડવકાલીન વિરાટનગર હોવાની લોકવાયકા
- આ મૂર્તિઓ એકાદ હજાર જૂની હોવા ઉપરાંત કાઠી દરબારના શાસન વખતની હોવાનું અનુમાન
ભુજ,શુક્રવાર
કચ્છનો વાગડ પંથકએ પાંડવ કાલીન વિરાટનગર હોવાની લોકવાયકા છે. અવારનવાર વાગડમાંથી પૌરાણિક અવશેષો મળી આવ્યાના પુરાવા છે ત્યારે વધુ એક વખત રાપર તાલુકાના માખેલના તળાવમાંથી પૌરાણિક મૂર્તિઓ મળી આવવા પામી છે.
રાપરના ગેડી, નાગતર, બાદરગઢ ,ચિત્રોડ, આડેસર સહિત ના વિસ્તારમાં પૌરાણિક અવશેષો મળ્યા છે. ત્યારે આડેસર નજીક આવેલા માખેલ ગામે પૌરાણિક સૂર્ય મંદિર નજીક આવેલા લખિયાસર તળાવમાં ખોદકામ દરમિયાન પૌરાણિક મૂર્તિ મળી આવી છે. આ અંગે માખેલના માજી સરપંચ ભરતભાઈ પરમાર મઢવી એ માહિતી આપતાં જણાવ્યું હતું કે હાઇવે રોડ પર આવેલા સૂર્ય નારાયણના મંદિર પાસે આવેલ લખિયાસર તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરી હતી. ખોદકામ દરમિયાન પૌરાણિક સાતસો થી એક હજાર વર્ષ મૂત મળી આવી છે. આ મૂર્તિ કાઠી દરબારના શાસન દરમિયાનની હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. આ મૂર્તિ મળી આવતા આ સૃથળે પૌરાણિક અવશેષો મળે એવી શક્યતા છે. માખેલમાં આવેલ પૌરાણિક સૂર્ય મંદિર ખાતે પણ અનેક પાળિયાઓ આવેલા છે જે મુગલ શાસન વખતે સુર્ય મંદિરની રક્ષા કરવા માટે લડી શહાદત વહોરી હતી. આ સૃથળ પર જો પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરી સંશોધન હાથ ધરવામાં આવે તો ઐતિહાસિક વારસો બહાર આવે તેવી માંગણી માજી સરપંચ ભરતભાઈ મઢવીએ કરી છે.