ગુજરાતના આ શહેરમાં રહસ્યમય ફ્લૂના ભરડામાં પિતા બાદ પુત્રનું પણ મોત થતાં કુલ 17 હોમાયા
આરોગ્યમંત્રીનો કાફલો કચ્છમાં ત્યારે 24 કલાકમાં 3 મોત
ભારાવાંઢમાં જ કુલ 5 વ્યકિતના મોત થયાઃ લખપત તાલુકામાં 300 દર્દીઓ સારવાર હેઠળ, 250 આરોગ્ય કર્મચારી કાર્યરત
Bhuj News | કચ્છ જિલ્લાના અબડાસા તેમજ લખપત તાલુકામાં ભેદી બીમારીથી ટપોટપ મોત થવાનો સીલસીલો જારી છે. આજે વધુ એક દર્દીનું મોત નીપજયું હતું. અબડાસાના ભારાવાંઢમાં છેલ્લા 24 કલાકમાં પિતા- પુત્ર સહિત 3 ના મોત થયા છે. જિલ્લામાં આ મૃત્યુનો કુલ આંક 17 પર પહોંચ્યો છે.રાજયના આરોગ્ય મંત્રી, પ્રભારી મંત્રી અને આરોગ્ય સચિવનો કાફલો કચ્છમાં છે તે વચ્ચે વધુ એક મોતની ઘટનાએ તંત્રને દોડતું કર્યું છે. મંત્રીઓએ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજી તે વચ્ચે ભેદી રોગચાળો અટકવાનું નામ લેતું ન હોય તેમ ભેદી બીમારીથી વધુ એક યુવકના મોતના પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.
અબડાસાના ભારાવાંઢમાં રહેતા 42 વર્ષિય અલાના જત અને તેનો 15 વર્ષિય પુત્ર બંને સોમવારે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. દરમિયાન, મંગળવારે પુત્રનું મોત નીપજયું હતું. પુત્રના મોતના પગલે ભાંગી પડેલા પિતા અલાના સારવાર અધવચ્ચે મુકીને પરત ઘરે ચાલ્યો ગયો હતો. આજે તેના ટ્રેસીંગ માટે આરોગ્ય તંત્રની ટીમ તપાસ કરતી હતી ત્યારે જ તેના નિવાસ સ્થાને અલાનાએ દમ તોડી દીધો હતો. છેલ્લા 24 કલાકમાં ભારાવાંઢમાં આ બંને પિતા પુત્ર અને 36 વર્ષિય મહિલા મીસબેન અબુબકર જત એમ કુલ ત્રણના મોત થયા છે. કચ્છમાં અત્યાર સુધી ભેદી રોગચાળાનો ભોગ બનેલા 17 લોકોના મોત નીપજયા છે.
ખોબા જેવા ભારાવાંઢ ગામમાં અત્યાર સુધીમાં કુલ પાંચના મોત થયા છે. અહિંના સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, ગામમાં પાંચ મોત બાદ હવે સરકાર સફાળી જાગી છે. જો આગોતરા પગલાં ભરાયા હોત તો નિર્દોષ વ્યકિતઓના જીવ બચાવી શકાયા હોત. ભારાવાંઢમાં આરોગ્ય વિભાગની ટીમોએ ધામા નાખ્યા છે. દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ગામ લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે.
લખપત તાલુકામાં દર્દીઓથી ઓપીડી ઉભરાઈ રહી છે. હાલમાં 300 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ૨૫૦થી વધુ કર્મચારીઓ ભેદી બીમારીને નાથવા માટે પ્રયત્નશીલ છે. દવા છંટકાવ સહિતની કામગીરી માટે 35 ટીમો તૈનાત રખાઈ છે. બેખડો, સાન્ધ્રોવાંઢ, મોરગર, મેડીવાંઢ, ભારાવાંઢ, લાખાપર સહિતના વિસ્તારમાં દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે. પુના મોકલવામાં આવેલા સેમ્પલના પરીક્ષણની રાહ જોવાઈ રહી છે.
બીજીતરફ, રોગચાળાના કહેર વચ્ચે લખપત તાલુકાના છેવાડાના વિસ્તાર સુધી પાણીની તકલીફ ઉભી થઈ છે. પાણીના ટેન્કર શરૂ કરવામાં આવ્યા છે પણ પુરતું પાણી મળતું નથી.
જામનગરથી બે અને બોટાદથી એક ટીમ કચ્છ પહોંચી
કચ્છના છેવાડાના અબડાસા- લખપત તાલુકામાં ભેદી બીમારીને નાથવા આરોગ્ય વિભાગની ટીમોને કચ્છમાં ઉતારવામાં આવી છે. ગત રોજ રાજયના આરોગ્ય મંત્રી, પ્રભારી મંત્રી અને આરોગ્ય સચિવ પહોંચ્યા હતા તો બીજીતરફ જામનગર અને બોટાદ જિલ્લામાંથી તબીબ, સીએમઓ સહિત આરોગ્ય વિભાગની ટીમો અબડાસા- લખપત પહોંચી છે. એમ્બ્યુલન્સ સાથે પહોંચેલી ટીમોમાં જામનગરથી 8 સભ્યોની બે ટીમ અને બોટાદથી ચાર સદસ્યોની એક ટીમ કચ્છ આવી છે.