Get The App

ગુજરાતમાં બુલડૉઝરવાળી... 600થી વધુ ઝૂંપડા તોડી પડાતાં 5000થી વધુ શ્રમિક પરિવાર બેઘર થયા

Updated: Sep 6th, 2024

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં બુલડૉઝરવાળી... 600થી વધુ ઝૂંપડા તોડી પડાતાં 5000થી વધુ શ્રમિક પરિવાર બેઘર થયા 1 - image


- રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી પોર્ટના ખાડી વિસ્તારમાં 

- નવા કંડલાના બન્ના વિસ્તાર ઉપરાંત જૂના કંડલાના ઈફકો ઝુંપડા વિસ્તારમાં વહેલી પરોઢથી બુલડોઝર ફરી વળ્યાઃ ૫ હજાર શ્રમિક પરિવારો બેઘર બન્યા

- ૨૦૦ એકરમાં હતું દબાણ, ૨૫ જેસીબી, ૧૨ હિટાચી હાઈડ્રા મશીન અને કાટમાળ હટાવવા ૨૦૦ ટ્રકો- ડમ્પરોની મદદ લેવાઈ 

- દબાણ હટાવવા પોર્ટ પ્રશાસન ઉપરાંત સીઆઈએસએફના ૨૦૦ કર્મચારીઓ અને સાડા પાંચસો  જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે રહ્યા

ગાંધીધામ: દેશ વિદેશમાં જાણીતા અને નામના ધરાવતા કંડલા પોર્ટ આસપાસ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા આજરોજ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. કચ્છના સૌથી મોટા ડિમોલેશનમાં ૬૦૦ થી વધુ દબાણો દુર કરાયા હતા.  આ દબાણો દુર થતાં અંદાજીત ૪૦૦ કરોડની જમીન દબાણ મુક્ત થઈ છે. નવા કંડલાના બન્ના વિસ્તાર ઉપરાંત જૂના કંડલાના ઇફકો ઝૂંપડા તરીકે ઓળખાતા વિસ્તારમાં  અઢી કિલોમીટરમાં પથરાયેલા દબાણો દૂર થયા બાદ પાંચ હજારથી વધુ શ્રમિક પરિવાર બેઘર બન્યા છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તેમજ એસ.આર.પી.નો કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો. દબાણકારોને વખતોવખત નોટીસો પાઠવાઈ હતી તેમ છતાં નોટીસોની અવગણના કરાતા આજે વહેલી પરોઢે દીન દયાળ પોર્ટ ઓથોરીટી દ્વારા બુલડોઝર સહિતના સાધનો સાથે દબાણો દુર કરવાની કામગીરી કરાતા ફફડાટ મચી ગયો હતો. સમુદ્ર ખાડીને સમાંતર કોસ્ટલ લેન પર અંદાજે ૨૦૦ એકર જમીન પર પોર્ટ પ્રશાસન દ્વારા ૬૦૦ જેટલા ઝુંપડા હટાવાયા હતા. ચાર પાંચ દાયકાથી ૨૦૦ એકર જમીનમાં આ દબાણ પથરાયેલું હતું. દબાણ હટાવવાની કામગીરીમાં પોર્ટ પ્રશાસન ઉપરાંત સીઆઈએસએફના ૨૦૦ કર્મચારીઓ અને સાડા પાંચસો  જેટલા પોલીસ કર્મચારીઓ, પચ્ચીસેક જેસીબી, બાર જેટલા હિટાચી  હાઈડ્રા મશીન, કાટમાળ હટાવવા ૨૦૦ જેટલી ટ્રકો અને ડમ્પરોની મદદ લેવાઈ હતી.

આ અંગે મળતી માહિતી મુજબ લગભગ ૫૦ વર્ષથી પણ વધુ સમયથી માછીમારી કરતાં લોકો કંડલામાં વસવાટ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ગુનાખોરી વધી હતી. તંત્રના જણાવ્યા મુજબ પોર્ટ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા અને અને કોસ્ટલ સુરક્ષાને ધ્યાનમાં રાખી આ કામગીરી કરવામાં આવી હતી. આમ તો વર્ષોથી દબાણ હટાવવા માટે નોટિસો, બેઠકોનો દોર ચળેલો છે. પરંતુ છેલ્લા ૬-૮ મહિનાથી આ કામગીરી વધુ સખત બનાવવામાં આવી હતી. જેમાં સ્થાનિકોને સ્વેચ્છાએ દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણ હટાવવામાં ન આવતા ૩ દિવસ પહેલા આખરી નોટિસ આપવામાં આવી હતી અને બુધવારે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સલામત સ્થળે ખસી જાઓ તેવી એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી હતી. છતા દબાણકારો ન હટતા ગુરુવારે સવારે ૫ વાગ્યે બુલડોઝરનો મોટો કાફલો લઈ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કાચા બાંધકામ અને ઝોપડીઓ મળી કુલ ૬૦૦ થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. નવા કંડલાના બન્ના વિસ્તાર ઉપરાંત જૂના કંડલાના ઇફકો ઝૂંપડા તરીકે ઓળખાતા વિસ્તારમાં આ કામગીરી કરાઇ હતી. આ બંને વિસ્તારોમાં મળી કુલ ૬૦૦થી વધુ દબાણ હટાવવામાં આવ્યા હોવાનો દાવો કરાયો હતો. 

આ અંગે ડીપીએ દ્વારા વિગતો આપતા જણાવાયું હતું કે, અઢી કિલોમીટરના વિસ્તારમાં આ કામગીરી કરવામાં આવી છે. જેમાં લગભગ તમામ દબાણો ખાલી કરાવી નાખવામાં આવતા અંદાજિત ૪૦૦ કરોડના કિમતની જમીન દબાણમુક્ત કરાવી નાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં મોટા ભાગે દબાણ હોવાથી અહી શું વિકાસકામ કરવો  તે ખુદ તંત્રએ જ નક્કી કર્યું ન હતું. હવે આ વિસ્તાર દબાણમુક્ત કરાયો છે. ત્યારે આગામી સમયમાં અહી વિકાસકામો કરાશે તેવી ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી.  

બેઘર મહિલા-બાળકો ઘરવખરી સાથે રસ્તે રઝળતે જોવા મળ્યા 

૬૦૦થી વધુ દબાણો હટાવવામાં આવતા અહી રહેતા લોકો બેઘર બની ગયા હતા. જેથી તંત્રએ તે લોકોને જો પોતાનો સામાન અન્યત્ર ખસેડવો હોય તો ટ્રેક્ટર સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પરંતુ બેઘર બનેલા લોકો ક્યાં જશે તેની ચિંતા કરાઇ ન હતી અને દબાણ હટાવવાની કામગીરી કર્યા બાદ સ્થાનિકોને પડતાં મૂકી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને બાળકો અને મહિલાઓ પોતાની ઘરવખરી સાથે રસ્તે રઝળતા જોવા મળ્યા હતા. 

વાવાઝોડા સમયે માંડ ૫૦-૬૦  ઝુંપડા હતા, પછી ૫૦૦ બંધાયા 

આ અંગે સ્થાનિકેથી એવું જાણવા મળ્યું હતું કે, વર્ષ ૧૯૯૮ના વાવાઝોડા સમયે અને તે બાદના અમુક સમય સુધી આ વિસ્તારમાં માંડ ૫૦-૬૦ જેટલા ઘરો હતા પરંતુ તે બાદ અચાનક અહી દબાણનો રાફડો ફાટયો હતો અને નવલખી વિસ્તાર બાજુના લોકો અહી આવી વસવાટ કરવા લગતા ૬૦૦થી વધુ ઝૂપડા બંધાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. 

વરસાદી સીઝન બાદ દબાણ હટાવવાની વાત હતી!

આ અંગે રોશનઅલી સેંધાણીના જણાવ્યા અનુસાર ગત ૨૨-૮ના રોજ ડીપીએ ના દબાણ શાખા દ્વારા સ્થાનિકે આવી એક દીવાલ પર નોટિસ ચીપકાવી દબાણ હટાવવાની વાત રખાઇ હતી. ૮-૧૦ મહિના પહેલા ગટર અને પેટ્રોલિયમ પાઇપ ઢાંકઈ જતી હોવાથી ૧૫-૨૦ દુકાનો હટાવવાની વાત હતી. જે બાદ અચાનક ૧૦૦ જેટલા દબાણો હટાવવા પડશે તેવી મૌખિક વાત કરાઇ હતી. અને ૨૨-૮ના નોટિસ ચિપકાવવામાં આવતા સ્થાનિકો ડીપીએ ના ચેરમેનને મળવા ગયા હતા અને દબાણ હટાવવાની કામગીરી વરસાદી સિઝન બાદ કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી. જેથી ચેરમેને ખાતરી પણ આપી હતી. છતાં સ્થાનિકો સાથે વિશ્વાસઘાત કરી અચાનક તંત્ર દબાણ હટાવવા તૂટી પડયું હતું. 

પોર્ટ બન્યો તે પહેલાથી માછીમારો અહીં વસવાટ કરે છે 

સ્થાનિકોના જણાવ્યા મુજબ પોર્ટને ૬૦ વર્ષ થયા પણ સ્થાનિકો અહી ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી અહી વસવાટ કરે છે. અત્યારે જ્યાં પોર્ટ છે ત્યાં સ્થાનિકો રહેતા હતા પરંતુ ત્યાં પોર્ટ બનાવવાની વાત આવતા ત્યાંથી ખસી જીરો પોઈન્ટ પાસે રહેવા આવ્યા હતા ત્યાં પણ વિકાસ કામ કરતાં અંદાજિત ૫૦ વષથી હાલના બન્ના વિસ્તારમાં લોકો રહેવા આવ્યા હતા. ખારીરોહર અને તુણામાં અહીથી જ લોકો ગયા છે અને વસવાટ કરી માછીમારી કરે છે. સ્થાનિક લોકો અહીના જ છે છતાં તેમને ઉધોગપતિઓના ઇશારે બળજબરીથી ટાર્ગેટ કરી હટાવવામાં આવ્યા હોવાના આક્ષેપો કરી સ્થાનિકોએ તેમના માટે કોઈપણ પ્રકારની  તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. સવારથી ભૂખ્યા બેઠા હોવા છતાં પરિવાર વચ્ચે એક માત્ર બિસ્કિટનો પેકેટ અપાયો હોવાની વાત પણ સ્થાનિકોએ કરી હતી. 

Tags :