Get The App

મીઠીરોહરની પરિણીતા અને તેના પરિવારનાં 8 સભ્યો છેતરી રૂ. 1.26 લાખ પડાવી લીધા

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
મીઠીરોહરની પરિણીતા અને તેના પરિવારનાં 8 સભ્યો છેતરી રૂ. 1.26 લાખ પડાવી લીધા 1 - image


ઠગબાજ અકરમ વિરુદ્ધ હવે ગાંધીધામમાં પણ ફરિયાદ નોંધાઈ 

જિલ્લા ઉદ્યોગમાં લોન કરાવી આપીશ કહી ભુજનાં ઠગબાજે છેતરપિંડી આચરી, અંજારમાં વિડીયો વાયરલ થયા બાદ ગુનાઓ નોંધાયા  

ગાંધીધામ: ગાંધીધામના મીઠીરોહરમાં રહેતી પરિણીતા સાથે ભુજના ઠગબાજ અકરમે જિલ્લા ઉદ્યોગમાં લોન કરવાનું કહી પરિણીતા અને તેના પરિવારનાં ૮ સભ્યો પાસે કુલ ૧.૨૬ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. પરિણીતા અને તેના સભ્યોને તમારા નામે રૂ. ૫.૫ લાખ રૂપિયાની લોન મંજુર થઇ છે જેમાં ચેક મેળવવા ચાર્જ ભરવુ પડશે કહી મોબાઈલ ફોન દ્વારા અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરાવી રૂપિયા પડાવી લીધા હતા. અંજારમાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ ઠગબાજ અકરમને માર મારી તેનો વિડીયો ઉતાર્યો હતો. જેમાં તેણે ૨૨ લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું કબૂલ્યું હતું. આ ઘટના બાદ અકરમ વિરુદ્ધ છેતરપિંડીની હવે બીજી ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. 

ગાંધીધામના મીઠીરોહરમાં રહેતા વસંતીબેન દેવરાજભાઇ દેવીપૂજકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદીને ભુજમાં જિલ્લા સરકારી ઉદ્યોગ કેન્દ્રની લોન મેળવવા માટે ભુજમાં રહેતી ફરિયાદીની બહેને આરોપી અકરમ અનવર સુમરાનાં મોબાઈલ નંબર આપ્યા હતા. જેમાં અક્રમે જિલ્લા ઉદ્યોગની લોન મેળવવા માટે ફરિયાદીને ફોર્મનાં ચાર્જ પેટે રૂ. ૫,૫૦૦ ચૂકવવાનું કીધું હતું. જેમાં ફરિયાદી સરકારી લોન લેવાની લાલચમાં આવી ગયા હતા અને આરોપી અકરમે વધુ લોકોને લોન કરાવવી હોય તો કહેજો તેવી ઓફર આપી હોવાથી ફરિયાદીએ તેના પરિવારનાં જ કુલ ૮ સભ્યોની લોન કરવાનું કહ્યું હતું. જેમથી તેમના પણ ડોક્યુમેન્ટ આરોપીને આપ્યા હતા. જેથી આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તમામ સભ્યોનાં નામે રૂ. ૫,૫૦,૦૦૦ લાખની લોન મંજુર થઇ છે કહી, ફરિયાદી અને તેમના પરિવારનાં સભ્યો પાસે લોન કરવાના ચાર્જ પેટે અલગ અલગ ઓનલાઇન ટ્રાન્જેકશન કરાવી કુલ ૧,૨૬,૦૦૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા . જે બાદ અકરમની મોડસ ઓપરેન્ડી મુજબ લોન કરી આપી ન હતી. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંજારમાં અકરમને માર માર્યા બાદ ખંડણી, માર મારી અને અપહરણની અકરમે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ છેતરપિંડીનો ભોગ બનનાર મહિલાએ અકરમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ બાદ ભોગ બનનારોએ આગળ આવી અકરમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસે અપીલ કરતાં હવે મીઠીરોહરની મહિલાએ અકરમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News