ગેરકાયદે ખનન પ્રવૃત્તિ કરનારા માફિયાઓ પર તરાપ, કચ્છમાં એકસાથે 18 ટ્રકો પકડાઈ
લાકડીયા અને ગાગોદારની હદમાં કાર્યવાહીથી ફફડાટ
ભચાઉ પ્રાંત અધિકારીની ટિમ અને ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડ દ્વારા કરાઇ કાર્યવાહી, ૫.૪૦ કરોડનો મુદ્દામાલ કરાયો કબ્જે
ગાંધીધામ: સમગ્ર રાજ્યમાં ક્વોરી તેમજ ખાણોમાં પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે ખનન પર રોક લાગી છે. રાજ્ય સરકારના આદેશના પગલે ખાણ ખનીજ વિભાગે ઈસી ન હોય તેવી લીઝના એટીઆર બંધ કરી દેતા કચ્છમાં પણ ખનન પ્રવૃત્તિ ઠપ્પ થઈ છે. જો કે હજુ પણ કચ્છના ગેરકાયદેસર ખનન અને વહનની પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. માન્ય લીઝોના એટીઆર બંધ કરી દેવામાં આવતા જાણે ખનીજ ચોરી કરતાં તત્વોને મોકો મળી ગયો હોય તેમ કચ્છમાં અને ખાસ કરીને વાગડ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરીનું પ્રમાણ વધ્યું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડની ટીમે મોડી રાત્રે ચાઈનાકલે ખનીજનું ગેરકાયદે વહન કરતા તત્વો પર કાર્યવાહી કરી હતી અને ૧૮ વાહનોને ઝડપી પાડયા હતા.
અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્યવંશી અને ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક મેહુલ શાહની ટીમ દ્વારા ગુરુવારની મોડી રાત્રે ભચાઉ તાલુકાના લાકડીયા આડેસર હાઈવે પર ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમ્યાન લાકડીયા પોલીસ સ્ટેશનની હદમાં અધિકૃત રોયલ્ટી પાસ વગર ચાઈનાકલે ખનીજનું વહન કરતી ૧૬ ટ્રકોને એક સાથે ઝડપી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ગાગોદર પોલીસ સ્ટેશનની હદ માંથી પણ અધિકૃત રોયલ્ટી પાસ વગર ચાઈનાકલે ભરીને નીકળેલ બે ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. આમ એક જ રાત્રી દરમ્યાન ડેપ્યુટી કલેકટર અને ખાણ ખનીજ વિભાગની ફલાઇંગ સ્કવોડ ખનીજ ચોરી કરતા તત્વો પર સપાટો બોલાવી ગેરકાયદેસર ચાઈનાકલેનું વહન કરતા ૧૮ વાહનો પકડી પાડયા હતા. આ દરોડામાં કુલ ૫.૪૦ કરોડનો મુદ્દામાલ લાકડીયા અને ગાગોદર પોલીસ સ્ટેશને કસ્ટડીમાં સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાહન માલિકો પાસેથી ૫૪ લાખની દંડનીય વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવશે. તેવું પણ જણાવવામાં આવ્યું હતું.