માંડવી-મુંદ્રાને નર્મદાના નીર આપો, નહીં તો ચક્કાજામ
- ખેડૂતો આકરા પાણીએ : સત્તામાં બેઠેલા લોકોનું જો ન ચાલતું હોય તો રાજીનામા આપી દો
- બિનરાજકીય ચિંતન બેઠકમાં રાજકીય આગેવાનો પર કરાયા આકરા પ્રહારો : ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી દોઢ લાખ રૂપિયા પગાર લેતા ધારાસભ્યોની છે
માંડવી, તા. 1 જાન્યુઆરી 2019, મંગળવાર
બિદડા ગામ પાસે માંડવી-મુંદ્રા વિસ્તારના ખેડૂતોની એક ચિંતન બેઠક બિનરાજકીય રીતે નર્મદાના પાણી ખેતરે-ખેતરે કેમ પહોચેં, ચેકડેમો, તળાવો કેમ ઝડપથી ભરાય? તે માટે મળી હતી. જો સમયસર પાણી ન મળે તો આડેસર અને સુરજબારી પાસે ચક્કાજામ કરવાની પણ ચર્ચા કરાઈ હતી.
બિદડામાં મળેલી બેઠકના અધ્યક્ષસથાને હંસરાજભાઈ ધોળું રહ્યા હતા. આ બેઠકમાં હરખચંદભાઈએ આક્રોશ સાથે જણાવેલ કે , વર્ષોથી નર્મદાના પાણીની માંગ છે. છતાં આજ દિવસ સુધી તંત્રને કે સરકારને કાને વાત પહોંચતી નથી, વાડી-ખેતરો સુકાઈ ગયા છે,૧૯૮૦થી ૧૯૯૦ દરમિયાન કિસાન સંઘનું જેવું સંગઠન હતું તે ફરી થવું જોઈએ, જે બિનરાજકીય હોવું જોઈએ. સરકાર સામે લડાઈ કરવી હોય તો તમામ ગામોના લોકો-મજૂરોને એકઠા કરવા પડશે સાથે કચ્છના ખેડૂતો ભેગા થઈને આડેસરના નાકે બેસી જવા અપીલ કરી હતી. જ્યારે માવજીભાઈ ગાજપરીયાએ નર્મદાના પાણી સિવાય કોઈ ઉપાય ન હોવાનું જણાવી, પીયાવા પાસે નર્મદાની લાઈનનો દાખલો આપતા જણાવેલ કે, પાણીનો નિકાસનો પ્રોપર નકશો આયોજકો પાસે ન હતો.
જેથી તે અટકાવવામાં આવયો હતો. કેનાલના આયોજન સમયે ખેડૂતોને સાથે રાખવા જોઈએ અને સતા પર બેઠેલાઓનું જો ચાલતું ન હોય તો તેઓએ રાજીનામું આપી દેવું જોઈએ. અરવિંદસિંહ જાડેજાએ જન ભાગીદારીથી થતા પાણીના કામની માહિતી આપતા જણાવ્યું હતું કે ૩ વર્ષ અગાઉ રૂપિયા ૧.૧૦ કરોડના ટાટા સી.જી.પી.એલ. તથા ગામ લોકોએ જનભાગીદારીથી ૧૧ એકરમાં ૧૭ ફુટ ઉંડુ કામ કરેલ અને ચીકણી માટી કાઢી નાખવામાં આવી છે.
જેમાં ૭ ફુટ પાણી આવેલ અને ટી.ડી.એસ.માં સુધારો થયેલ. બીજી વખત ૭૦+૭ મળી ૭૭ લાખના ખર્ચે જન ભાગીદારીથી કામ કરવામાં આવ્યું હતું. ઈરીગેશનને સાથે રાખી ડ્રીપ પધ્ધતીથી ૧૭૦૦ એકરમાં પાણીનો સમાવેશ થવાનો અંદાજ રજૂ કરેલ. જેમાં ફરાદી, નાની-મોટી ખાખર, બિદડા, નાના-મોટા ભાડીયા, ટુન્ડા, કાંડાગરા, વાંઢ, ત્રગડી વિગેરે દસેક ગામોને ઉપરોક્ત કામગીરીથી ફાયદો થવાનો છે. લીક નં. ૨ અને ૩ અંતર્ગત નર્મદાનું પાણી ઝડપથી મળે તો ઉપરોક્ત તમામ ગામોનો પ્રશ્ન હલ થાય. પ્રદેશ ભા.કિ.સં.માં પ્રતિનિધિ વિરમભાઈએ જણાવ્યું હતું કે સરકાર જ્યાં સુધી વાતચીત દ્વારા માની જાય તો આંદોલન કરવાની જરૂરત ન હોવાનું અને દરેક કાર્યમાં રાજકરણ જરૂરી નથી.
કિસાન સંઘના કિશોરભાઈએ ચૂંટાયેલા ધારાસભ્યોને આડે હાથ લેતા જણાવેલ કે તેઓ માત્ર સેવા નથી કરતા દોઢ લાખ રૂપિયા પગાર મેળવે છે. માટે નૈતિક જવાબદારી ચૂંટાયેલા લોકોની છે. કચ્છની પ્રજા સ્થળાંતર કરે તેના પહેલા કચ્છને પાણી મળે તે જરૂરી છે. આ બેઠકમાં માંડવી, મુંદરા તાલુકાના ગામે-ગામથી ખેડૂતો ચિંતન શિબિરમાં જોડાયા હતા.