ગાંધીધામમાં વ્યાજખોરોના ત્રાસથી મંડળી સંચાલક યુવાનનો આપઘાત

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
ગાંધીધામમાં વ્યાજખોરોના ત્રાસથી મંડળી સંચાલક યુવાનનો આપઘાત 1 - image


સહકારી મંડળી ચલાવતા યુવાનના કોરોના કાળના કારણે રૂપિયા ફસાઈ જવાથી વ્યાજે લીધા હતા 

ગાંધીધામ: ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં સહકારી મંડળી ચલાવતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ લેતા આદિપુરના બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે કરિયાદ નોંધાઈ હતી. 

આ અંગે ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં આવેલા વાલ્મીકિ નગરમાં રહી દશામા સાડી સેન્ટર નામની દુકાન ચલાવતા મિત્તલબેન ભાવિન ઠક્કરે આદિપુરના મોહિત ભાનુશાલી અને મયંક ગઢવી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીના પતિ શિવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ નામની સહકારી મંડળી ચલાવતા હતા અને ડોર ટુ ડોર વેપારીઓ પાસે નાની રકમની ઉઘરાણી કરતા હતા અને તે નાણાં અન્ય વેપારીઓને આપી બાદમાં જે રકમ આવતી તેમાંથી નાના વેપારીઓને વ્યાજ સાથે પરત આપવાના હતા, પરંતુ કોરોના કાળમાં જે વેપારીઓને પૈસા આપ્યા હતા, તેમના ધંધા બંધ થઈ જતાં પૈસા પરત આવ્યા ન હતા, જેથી ભાવિન ઠક્કર પરેશાન રહેતો હતો. દરમિયાન આ યુવાને આદિપુરના મોહિત ભાનુશાલી અને મયંક ગઢવી પાસેથી વ્યાજે પૈસા લઈ વેપારીઓ પાસેથી ડાયરી પેટેના લીધેલા પૈસા ચૂકવી આપ્યા હતા. દરમિયાન ભાવિન છેલ્લા અમુક મહિનાથી વ્યાજ ન આપી શકતા બંને આરોપીએ ભાવિનને બજારમાં રોકી તેને માર માર્યો હતો. ત્યાં તેનો નાનો ભાઈ રાહુલ આવતાં તેને પણ માર માર્યો હતો, જેના કારણે આ યુવાન માનસિક તણાવમાં હતો. દરમ્યાન તા. ૩-૭ના આ વેપારી યુવાને ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી આ બંને વ્યાજખોરોએ યુવાનને મારવા મજબૂર કરતાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 


Google NewsGoogle News