નકલી સોનાના બિસ્કીટ સાથે માધાપરનો રીઢો ચીટર ભુજથી ઝડપાયો
ધનતેરસના સસ્તા સોનાના નામે કોઇને પીતળ પકડાવા નીકળ્યો હતો
એલસીબીએ ૧૬ પીતળના બિસ્કીટ, કાર અને મોબાઇલ કબ્જે કર્યા
પ્રાપ્ત વિગતો મુજબ ભુજમાં સસ્તુ સોનું વેચવાના ઇરાદે નીકળેલા મુળ નખત્રાણાના કોટડા જડોદર ગામના હાલ માધાપર નવાવાસ કેવલ હોમ્સ ખાતે રહેતા અમિતકુમાર અમૃતલાલ સોની નામના ચીટરને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયો હતો. આરોપીના કબજાની સ્વીફ્ટ કારમાંથી પીતળ જેવી ધાતુના ૧૬ નંગ બિસ્કીટ મળી આવ્યા હતા. આરોપીના કબ્જામાંથી એક લાખની કાર પીતળ જેવા લાગતા ધાતુના ૧૬ બિસ્કીટ અને મોબાઇલ કબ્જે કરીને આરોપી વિરૂધ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. આરોપી અમિતકુમાર સામે અગાઉ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઠગાઇ અને પ્રોહિબીશનનો કેસ નોંધાયલ છે. તેમજ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુનો નોંધાયેલ છે. આ રીઢા આરોપી પાસેથી વધુ વિગતો ઓકાવવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ કામગીરી એલસીબીના ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમાના માર્ગ દર્શન હેઠળ તેમની ટીમના સભ્યોએ કરી હતી.
ઠગાઇ કરવા ચીટરોને નકલી બિસ્કીટના સપ્લાયર કરતો હતો
પીતળના ૧૬ બિસ્કીટ સાથે પકડાયેલો અમિતકુમાર સોની ભુજના ચીટરોને છ હજારમાં એક બિસ્કીટ વેચતો હોવાની એલસીબીને માહિતી મળી હતી. દરમિયાન અમિતકુમાર નકલી સોનાના બિસ્કીટ લઇને ચીટરો સુધી પહોંચે તે પહેલા મોટાપીર દરગાહ પાસેથી એલસીબીની ટીમના હાથે ઝડપાઇ ગયો હતો. આરોપી પકડાઇ જતાં ભુજના કુખ્યાત ચીટરોને મળતા નકલી સોના બિસ્કીટનો ોત બંધ થઇ ગયો હતો.