અંજારમાં કુહાડીનો ઘા મારી પોલીસ કર્મચારીની હત્યા નિપજાવનારને આજીવન કેદની સજા

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
અંજારમાં કુહાડીનો ઘા મારી પોલીસ કર્મચારીની હત્યા નિપજાવનારને આજીવન કેદની સજા 1 - image


થુંક ઉડવા બાબતે થયેલી બોલાચાલી બાદ બન્યો હત્યાનો બનાવ, કોર્ટે ૨૭ સાક્ષી-૪૩ પુરાવા ચકાસ્યા

ગાંધીધામ: અંજારમાં સાડા ત્રણ વર્ષ પહેલા અંજારના વિજયનગરમાં બાઈક લઈને જતાં ૪૭ વષય હેડ કોન્સ્ટેબલના માથામાં પાછળથી કુહાડી ઝીંકી સ્થળ પર મૃત્યુ નીપજાવનારા હત્યારા યુવકને અંજાર સેશન્સ કાર્ટે સખ્ત આજીવન કેદની સજા ફટકારી છે.

આ હત્યાનો બનાવ ૨૫-૧૧-૨૦૨૦ની સાંજે સાડા પાંચના અરસામાં અંજારની જૂની કાર્ટ પાછળ વિજયનગરમાં અંબાજી મંદિર નજીક બન્યો હતો. મૃતક વિજયકુમાર ખીમજી ચૌહાણ (રહે. રાઘવ રેસિડેન્સી, અંજાર) પશ્ચિમ કચ્છમાં હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે માતાના મઢ ખાતે વાયરલેસ ઓપરેટર તરીકે કામ કરતાં હતાં. ૧૯ વર્ષીય હત્યારા સુનીલ નારણ મહેશ્વરી સાથે મૃતકને ઘટનાના એકાદ માસ અગાઉ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. એ જ રીતે, હત્યાના ચારેક દિવસ અગાઉ સવાસર બગીચામાં સુનીલ થૂંકવા જતાં થૂંક ઉડીને વિજય ચૌહાણના શર્ટ પર પડતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે સમયે સુનીલે વિજય ચૌહાણને જોઈ લેવાની ધમકી પણ આપી હતી. બનાવના દિવસે મૃતક મોટર સાયકલ પર વિજયનગરમાં ભાડે આપેલા મકાન તરફ જતા હતા ત્યારે સુનીલે પાછળથી કુહાડીથી ઘાતક હુમલો કરતાં સ્થળ પર જ વિજયનું મૃત્યુ નીપજ્યું હતું. સુનીલે માથા ઉપરાંત બંને સાથળમાં કુહાડીના ઘા માર્યાં હતા. બનાવ અંગે પૂર્વ કચ્છ પોલીસ દળમાં ફરજ બજાવતા વિજયના નાના- ભાઈ અશોક ચૌહાણે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ધરપકડ થઈ ત્યારથી સુનીલ જેલમાં છે. તેની વિરુધ્ધ અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે કેસ ચાલ્યો છે. આ કેસમાં સરકાર તરફે ૨૭ સાક્ષી અને ૪૩ દસ્તાવેજી પૂરાવા રજૂ થાય હતા. સાતમાં અધિક સેશન્સ જજ બિન્દુ ગોપાલક્રિશ્ના અવસ્થીએ સુનીલને દોષી ઠેરવી આજીવન કેદની સજા સાથે ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં મદદનીશ સરકારી વકીલ આશિષ પી. પંડયાએ ટ્રાયલ દરમિયાન ધારદાર દલીલો કરી તહોમત પૂરવાર કરીને સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.



Google NewsGoogle News