Get The App

કુકમાનો તલાટી અને વચેટીયો બે લાખની લાંચ લેતા પકડાયાઃ ગ્રા.પં.સભ્ય ભાગ્યો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
કુકમાનો તલાટી અને વચેટીયો બે લાખની લાંચ લેતા પકડાયાઃ ગ્રા.પં.સભ્ય ભાગ્યો 1 - image


કચ્છમાં મકાનની આકારણી કરાવવા ચાર લાખની લાંચ

મૂળ બનાસકાંઠાના વતની તલાટી, મહિલા સરપંચના પુત્રએ ૫૦ ટકા લાંચની રકમ દાબેલીની દુકાને આપવાનું કહ્યુંઃ એસીબીની કાર્યવાહીમાં રકમ રીક્વર   

ભુજ: એ.સી.સી. પશ્વિમ કચ્છ ભુજ દ્વારા ભુજ તાલુકાના કુકમા ગ્રામ પંચાયતના લાંચિયા તલાટી કમ મંત્રી  તેમજ ગ્રામ પંચાયતના સભ્ય એવા મહિલા સરપંચનો પુત્ર તેમજ એક વચેટીયાને  ઝડપી પાડવામાં આવ્યા છે. મકાનની આકારણી કરી આપવા માટે તલાટી તેમજ ગ્રામ પંચાયતના સભ્યએ ચાર લાખની લાંચ માંગી હતી. જેના એડવાન્સ પેટે બે લાખ માંગ્યા હતા પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઈ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા આજરોજ તલાટી કમ મંત્રી વાઘસિંહ પરમાર તેમજ નાસ્તાની લારી ઉપર જે જગ્યાએ લાંચ આપવાની હતી તે વચેટીયા નિરવ પરમારને પકડી પાડવામાં આવ્યા હતા જયારે મહિલા સરપંચનો પુત્ર એવા ગ્રામ પંચાયતના સભ્ય હાથમાં આવ્યો ન હતો.

ફરિયાદીએ ગામમાં  પોતાનું મકાન બનાવેલું છે. મકાન જૂનું છે, લાઈટ બીલ છે પરંતુ આકારાણી બાકી હતી. મકાનની આકારણી દાખલ કરવા માટે કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વર્ગ - ૩ વાઘસિંહ તેજસિંહ વાઘેલા તેમજ પંચાયતના સભ્ય ઉતમ શિવલાલ રાઠોડનો સંપર્ક કર્યો હતો. બંને જણાએ આ કામ કરાવી આપવા પેટેની અવેજીમાં ૪ લાખની લાંચ માંગી હતી. તે રકમના એડવાન્સ પેટે ૨ લાખ અને બાકીની રકમ મકાનની આકારણી બાદઆપવાનું નક્કી કરાયું હતું. જયારે એડવાન્સની ૨ લાખની રકમ આજરોજ આપવાનો વાયદો હતો. પરંતુ  લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે પશ્વિમ કચ્છ  એસીબીનો સંપર્ક કર્યો હતો.

તલાટી કમ મંત્રી અને પંચાયત સભ્યએ પોતે રૂબરૂ નાણાં લેવાના બદલે કુકમા ગામના બસ સ્ટેશન પાસે દાબેલીની લારી ચલાવતાં નિરવભાઈ વિજયભાઇ પરમારને રૂપિયા આપી દેવા જણાવ્યું હતું.  એસીબીએ લાંચનું છટકું ગોઠવીને તલાટી કમ મંત્રી અને જે વ્યકિત લાંચ આપવાનું નક્કી કરાયું હતું તેવા શિવસાગર નાસ્તા સેન્ટરના વચેટીયા નિરવભાઈ વિજયભાઈ પરમાર સાથે એસીબીએ હેતુલક્ષી વાતચીત કરી પકડી પાડયો હતો. જયારે મહિલા સરપંચ રસીલાબેન શિવલાલ રાઠોડનો પુત્ર એવો ગ્રામ પંચાયતનો સભ્ય ઉત્તમ રાઠોડ પકડાયો નથી. આવતીકાલે પકડાયેલા તલાટી અને વચેટીયાને કોર્ટમાં રજુકરાશે. તલાટી કમ મંત્રીનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાનું લાખણી છે. આ કાર્યવાહીમાં ટ્રેપીંગ અધિકારી તરીકે એલ.એસ.ચૌધરી (ઈન્ચાર્જ, પોલીસ ઈસ્પેકટર, પશ્વિમ કચ્છ) એસીબી પો.સ્ટે, ભુજ સહિતનો સ્ટાફ જોડાયો હતો. જયારે સુપરવિઝન અધિકારી તરીકે કે.એચ.ગોહિલ મદદનીશ નિયામક, એસીબી બોર્ડર એકમ ભુજ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, લાંચીયા તલાટી તેમજ ગ્રામ પંચાયતના સભ્ય લાંચ લેતા પકડાય નહીં તે માટે પોતે રકમ સ્વીકારતા ન હતા અને લાંચની રકમ કુકમા ગામના બસ સ્ટેશન પાસે આવેલી દાબેલીની દુકાન ચલાવતા એક પોતાના મળતિયા પ્રજાજનનો લોકોને સંપર્ક કરાવતા હતા. 

વર્ષ ૨૦૨૧ ના સમયગાળા દરમિયાન ભૂજના લાંચરુશવત વિરોધી બ્યુરોએ  કુકમા ગામના મહિલા સરપંચ કંકુબેન વણકરના પતિ, ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અમૃતલાલ વણકર સહિતના ત્રણ જણાને છટકાના સ્વરૂપમાં દરોડો પાડી રૂપિયા ચાર લાખની રકમની લાંચ લેતા ઝડપી પાડયા હતા.એ સમયે પણ આકારણી અને મંજૂરી આપવા અને કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા લાંચ લેવામાં આવી હતી. વળી, તાજેતરમાં રાજકોટની આગજનીની ઘટનામાં પકડાયેલા ફાયર બ્રિગેડ ઈન્સ્પેકટર પણ કુકમા ગામના વતની છે. આમ, કુકમા ગામ ફરી એક વખત મોટા માથાઓ દ્વારા લાંચની માગણીને લઈ ફરી ચર્ચામાં આવ્યું છે.


Google NewsGoogle News