પોલીસ કાર્યવાહીના ફોટા પાડવા મુદે ભુજમાં યુવાન પર છરીથી હુમલો
મિત્રને મારથી છોડાવા વચ્ચે પડતાં યુવાન હુમલાનો ભોગ બન્યો
ભુજ: માધાપરમાં પોલીસની ટ્રાફિકની કાર્યવાહીના ફોટા કેમ પાડયા કહીને બે શખ્સોએ ભુજના જ્યુબીલી સર્કલ પાસે યુવાનને છરીનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ભુજ મુંદરા રોડ પર નીલકંઠનગરમાં રહેતા અને ચાની હોટલ ચલાવતા ભાવેશભાઇ મુકેશભાઇ પરમારએ નિઝામ મોગલ અને ઇરફાન બલોચ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફરિયાદીના મિત્ર રાજુભાલ રતિરામ પ્રજાપતિને જ્યુબેલી સર્કલ પાસે મળવા બોલાવીને આરોપી નિઝામએ કહ્યુ હતું કે, માધાપર પોલીસ ચોકી આગળ પોલીસે રિક્ષા ડીટેઇન કરી હતી. તેના ફોટા કેમ તે પાડયા હતા. તેમ કહીને ગાળા ગાળી કરી હતી. ફરિયાદીએ ગાળો દેવાની ના કહેતા આરોપી નિઝામે ફરિયાદી પર છરીથી હુમલો કર્યો હતો. ફરિયાદીએ હાથ આડો મુકી દેતાં ફરિયાદી ભાવેશભાઇને ખભાથી કોણી સુધી ગંભીર ઇજા પહોંચી હતી. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.