Get The App

કેસર કેરી પછી ગુજરાતના બીજા ફળ કચ્છી ખારેકને GI ટેગ મળ્યો

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
કેસર કેરી પછી ગુજરાતના બીજા ફળ કચ્છી ખારેકને GI ટેગ મળ્યો 1 - image

image : Socialmedia

- કચ્છ એકમાત્ર એવો પ્રદેશ છે જ્યાં દેશની 85 ટકા ખારેક થાય છે, કચ્છની ખારેક વિશ્વની અનોખી ખારેક છે

અમદાવાદ, સોમવાર

કચ્છની ખાસિયત બની ગયેલી કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળ્યો છે. ગુજરાતમાં કેસર કેરી પછી કચ્છી ખારેક બીજુ ફળ  છે જને કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ, ડિઝાઈન એન્ડ ટ્રેડમાર્ક અંતર્ગત જીઓગ્રોફિકલ ઈન્ડેક્સ ટેગ આપવામાં આવ્યો છે. કચ્છના ખેડૂતોની આ એક મોટી વૈશ્વિક ઉપલબ્ધિ છે.

કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ, ડિઝાઈન એન્ડ ટ્રેડમાર્ક (સીજીપીટીડી)એ હાલમાં જ એક યાદી બહાર પાડી હતી જેમાં યુનાઈટેડ ફાર્મર પ્રોડયૂસર કંપની દ્વારા કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળે એ માટે સંયુક્ત રજૂઆતો કરવામાં આવી હતી. જેની અરજી સરદાર કૃષિનગર દાંતિવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા જૂન 2021માં કરવામાં આવી હતી. જે અંતર્ગત દાંતિવાડા યુનિવર્સિટીના તે સમયના રિસર્ચ સાયન્ટિસ્ટ સી.એમ.મુરલીધરને મુન્દ્રા ખાતે કચ્છી ખારેકનો વિકાસ થાય તે માટેના પ્રયત્નો કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કચ્છી ખારેકને આ જે દરજ્જો મળ્યો છે તે એક બહુ મોટી કૃષિ સફળતા છે. આના થકી કચ્છની ખારેકને એક અલગ દરજ્જો મળ્યો છે. આના કારણે કચ્છના ખેડૂતોમાં તેને લઈને માર્કેટિંગ અને ઉત્પાદનની નવી માનસિક્તા ઊભી થશે.

2011માં ગુજરાતના ગીરમાં થતી કેસર કેરીને જીઆઈ માર્ક મળ્યો હતો. એ પછી કચ્છી ખારેક બીજું ફળ છે. જો કે કૃષિ શ્રેણીમાં ગુજરાતના ભાલીયા ઘઉંને જીઆઈ માર્ક મળેલો છે.

કચ્છમાં છેલ્લા 400 વર્ષથી ખારેક આવી હોવાનું મનાય છે. મધ્ય એશિયાઈ વિસ્તારોમાંથી હજ કરીને આવતાં વેપારીઓ દ્વારા કચ્છના મુન્દ્રા વિસ્તારમાં ખજૂરનો વિકાસ થયો હોવાનું મનાય છે. એવો પણ ઉલ્લેખ છે કે કચ્છના રાજાઓને ત્યાં આરબ ગાર્ડનરો કામ કરતાં અને તેમણે ખારેકની ઉત્તમ જાત વિકસાવી હોય.હાલમાં કચ્છમાં બે કરોડ ખારેકના વૃક્ષો છે. જેમાંથી 17 લાખ જેટલાં દેશી જાતના છે. ખારેકનું દરેક વૃક્ષ પોતાની રીતે આગવું અને અનોખું છે. મુન્દ્રાની દરેક વાડીમાં થતી ખારેકની આગવી ખાસિયતો છે. જેમાં સ્વાદથી લઈને રંગની વિવિધતા જોવા મળે છે.જીઆઈ જર્નલમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે કચ્છ એકમાત્ર એવો પ્રદેશ છે જ્યાં દેશની 85 ટકા ખારેક થાય છે. સામાન્ય રીતે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ખારેકના ફૂલો આવે છે. જુન-જૂલાઈમાં તેને ઉતારવામાં આવે છે. હાલમાં ગુજરાતની 19 હજાર હેક્ટર જમીનમાં ખારેકનું ઉત્પાદન થઈ રહ્યું છે.


Google NewsGoogle News