પોક્સોના જુદા જુદા ત્રણ કેસોમાં બે ને 20-20 વર્ષની અને એક આરોપીને 10 વર્ષની કેદ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
પોક્સોના જુદા જુદા ત્રણ કેસોમાં બે ને 20-20 વર્ષની અને એક આરોપીને 10 વર્ષની કેદ 1 - image


ત્રણે કેસમાં ૧૫ લાખનો દંડ ફટકારી, સગીરાઓને વળતરના ૧૬ લાખ ચુકવવા કર્યો હુકમ

ભુજ: ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટે શુક્રવારે અલગ અલગ ત્રણ કેસોમાં માંડવીના ગઢશીશા અને નખત્રાણાના વાલી દેવીસરના બે આરોપીઓને ૨૦-૨૦ વર્ષની તો, ભુજના નાગલપરના આરોપીને દસ વર્ષની સજા સાથે ત્રણે આરોપીઓને ૧૫ લાખનો દંડ ફટકારી ભોગબનાર ત્રણેય સગીરાને વળતર પેટે રૂપિયા ૧૬ લાખ ચુકવી આપવા આદેશ કર્યો છે. 

ગઢશીશા ગામના આરોપી દિનેશ રામજી કોલીએ ગત ૨૫ ઓકટોબર ૨૦૨૦ના રોજ ૧૭ વર્ષની સગીરાને સગાઇ તોડી નાખવાનું કહીને પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં સગીરાનો હાથ પકડીને ગામની સીમમાં લઇ ગયો હતો. રાત્રે સીમમાં ત્રણ વખત અને બીજા દિવસે ફરીથી પારસ ટેકરી બાજુ અવાવરૂ ભંગામાં એક વખત એમ ત્રણ વખત મરજી વિરૂધ સબંધ બાંધ્યો હતો. ગઢશીશા પોલીસે આરોપી સામે દુષ્કર્મ પોક્સોનો ગુનો નોંધીને પુરાવા સાથે ચાર્જસીટ રજુ કરી હતી. આ કેસમાં ૧૯ દસ્તાવેજી પુરાવા અને ૧૫ સાક્ષીઓ તપાસીને આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા સાથે ૫ લાખનો દંડ તેમજ દંડની રકમમાંથી ૪ લાખ સગીરાને વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો હતો. તથા નખત્રાણાના વાલી દેવીસર ગામના આરોપી મુકેશ ભીમજીભાઇ આહિરની ૧૭ વર્ષની સગીરા સાથે ફોન પર વાચતિત થતી હતી. દરમિયાન ભોગબનાર સગીરા ભુજ આવીને ભુજથી અમદાવાદ ગઇ હતી. ત્યાંથી સગીરાએ આરોપીને અમદાવાદ આવવાનું કહ્યું હતું. આરોપીએ સગીરાને ભચાઉ બોલાવીને ભચાઉ એસટી ડેપોથી થોળે દુર આરોપીએ સગીરા સાથે શરીર સબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ અમદાવાદ ગયો હતો. ત્યાંથી પરત આવીને ફરી સગીરા સાથે ભચાઉ એસટી ડેપોમાં શરીર સબંધ બાંધ્યો હતો. જે સબબ ગત ૩ માર્ચ ૨૦૨૦ના રોજ આરોપી સામે નખત્રાણા પોલીસ મથકે દુષ્કર્મ પોક્સોનો કેદ દાખલ થયો હતો. જેની ચાર્જ સીટી મુકતાં કોર્ટે ૧૭ દસ્તાવેજી પુરાવા અને ૧૪ સાક્ષીઓને તપાસ્યા બાદ આરોપીને ૨૦ વર્ષની સજા સાથે ૫ લાખનો દંડ અને દંડની રકમમાંથી ૪ લાખ સગીરાને વળતર પેટે ચુકવી આપવા આદેશ કર્યો હતો. ભુજ તાલુકાના નાગલપર ગામના આરોપી અકરમ શાબાન સંધાર અને તેમના મિત્રએ સગીરા અને તેની માસીની દિકરી બહેનને બાઇક પર બેસાડીને ભુજથી અંજાર અને ત્યાંથી ચારેય જણાઓ લકઝરીથી ભચાઉ ગયા હતા. ભચાઉ બસ સ્ટેશન પાસે આવેલી અવારૂ બિલ્ડીંગમાં ચારેય જણાઓ રોકાયા હતા. જ્યાં આરોપી અકરમે સગીરા સાથે બળજરીથી બે વખત શરીર સબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ મોરબી ગયા હતા. ત્યાં આરોપી અકરમે ફરી સગીરા સાથે શરીર સબંધ બાંધ્યો હતો. જે અનુસંધાને આરોપી અકરમ સામે પધ્ધર પોલીસ મથકે ગત ૧૭ જુલાઇ ૨૦૧૮ના રોજ દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ તળે ગુનો નોંધાયો હતો. કેસની ચાર્જ સીટ રજુ કરાયા બાદ કોર્ટે ૩૩ દસ્તાવેજી પુરાવા અને ૧૪ સાક્ષીઓ તપાસીને આરોપી અકરમને ૧૦ વર્ષની સખત કેદની સજા સાથે ૫ લાખનો દંડ અને દંડની રકમમાંથી ૪ લાખ સગીરાને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો. આ ત્રણેય આરોપીઓને ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટના જજ વી.એ.બુધ્ધએ સજા ફટકારી હતી. જેમાં પ્રોસિક્યુશન તરફે પોક્સો એક્ટના ખાસ સરકારી વકીલ એચ.બી.જાડેજાએ ત્રણેય કેસમાં દલીલો કરી હતી.


Google NewsGoogle News