અંજારમાં લાયસન્સ લઇ 50 વેપારીઓએ બજાર માંડીને લાયસન્સ વગરના 60થી વધુ પંડાલો લાગ્યા
તંત્રની લાપરવાહીનો ભોગ બનતા ફટાકડા બજારના વેપારીઓ
ગાંધીધામમાં ઠીક લાગે ત્યાં ફટાકડાની દુકાનો, ફાયર સેફટી એટલે શું એ તો વેપારીઓ જાણતા જ નથી
પ્રાપ્ત માહિતી અનુસાર અંજાર અને ગાંધીધામ ફટાકડા બજારમાં ધંધો કરતા વેપારીઓના જણાવ્યા મુજબ અંજારની ફટાકડા બજારમાં કુલ ૫૦ જેટલા વેપારીઓએ હંગામી લાઇસન્સ મેળવી ધંધો શરૂ કર્યો છે તો ગાંધીધામની ફટાકડા બજારમાં ૧૨૫ થી વધારે વેપારીઓએ હંગામી લાયસન્સ મેળવી ધંધો શરૂ કર્યો છે. તો બીજી તરફ અંજારમાં કોઈ પણ પ્રકારનો લાયસન્સ ન મેળવ્યું હોવા છતાં જાહેર રોડ ઉપર અને લોકોને નુકસાન થાય તે રીતે કે પછી ફાયર સેફ્ટી કે અન્ય કોઈપણ પ્રકારની ધ્યાન રાખ્યા વગર ૬૦થી વધુ પંડાલો ઊભા કરી દેવામાં આવ્યા છે. તો મુખ્ય બજાર એવી ૧૨ મીટર રોડ અને અને સ્થળોએ સૌથી વધુ લારીધારકો ફટાકડા વેચી રહ્યા છે જેના કારણે ગ્રાહકો ફટાકડા બજાર સુધી પહોંચતા જ નથી અને લાખો રૂપિયાનો રોકાણ કરી અને લાયસન્સ મેળવ્યા બાદ પણ વેપારી હાથ ઉપર હાથ ધરીને બેઠો રહ્યો છે.તો ગાંધીધામમાં તો આનાથી પણ વધુ ખરાબ હાલત છે. ગાંધીધામ અને આદિપુર શહેરની વાત કરીએ તો આ બંને સ્થળોએ મળી ૧૫૦ થી વધુ પંડાલો જાહેર રોડ ઉપર જોવા મળે છે. જે પંડાલોમાં ગ્રાહકોની ભીડ હોય છે જ્યારે ફટાકડા બજારમાં માણસો દેખાતા જ નથી. તો બીજી તરફ ગાંધીધામ ફટાકડા બજારમાં લાગવગ ધરાવતા અને વર્ષોથી પોતાને આગેવાન કહેતા તત્વો દ્વારા ભેદભાવ કરી અન્ય વેપારીઓને પાછળની દુકાનો જ્યારે પોતાની દુકાનો આગળ રાખી થોડા ઘણા ગ્રાહકો આવે તો પણ ખેંચી લેતા હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. જો આ પ્રકારે ચાલશે તો આવતા વર્ષ સુધીમાં અંજાર અને ગાંધીધામ એમ બંને ફટાકડા બજારના વેપારીઓ લાયસન્સ વગર જાહેરમાં ધંધો કરવા લાગશે તેવું ખુદ વેપારીઓએ જણાવ્યું હતું.
અંજાર પ્રાંત અધિકારીને ઓફિસથી બહાર નીકળવાનો સમય મળે તો વેપારીની સમસ્યા દૂર થાય
અંજારના પ્રાંત અધિકારી સુનિલ સોલંકી આઈ.એ.એસ હોવા છતાં વહીવટી અનુભવ ન હોવાના કારણે આજે નિયમ મુજબ ચાલતા વેપારીઓને પીળા હોવા છતાં તેમને દેખાતી ન હોવાના સુર ઊભા થયા છે. માત્ર પોતાની ઓફિસમાં બેસી અને કાગળ પર ઓર્ડર કરવાની જગ્યાએ જો જાતે ઇન્સ્પેક્શન કરે અને પોલીસને કડક સૂચના આપી તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર રીતે ઉભા થયેલા ફટાકડાના પંડાલો માંથી માલ જપ્ત કરવામાં આવે તો ફટાકડા બજારના વેપારીની દિવાળી સુધરી શકે નહીંતર તમામ વેપારીઓની દિવાળી બગડે તેવા આસાર દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ અંજારના પ્રાંત અધિકારી પોતાની ઓફિસથી બહાર નીકળે અને એમને સમય મળે તો વેપારીઓની સમસ્યા દૂર થાય તેવું ખૂદ વેપારીઓ જણાવી રહ્યા હતા.
ગાંધીધામમાં લાયસન્સ લઈને દુકાન ખોલ્યા બાદ બહાર પણ પંડાલ માંડયો
ગાંધીધામની સ્થિતિ તો એવી છે કે એકલદોકલ વ્યક્તિના પ્રભાવના કારણે સમગ્ર વેપારીઓ પીડાઈ રહ્યા છે. આ કહેવાતા મોટા માથાઓ લાયસન્સ ની પ્રક્રિયા કરી અને કરાવ્યા બાદ પોતાનો સ્ટોલ ફટાકડા બજારમાં તો રાખે છે પરંતુ વધુ ધંધો ખેંચી લેવાના મોહમાં તેઓ લાયસન્સ વગર જાહેરમાં પંડાલ દ્વારા પણ ધંધો કરી રહ્યા છે. ડબલ બાજુથી નફો મેળવવાના ચક્કરમાં બજારમાં જે જગ્યાએ પંડાલ મૂકવામાં આવ્યું છે ત્યાં એક પણ પ્રકારની ફાયર સેફટી રાખવામાં ન હોવી હોવાના વિડિયો પણ વાયરલ થયા છે. તો બીજી તરફ એક પેટ્રોલ પંપ ના ૫૦ મીટર થી પણ ઓછા અંતરમાં ફટાકડાની દુકાન ધમધમતી હોવા છતાં અને તંત્રને આ બાબતનું ધ્યાન હોવા છતાં હજુ સુધી એક પણ વખત તેના પર કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી પણ તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેની આંગળી ચીંધાઇ રહી છે.