ભુજના આંબેડકરનગરમાં ઉભરાતી ગટરો અને ગંદકીથી રહીશો પરેશાન
ચોમાસાની સીઝનમાં જ ગટરોના પાણી ઘર સુધી પહોંચ્યા
સ્થાનિક રહેવાસીઓએ ભુજ પાલિકાને રજુઆત કરી છતાં સફાઈ ન કરાતાં રોગચાળો ફેલાવાનો ભય
ભુજ: ભુજના દાદુપીર રોડ પર આવેલા આંબેડકર નગરના રહેવાસીઓ ઉભરાતી ગટર અને કચરાના ગંજના કારણે ત્રાહીમામ પોકારી ઉઠયા છે.નગરપાલિકાને વારંવાર રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા સફાઈ અંગે કોઈ કામગરી હાથ ધરવામાં આવતી ન હોવાનો રહેવાસીઓએ ઉભરો ઠાલવ્યો હતો.પરીણામે સ્થાનિક લોકોને રોગચાળો ફાટી નિકળવાનો ભય સતાવી રહ્યો છે.
ભુજ શહેરમાં અનેક જગ્યાએ ઉભરાતી ગટરો અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ભુજના રેલ્વે સ્ટેશન માર્ગ પર દાદુપીર રોડ પાસે બાબબા સાહેબ આંબેડકર વાસ આવેલો છે. આ વિસ્તારમાં ગટરના ઉભરાતા ગંદા પાણી હવે લોકોના ઘર સુધી પહોંચી આવ્યા છે.લોકોને ઘરની બહાર પગ કેમ મુકવો તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે. બીજી બાજુ કચરાના ઢગલા ખડકાઈ ગયા છે. ઘરના બાળકો જે શાળાએ જતા હોય છે તેમને તેમજ વડીલોને પગપાળા ચાલવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ગટરના પાણી ઘણા સમય થી ઉભરાઈ રહ્યા છે. જે અંગે નગરપાલિકામાં અનેક વખત જાણ કરવામાં આવી છે. તેમ છતાં ગટરની સમસ્યાનો નિવારણ કરવા માટે નગરપાલિકા કચેરી તરફથી કોઈ વ્યક્તિ કે કર્મચારી આવ્યા નથી. સાફ સફાઈ ન કરવાના જાણે સમ ખાધા હોય તેમ આ વિસ્તારમાં સાફસફાઈ પણ કરવામાં આવતી નથી. જેથી ઠેર ઠેર કચરાના ઢગલા ખડકેલા દેખાઈ રહ્યા છે.
ચોમાસાની ઋતુ દરમ્યાન માખી અને મચ્છર જન્ય રોગચાળો ફેલાતો હોય છે ત્યારે આવો રોગચાળો ન ફેલાય તે માટે ભુજ નગરપાલિકાએ સાફ સફાઈ અંગે તકેદારી રાખવાની જરૂરીયાત હોય છે. પરંતુ અહિં તો ઉલ્ટું થઈ રહ્યું છે. અહિં કચરા અને ગંદકીની કાળજી રાખી જાણે રોગચાળાને ખુલ્લું આમંત્રણ અપાતું હોય તેવો તાલ સર્જાયો છે. ખરેખર, ગટરના પાણીનો સત્વરે નિરાકરણ કરી અને ગંદકીને સત્વરે સાફસફાઈ કરવામાં આવે તે ઈચ્છનીય છે.